બીજી સદીમાં એજ પ્રમાણે મેં સોગંદ લીધા કે તે સદી વિત્યા આગમચ જે શખસ મને છોડવશે તેને આખી જગતનો ખજાનો હું લાવી આપીશ. તો પણ મને કશી મદદ મળી નહીં. ત્રીજી સદીમાં મેં માનતા લીધી કે હરેક શખસ જે તે સદીની આખેરી અગાઉ મારો છુટકારો કરશે તેને હું તરત મારી નાખીશ અને તેને મારી નાખવાની એક સરત કરીશ કે જે મોતે તે મરવા માગશે તે પ્રમાણે તેને મરવા દઈશ. આજ રોજે તું અત્રે આવ્યો અને મને આ પિત્તળના વાસણમાંથી બહાર કાઢયો છે તો તું હવે બોલ કે તારો જાન કઈ રીતે તું બરબાદ કરવાને રાજી છે?’
આ નરમ ઘી જેવું ભાષણ સાંભળીને તે માછીને ઘણુંજ દુ:ખ ઉત્પન્ન થયું. તે બોલ્યો કે ‘અત્રે આવીને આ બેવફા ખવીસની આટલી મોટી સેવા બજાવી એ મારા હિણા નસીબની કેવી કહાણી છે. આ અબલીશ તારા આ ગેરવાજબી ઠરાવ ઉપર તુ કંઈ વિચાર કર અને તારા અવિચારી સરતને પાછી ખેંચી લે. તું મને માફી બક્ષ અને ખોદા તને પણ માફ કરશે. અગરજો તું મને જીવતદાન બક્ષીશ કરશે તો ખોદા તારી આફતની વખત તને નિભાવી લેશે.’ તે જીને કહ્યું ‘નહીં! તને મારી નાખ્યા વગર ચાલનાર નથી તું આટલું નકકી કર કે કઈ રીતે હું તને પહોંચતો કરૂં.’ જીનને તેનો જીવ લેવાને એટલો ખંતી જોઈ તે માછી મોટા સંતાપમાં પડયો. તે પોતાના જીવને માટે નહીં પણ પોતાના ત્રણ બાળકોને માટે ફિકરમાં હતો કારણ કે તેના મરણથી તેઓ ઉપર કેવો ભૂખમરો અને કેવી આફત ગુજરશે તેની અટકળ તેનાથી થઈ શકી નહીં. પેલા અબલીશને ઠંડો પાડવાની ફરીથી તેણે તજવીજ કીધી. તે બોલ્યો કે ‘અફસોસ છે તારે માટે મેં શું કીધું છે તેનો વિચાર રાખી તું મારી પર કાંઈ પણ દયા કરતો નથી.’ તે જીને જવાબ દીધો કે ‘મેં તને કહ્યું તો ખરૂં કે એજ કારણને લીધે તારો જાન લીધા વગર હું રહેનાર નથી.’ તે માછી બોલ્યો કે ‘ભલાઈનો બદલો ભલાઈ સાથે નથી.’ હું તને કહું છું કે તે કહેવત મેં માની નહીં કારણ કે તે આપણી વિચાર શક્તિથી બિલકુલ ઉલટી છે અને મંડળીના હકોને ઉંધા વાળે તેવી છે. જો કે હું તો એમ ધારતો હતો પણ હાલ મારી ઉપર આવી પડેલી આફતથી મારી ખાતરી થઈ છે કે એ કહેવત ખરી છે.’ તે અબલીશે કહ્યું કે ‘વખત ખોવો દુરૂશ્ત નથી. તારી તકરાર સાંભળ્યાથી મારો ઠરાવ કાંઈ ફરનાર નથી માટે શેતાબી કર અને મને કહે કે તને કયાં પ્રકારનું મોત ભાવે છે?’ (ક્રમશ)
- ડીએઆઈની નોલેજિયેટ રૂબી એનિવર્સરી માટે ખાસ પોસ્ટલ કવર બહાર પાડવામાં આવ્યું - 14 December2024
- જીજીના પિતા-પુત્રની જોડીએ રશિયામાં ભારતને ગૌરવ અપાવ્યું - 14 December2024
- ઝેડવાયએ દ્વારા બાવાઝ ડે આઉટનું આયોજન - 14 December2024