શાહજાદો અને ઘોડો બન્ને ગુમ!

પેલા કરામતી ઘોડાની કિમ્મતના બદલામાં રાજકુંવરીના હાથની થયેલી વિચિત્ર માંગણી સાંભળી સૌ દરબારીઓ તેની મૂર્ખતા પર ખડખડ હસી પડયા! પણ બાદશાહનો શાહજાદો ફિરોઝશાહ તો, પોતાની બહેનના હાથની માગણી આવી નફફટાઈથી ભર દરબારમાં થયેલી જોઈ, ગુસ્સાથી લાલપીળો થઈ ગયો! તેને એમ લાગ્યું કે આ પરદેશીએ તો તેનાં રાજકુટુંબનું હડહડતું અપમાન કર્યુ હતું! અને આ કાંઈ હસી કાઢવા સરખી વાત ન હતી. શું એક પરદેશી મુસાફર અને તે પણ વળી કોઈ સામાન્ય સ્થિતિનો સોદાગર આમ પોતાની બહેન રાજકુંવરીના હાથની માગણી એક કરામતી ઘોડાના બદલામાં કરે? એજ વિચારે તેને ગુસ્સાથી દીવાનો કરી મૂકયો!

પણ બાદશાહનું મન તે કરામતી ઘોડા પર એટલું તો ચોંટયું હતું કે એકની એક દીકરી આપી તેના બદલામાં ઘોડો લેવા તે તૈયાર હતો. કદાચ બધા દરબારીઓ વચ્ચે આવી માગણી સ્વીકારતા શાહની પોતાની હાંસી થશે માની તેઓ શું કરવું તેના વિચારમાં મશગુલ રહ્યા.

શાહજાદો ફિરોઝ પોતાના પેદરની મુંઝવણ પામી ગયો. તેણે કહ્યું, ‘નામદાર શહેનશાહ! આપ કે જે દુનિયાના સૌથી એક મોટા રાજ્યના તખ્ત પર બિરાજો છો તે શું આવા ઠગારા પરદેશી જાદુગર માણસની આવી એક મહાન રાજાની કુંવરીના હાથની અપમાનજનક માગણી મુંગે મોઢે ચલાવી લેશો? મારી ખાત્રી છે કે આપ નામદાર એ માગણી તીરસ્કાર સાથે નામંજુર કરશો અને આપણા રાજવંશી કુટુંબનું જે અપમાન તેણે કર્યુ છે તે માટે તેની પૂરતી ખબર લેશો.’

બાદશાહે હવે પોતાની ચુપકીદી તોડી. તે નામદાર ધીરેથી બોલ્યા, ‘બેટા, શાહજાદા! તું એકદમ ગુસ્સે ન થઈ જા આ ઘોડો ઘણોજ કીંમતી છે. તેની જોડી મળવી મુશ્કેલ છે. તેની કરામત જ તેની મહાન ઉપયોગિતા દેખાડે છે. હું એવું નથી ઈચ્છતો કે કોઈ આપણા દુશ્મન રાજાના હાથમાં આવો કીંમતી કરામતી ઘોડો જાય. જો આપણે આ ઘોડો નહીં લઈએ તો જરૂર તે ઘોડો બીજા રાજાના હાથમાં જશે. માટે આપણે આ હિન્દીવાન સાથે તેના ઘોડાની કીંમતના સંબંધમાં કંઈ છેવટના ઠરાવ પર આવીએ તે પહેલા મારી એવી મરજી છે ે તારે જાતે તે ઘોડા પર બેસી તેની ઉપયોગિતાની ખાત્રી કરવી કે જેથી આપણે આ ઘોડાની ખરી કીંમત બુજી શકીએ.

(વધુ આવતા અંકે)

Leave a Reply

*