રોશની 24 વર્ષ ની સુંદર દેખાવડી અને સંસ્કારી યુવતી હતી. જોતાવેત ગમી જાય એવી, પણ 10 થી 12 છોકરાઓ જોવા આવ્યા અને જોઇને ગયા પછી સામેથી ના નો જવાબ આવતો, આથી નસરવાનજી અકળાઈ જતા. નસરવાનજીના ધણીયાણી રોશનનું 4 વર્ષ પહેલા અકસ્માતમાં અવસાન થયેલું અને એમને સંતાનમાં એક માત્ર દીકરી રૂપે રોશની હતી. નસરવાનજી વલસાડની પ્રથમિક શાળામાં શિક્ષક હતા અને રોશન પણ ધાર્મિક ભાવના વાળાહતા એટલે સ્નેહા ના ઘડતર અને સંસ્કારો માં કોઈ કમી નહોતી.
નસરવાનજી એ એક વાર રોશનીને પૂછી પણ જોયેલું કે, બેટા તારા ધ્યાન માં કોઈ છોકરો હોય તો મને બતાવ, હું તને લગ્ન કરતા નહિ રોકું, પણ રોશનીનો એકજ જવાબ રહેતો, ના પપ્પા એવું કઈ નથી. તો નસરવાનજીએમ કહેતા તો કેમ બધીય વાર સામેના પક્ષેથી ના નો જવાબ આવે છે? અને રોશની એકજ જવાબ આપતી પપ્પા એમાં આપણે શું ખબર પડે પપ્પા, એમના મનમાં શું છે?
થોડા દિવસ પછી નસરવાનજીના દુરના મામા ના દીકરાએ એક સંબધ માટે સમાચાર મોકલ્યા, અને કહ્યું કે છોકરો સંસ્કારી અને દેખાવડો છે, અને પોતાનો વ્યવસાય પણ છે, પરંતુ તેના પિતા હયાત નથી. જો તમને અનુકુળ હોય તો આગળ વાત કરૂ. રોશનીએ સંમતી આપી એટલે મુલાકાત ની ગોઠવણ થઇ.
નિર્ધારિત દિવસે ખુશરૂ એની બહેન આવાં, અને મમ્મી શીરાઝ રોશનીને જોવા માટે આવ્યા. નસરવાનજીએ મીઠો આવકાર આપ્યો અને રોશનીએ બધાની સરસ સરભરા કરી. ખુશરૂએ અભ્યાસમાં એમબીએ કરેલું અને અભ્યાસ પૂરો કાર્ય પછી પિતાના રેડીમેડ ગારમેન્ટના વ્યવસાયમાં જોડાઈ ગયેલો. સુરતમાં રેડીમેડ ગારમેન્ટનની મોટી દુકાન, અને વર્ષો થી સેટ થઇ ગયેલી એટલે ખુશરૂને કઈ વધુ મહેનત કરવાની નહોતી. પરંતુ તેના પિતાના બે ુવર્ષ પહેલા થયેલા અવસાનથી ઘરની બધી જવાબદારી કુશરૂ પર આવી પડેલી.
આવાં ખુશરૂ કરતા મોટી અને એના લગ્ન થઇ ગયેલા. એ દિવસે ખુશરૂ અને રોશની એ વાત કરી એના કરતા આવાંએ રોશની સાથે વધુ વાત કરી અને બંને એવા હળીમળી ગયા કે જાણે બંને બહેનો ના હોય? પણ ખુશરૂએ રોશની સાથે એકાંતમાં વાત કર ને આવ્યા પછી થોડો મુઝાયેલો રહેતો હોય એવું શીરાઝને એના ચહેરા ઉપરથી લાગ્યું.
નસરવાનજીને પણ પહેલી નજરે ખુશરૂ ગમી ગયેલો અને મનમાં ભગવાન ને એવી પ્રાથના કરેલી કે આ સંબંધમાં સામેથી હા આવે તો સારું. શીરાઝે નસરવાનજીને એટલું કહ્યું કે અમે ખુશરૂની સાથે ચર્ચા કરી ને જવાબ આપીશું.
બે દિવસ વીતી જવા છતાં ખુશરૂએ કોઈ જવાબ ના આપ્યો એટલે એક સાંજે શીરાઝ બોલ્યા: શું કારણ છે કે તું થોડો મને મુઝાયેલો દેખાય છે? કેમ રોશની નથી ગમતી તને? સાથે આવાંએ પણ કીધું આવી છોકરી ખુશરૂ તને નહિ મળે. તું હા કહી દે. રોશનીના ઘરવાળા તરફથી તો આપણે જોઇને સાંજે આવ્યા ત્યારેજ હા આવી ગઈ છે. હવે આપણે જવાબ આપવાનો છે.
આખરે ખુશરૂએ કીધું મમ્મી એવું નથી, રોશની મને પણ ગમે છે પણ એની એક શરત છે એટલે હું થોડો મુઝવ છુ, શીરાઝ બોલ્યા શું શરત છે? એ તો કહે આપણ ને ઠીક નહિ લાગે તો આપણે ના કહી દઈશું. ખુશરૂ બોલ્યો કે રોશનીનું એવું કહેવું છે કે એની મમ્મી હયાત નથી એટલે લગ્ન પછી એના પપ્પા એકલા પડી જાય. એટલે રોશનીએ એક માંગણી કરી છે કે જ્યાં સુધી પપ્પા જીવે ત્યાં સુધી હું મહિનામાં એક થી બે વાર મારા પપ્પા ને મળવા જઈશ અને વર્ષમાં મારા પપ્પા ને એક વાર મારા ઘરે એક બે અઠવાડિયા રહેવા લાવીશ. બસ આ શરત મંજુર હોય તોજ હું લગ્ન કરવા માગું છુ નહીતર મારે લગ્ન કરવા નથી. અને સાથે એમ પણ કહ્યું કે આ વાત તમારે મારા પપ્પા ને કરવાની નથી.
