વલસાડમાં રહેતી સિલ્લુને ઉંઘ નહોતી આવી રહી. તેનું હૃદય જોરથી ધબકી રહ્યું હતું. ઘડિયાળના કાંટાનો પણ અવાજ જાણે સંભલાઈ રહ્યો હતો. મનમાં યાદોનું જંગલ સળગી રહ્યું હતું અને માર્ચ મહિનાની ઠંડક શરીરમાં લાગી રહી હતી.
બહેરામને ગુજર્યાને ફકત છ મહિના થયા હતા. પરંતુ પચાસ વર્ષના સુખી જીવનને તમે 6 મહિનામાં કેવી રીતે ભુલી શકો. એવી એક પણ ક્ષણ નહોતી જયારે બહેરામની યાદ નહોતી આવતી.
બહેરામ વલસાડમાં તેમના માયબાવા સાથે રહેતો. તેમનું પોતાનું સુંદર નાનું એવું વીલા જેવું ઘર હતું. અને વલસાડ સ્ટેશન પર જ તેમની પોતાની બેકરી હતી. 22 વર્ષની ઉંમરે સીલ્લુના લગ્ન બહેરામ સાથે થયા હતા. બહેરામના પ્રેમમાં સિલ્લુ ભીંજાઈ ગઈ હતી. દિવસે ને દિવસે સિલ્લુના પ્રેમનો બગીચો ખીલતો હતો પરંતુ તેમના બગીચામાં એક ફુલ ન ખીલ્યું. ઘણાં તબીબી ઉપાયો કરવામાં આવ્યા. પરંતુ તે સમયે આપણી જીઓ પારસી સ્કીમ નહોતી. છેલ્લે સિલ્લુ અને બહેરામ એકલા જ રહ્યા. ઉંમર થતા બહેરામના માય-બાવા ગુજરી ગયા અને ફરી સિલ્લુ અને બહેરામ એકલા રહી ગયા. બહેરામે પોતાના મનને મનાવી લીધું અને છેલ્લે સિલ્લુને પણ સમજાવ્યું. તેઓએ પોતાનું મન બનાવી લીધું હતું કે ફૂલો તેમની દુનિયામાં ક્યારેય નહીં આવે.
જો તમારી પાસે ઘરની સામે બગીચો ન હોય તો પણ, બીજા લોકોના બગીચામાં ફૂલો જોતા તમે ભરપુર આનંદ ઉઠાવો છો. તેઓ પડોશીઓ અને સબંધીઓનાં બાળકો સાથે સમય પસાર કરતા. તેમને મદત પણ કરતા. દિવસો વરસોમાં પલાટાવા લાગ્યા. સિલ્લુની 60મી વર્ષગાંઠ બહેરામે ઘણી ધામધુમથી ઉજવી. ગરીબોને દાન આપવામાં આવ્યું. ઉંમર વધતા બહેરામને બેકરીના કામમાં મુશ્કેલી આવવા લાગી તેના મિત્રએ જીમી મર્ચન્ટનું નામ આગળ કર્યુ. જીમી અનાથ હતો તેના કોઈ સગાએ તેને હોસ્ટેલમાં ભણાવ્યો. જીમીએ હોટલ મેનેજમેન્ટનો કોર્સ કર્યો હતો. અને કોઈ કામની તલાશમાં હતો.
બહેરામે તેને પોતાના જ ઘર માં એક ઓરડો રહેવા આપી દીધો. દેખાવમાં રૂપાળો, ભુરા ભુરા વાળ વાલો જીમી એક જ નજરમાં સામેવાળાને પોતાના બનાવી લેતો. તેણે બહેરામ અને સિલ્લુના મનમાં પહેલી મુલાકાતમાંજ કાયમી સ્થાન બનાવ્યું.
જીમી તેમના માટે વૃદ્ધાવસ્થાના આધારે અશો જરથુસ્ત્ર દ્વારા મોકલેલો દેવદૂત સમાન હતો.
કદાચ બહેરામ અને સિલ્લુના જીવનમાં દીકરાનો પ્રેમ લખાયેલો હશે તેમ જીમી રહેવા આવ્યાની સાથે સવારે ઘર આગળના બગીચામાં સાફ-સફાઇ કરતો, ઝાડને પાણી પીવડાવતો. સિલ્લુને ઘરેલું ચીજવસ્તુઓ લાવી આપતો. અને પછી બહેરામને મદદ કરવા બેકરીમાં જતો. જીમીના આવ્યા, પછી બેકરીનું કામ વધવા લાગ્યું.
બહેરામ અને સિલ્લું હૃદયમાં સંગ્રહ કરેલા પ્રેમનો વરસાદ વરસાવતા હતા. તઓનું જીવન જીમી આવ્યા પછી સંપુર્ણ બની ગયું હતું પરંતુ આ ખુશી લાંબો સમય ટકી નહીં. અને બહેરામે સિલ્લુનો હાથ જીમીના હાથમાં આપી તેની સંભાળ કરવા કહ્યું અને બહેરામ ગુજર પામ્યા.
જીમી એક માની જેમ સિલ્લુનું ધ્યાન રાખતો. તેમને ઘરકામથી લઈ બધા કામમાં મદદ કરતો સાથે બેકરી પણ
ચલાવતો. માર્ચ મહિનો શરૂ હતો. નવરોઝ આવવાની તૈયારી હતી. સિલ્લુ દર વરસે નવરોઝને દિવસે ઈરાનશા ઉદવાડા પગે લાગવા જતા. જીમીને બેકરી પ્રોડકટના એક સેમીનાર માટે મુંબઈ આવવું પડ્યું. પરંતુ તેણે સિલ્લુને પ્રોમીશ આપ્યું કે તે નવરોઝની આગલી રાતે નહીં તો સવાર સુધીમાં આવી જશે અને નવરોઝને દિને તેને ઉદવાડા લઈ જશે.
