હવે મેહરાબે મહેલમાં આવતાં સીનદોખ્તને એ પ્રમાણે અત્યંત દલગીર જોઈ સબબ પૂછયો. તેણીએ ઘણી રડતી આંખે રોદાબે બાબે સઘળી હકીકત કહી કે ‘જાલેજરે તેણીનું દિલ જીતી લીધું છે અને મેં તેણીને સમજાવવા છતાં તેણીએ તેના ઉપર દીલ બાંધ્યું છે જેથી છેવટે આપણી ખાનાખરાબી થશે.’ આ સખુનો સાંભળી મેહરાબ ચોકયો અને પોતાની કમર ઉપરની તલવાર ઉપર હાથ નાખ્યો, કે જઈને રોદાબેને મારી નાખે. તેણે કહ્યું કે ‘જ્યારે એ બેટી પેદા પડી, ત્યારે તેજ વખતે તેણીનું સર મારે કાપી નાંખવું જોઈતું હતું. પણ મેં તે કાપી નાખ્યું નહીં અને તેમ કરી મેં મારા નેઆગાનોનો રેવાજ પાળ્યો નહીં તેથી આજે મારી આવી હાલત થઈ પડી છે. બાપનો રેવાજ મારે દીકરાએ પાળવોજ હતો. હવે મને બે વાતની ચિંતા આવી પડી છે. એક તો મારા જાનની અને બીજી તો લાજની. જો સામ મીનોચહેરશાહ સાથે મળી મારી ઉપર હુમલો લાવશે તો કાબુલને પાયમાલ કરશે.’
સીનદોખ્તે મેહરાબને થંડો પાડયો કે ‘સામે તો આ બાબતમાં પોતાની બહાલી આપી છે. માટે તેના સંબંધમાં કોઈ ચિંતા નથી.’ પછી મેહરાબે પોતાની બેટીને પોતાની આગળ હાજર કરવા કહ્યું. સીનદોખ્તે જોયું કે તે ગુસ્સામાં તેણીને મારી નાખશે, તેથી તેની પાસે સોગંદ લઈ તેણીને તેડી લાવી. મેહરાબે ગુસ્સામાં તેણીને કહ્યું કે ‘તું પરી, એક આહરેમન સાથે શાદીના ગાંઠમાં જોડાવા માંગે છે. માટે તારે માથે તાજ યા તારે હાથે બાદશાહી વીતી હોતે. જો કહેતાનના જંગલમાનો કોઈ સાપ પકડનાર, મોબેદ થવા માંગે, તો તેને સેતાબ મારવો ઘટે છે. (એટલે એક બૂરો આદમી ભલો બની શકે નહીં, તેમ તું આહરેમન જેવા જાલ સાથે પરણવા માંગે છે, તો તે ભલો થઈ શકનાર નથી.’ રોદાબે તદ્દન ચુપ રહી અને રડવા લાગી અને એક બોલ પણ બોલી નહીં.
હવે પેલી બાજુ શાહ મીનેચહેરને જાલ રોદાબે સાથે પરણવા નીકળ્યો છે એવી વાતની ખબર પડી. ત્યારે તેણે પોતાના દરબારીઓની મિજલસ બોલાવી તેઓની સલાહ લીધી. તેણે કહ્યું, કે ‘ફરીદુને જોહાકને મારીને ઈરાનને બલામાંથી છોડવ્યું અને હવે જો તેજ જોહાકના કુટુંબની એક બેટી સાથે ઈરાન સરજમીનનો પહેલવાન જાલ શાદીમાં જોડાશે. તો તેનું પરિણામ ઈરાન માટે ઘણું ખરાબ આવશે. એઓના પેટનું ફરજંદ ખરાબ આવશે.’ એ પછી તેણે પોતાના બેટા નોજરને સામેસવાર આગળ મોકલ્યો કે તેને શાહ આગળ તેડી લાવે. નોજર ગયો અને પાદશાહનો પેગામ કહ્યો. સામે શાહનો પેગામ માથે ચઢાવ્યો અને કહ્યું કે ‘પાદશાહનો ચહેરો જોઈ હું મારા જાનને ખુશી કરીશ.’ પછી તે રાત્રે નોજરને પોતા સાથે રાખી, ખાણાની મિજલસ સમારી. તેમાં પાદશાહ મીનોચહેરની, પછી જાલની, પછી શાહજાદા નોજરની અને ખુદ મેજબાન સામની અને પછી બીજા મોટા માણસોની સલામતી લેવાઈ ત્યાર પછી સામ શાહના હુકમને માન આપી તેની દરબારમાં જવા નીકળ્યો.
શાહ મીનોચહેરને જયારે ખબર પડી કે સામ આવી પહોચ્યો છે, ત્યારે તેણે તેના માનમાં મિજલસ સમારીને તેને આવકાર દીધો. શાહે સામને પહેલે લડાઈ જે ઉપર તેને મોકલ્યો હતો. તેની સઘળી હકીકત પૂછી. સામે લંબાણથી પોતાની ફત્તેહો વર્ણવી શાહ તેની ફત્તેહની સઘળી હકીકત જાણી ખુશી થયો અને સામની સ્તુતિ કીધી.
હવે બીજી સવારે સામ પાદશાહ આગળ ગયો કે જાલ અને રોદાબે બાબે વાત કરે. પણ શાહે તેને એ બાબે બોલતો અટકાવી એકદમ હુકમ આપ્યો કે ‘તું મોટા લશ્કર સાથે હિન્દુસ્તાન જા અને ત્યાં કાબુલના પાદશાહ મેહરાબના મહેલને અને કાબુલ શહેરને આગ લગાડી બાળી નાખ. તે મેહરાબથી તુંએ દુનિયાને છોડાવવી જોઈએ તેના તોખમમાં જે હોય તે જોહાકના તોખમનાં ગણાય. માટે તેના ખોશાવંદો અને લાગતાવળગતા સઘળાઓને તું મારી નાખ.’
(ક્રમશ)
- ડિસેમ્બર પછી ફરી એક નવી શરૂઆત - 28 December2024
- 2025ની શરૂઆત સકારાત્મકતાથી કરો! - 28 December2024
- હસો મારી સાથે - 28 December2024