આટલી વાત સાંભળી ને આવાં બોલીપડી કે એમાં શું વાંધો છે? એ તો આપણે રોશનીની જગ્યાએ હોઈએ અને વિચારીએ તો ખબર પડે. પણ શીરાઝ કશુય બોલ્યા નહિ અને ચુપચાપ બેસી રહ્યા. આવાંને એમ કે મમ્મી હમણા કઈક બોલશે પણ શીરાઝ કાંઈજ ના બોલ્યા એટલે આવાંથી ના રહેવાયું. મમ્મી કેમ તું કશુજ બોલતી નથી કઈક તો કહે.
થોડી વાર પછી શીરાઝ બોલ્યા કે રોશનીએ જો શરત મૂકી છે તો આપણે પણ શરત મુકીએ જો એમને મંજુર હશે તો આપણે હા પડીશું નહીતર આપણા તરફથી પણ ના કહી દઈશું. બે દિવસ પછી શીરાઝે નસરવાનજીને ફોન કરીને જણાવ્યું કે તમે રોશનીને લઈને અમારા ઘરે આવો પછી આગળ વાત.
આબાજુ આવાં અને ખુશરૂ વિચારમાં પડી ગયા કે મમ્મી ને વળી કેવી શરત મુકવી છે? અને ત્યાં નસરવાનજી અને રોશની વિચારવા લાગ્યા કે શીરાઝેે એમ કેમ કહ્યું કે એક વાર તમે અહી આવો પછી આગળ વાત…
બે દિવસ પછી રોશની નસરવાનજીની સાથે ખુશરૂના બંગલે આવી. શીરાઝ ઉમળકા ભેર આવકાર આપ્યો અને આવાંએ બધાય ની ખુબજ સરસ સરભરા કરી. થોડી આડીઅવળી વાતો પછી શીરાઝ બોલ્યા: જુઓ નસરવાનજી અમને રોશની પસંદ તો છે.. પણ.. જો તમને મારી એક શરત મંજુર હોય તો અમારા તરફથી હા સમજવાની નહીતર ના …
ખુશરૂ અને રોશનીના લગ્ન પછી તમારે વલસાડમાં એકલા રહેવાનું નથી પરંતુ તમારે અમારી સાથે અહી આ બંગલામાં રહેવાનું છે. બંગલો ખુબ મોટો છે એટલે તમને અગવડ નહિ પડે અને હા મારી પાસે બીજો એક વિકલ્પ પણ છે. કદાચ તમને દીકરીને ત્યાં રહેવામાં સંકોચ થતો હોય તો અમારો એક બીજો બંગલો અહીંથી 10 મિનીટ ના અંતરે છે એટલે તમે ત્યાં પણ રહી શકો છો. એ બંગલો એમ પણ બંધ હાલત માં છે કોઈને ભાડે પણ નથી આપતા. હું આ બાબત માં તમારા તરફથી ના તો સાંભળવા માગતી જ નથી અને રોશની અને ખુશરૂ ને દુખી કરવા પણ બિલકુલ માગતી નથી.
અને શીરાઝ રોશની સામે જોઇને બોલ્યા, બેટા આટલી નાની વાતમાં તું મુઝતી હતી. જેટલો તારો હક તારા પપ્પા પર છે એટલો ખુશરૂનો પણ છે. નસરવાનજી તો વિચારમાં પડી ગયા કે આ બધુય શું ચાલી રહ્યું છે? શીરાઝે નસરવાનજીની વિચાર મગ્ન અવસ્થા તોડતા સઘળી વાત કહી અને બોલ્યા કે મારે આવી દીકરી જોઈએ છે વહુ નહિ. આજે મારે એક નહિ બે દીકરીઓ છે આવાં અને રોશની.
શીરાઝની સઘળી વાત સાંભળી ને નસરવાનજીની આંખમાં પાણી આવી ગયા અને હવે એમને સમજાયું કે અત્યાર સુધી જે છોકરા રોશનીને જોઇને જતા હતા અને શા માટે સામેથી ના પડતા હતા. રોશની પણ નસરવાનજીની સામે જોઇને રડી પડી અને નસરવાનજી ને વળગી ગઈ. શીરાઝ ઉભા થયા અને રોશનીને માથે હાથ ફેરવ્યો અને રોશની શીરાઝને પગે લાગી, તો શીરાઝે રોશનીને ગળે લગાવી. આજે રોશનીને માં અને બાપ બંનેનો પ્રેમ એક લાંબા સમય ના અંતરાલ પછી એક સાથે મળ્યો હતો. આજે બધાય ની આંખ માં આંસુ હતા પણ એ આંસુ પ્રેમ ના હતા ..
- ડિસેમ્બર પછી ફરી એક નવી શરૂઆત - 28 December2024
- 2025ની શરૂઆત સકારાત્મકતાથી કરો! - 28 December2024
- હસો મારી સાથે - 28 December2024