સિલ્લુ આજે ફરી એકલા હતા. રાત થઈ હતી તે જીમીની રાહ જોઈ રહ્યા હતા. જીમી ગાડી લઈને ગયો હતો. એટલે કયારે પણ આવી શકે તેનું સિલ્લુ વિચારતા હતા. કાલે ઉદવાડા જવાશે કે નહીં તે વિચારી રહ્યા હતા. આટલા વરસોમાં કયારે પણ તેઓએ ઉદવાડા જવાનો ખાડો પાડયો નહોતો. બહેરામ હમેશા તેને ઉદવાડા ઈરાનશાના દર્શને લઈ જતા. પરંતુ સિલ્લુને મનમાં હતું કે કદાચ આ વરસે ઉદવાડા નહીં જવાય. આ વરસે તેમના ધણી તેમના વહાલા બહેરામ તેમની સાથે નહોતા. તેમની યાદ કરતા સિલ્લુની આંખમાંથી આંસુ સરી આવ્યા. કાલે નવરોઝનો સબકતો દિવસ હતો. બહેરામ આગલે દિવસે બધી તૈયારી કરતા. સિલ્લુને ઘર ખાલી ખાલી લાગી રહ્યું હતું અને તેઓ એકલા એકલા રડતા હતા. કાલે ઉદવાડા જવાશે કે નહીં તે વિચારી મન વધુ ભરાય જતું હતું. અશો જરથુસ્ત્રને યાદ કરતા તેઓ સુઈ ગયા.
વહેલી સવારે તેઓ જાગ્યા. તેમનું શરીર થોડું જડ થઈ ગયું હતુ. મન અશાંત હતું. તબિયત સારી નહોતી લાગતી. જાણે શરીરમાં તાકાત નહોતી તેવું લાગી રહ્યું હતું. પરંતુ આજે નવરોઝનો દિવસ હોવાથી તેઓ નાહી ધોઈ ચોકચાંદન કર્યુ. તેટલામાં જ દરવાજાની બેલ વાગી. સિલ્લુએ દરવાજો ખોલ્યો દરવાજો ખોલતાની સાથે જ ચંદન અને સુખડની સુગંધ આખા ઘરમાં પ્રસરી ગઈ. સામે જીમી ઉભો હતો. સિલ્લુ જીમીને જોઈ ખુબ ખુશ થઈ ગયા. જીમીએ કોટી કરી સિલ્લુના શરીરમાં એક નવી ચેતના જાગૃત થઈ અંગો ખૂબ હળવા થઈ ગયા. જાણે કોઈ મોટો બોજો ઉતરી ગયો હોય તેવુ લાગ્યું જાણે કે ચમત્કાર થયો હોય તેમ. ‘આ કેવો પરફ્યુમ લગાડયો છે જીમી? સુખડ અને ચંદનની સુગંધ આવે છે. જાણે કે આપણે ઈરાનશામાં ન હોઈએ તેવી સુગંધ, સિલ્લુ બોલ્યા.
જીમીએ નવરોઝ મુબારક કર્યુ અને અને સિલ્લુને તૈયાર થવા કહ્યું. ‘માયજી જલદી તૈયાર થઈ જાઓ આપણે ઉદવાડા જવાનું છે.’ સિલ્લુ જલદી જલદી તૈયાર થઈ ગયા અને જીમી તેમને દર્શન માટે ઉદવાડા લઈ ગયો. દર્શન કરી બપોરે ત્યાના હોટલમાં પારસી ભોણુ ખાઈ તેઓ પાછા ફર્યા. સિલ્લુ ખુબ ખુશ હતા. તેમણે જીમીને કહ્યું હું તારા માટે સાંજે સરસ સગનની સેવ અને ધાનશાક બનાવશ. તને બીજું કંઈ ખાવું હોય તો બોલજે. જીમીએ કહ્યું ના માયજી બસ થઈ ગયું હું આવતી વખતે ફાલુદો પાર્સલ લઈ આવશ. હવે હું બેકરીમાં જઈ આવ જરા આજના સારા દિવસે બેકરીમાં દીવો કરી આવ એમ કરી જીમી ત્યાંથી નીકળી ગયો. સિલ્લુ થોડો આરામ કરી પોતાની તૈયારીમાં લાગ્યા.
સાંજે પાછી ઘરની બેલ વાગી અને સિલ્લુએ દરવાજો ખોલ્યો. સામે જીમી બેગ લઈને ઉભો હતો. તેણે સિલ્લુને કોટી કરી નવરોઝ મુબારક કર્યુ. અને તેમને ઉદવાડા નહીં લઈ જવાયું તે માટે માફી માંગી. સિલ્લુ આ બધું જોઈ આશ્રચર્યચક્તિ થઈ ગયા તેમની સમજમાં કંઈ આવતું નહોતું. સવારે આવેલાજીમીના હાથમાં બેગ નહોતો. તો હું સવારે ઉદવાડા કોની સાથે જઈ આવી. તે ચંદન અને સુખડની સુગંધની ફરી મને યાદ આવી!
- ગણતંત્ર દિવસ - 25 January2025
- 70 વર્ષની ઉંમરેમેહેરનોશ બામજીએ સફળતા મેળવી! - 25 January2025
- ડો. ફરોખ જે. માસ્ટરનું બીજા આંતરરાષ્ટ્રીયઓન્કોલોજી કોંગ્રેસમાં સન્માન કરવામાં આવ્યું - 25 January2025