રોશન અને બરજોરના લગ્નને આશરે પાંચ વર્ષ થયા હશે. નાની-નાની રકઝક થતી કે જે લગભગ દરેક કપલમાં જોવા મળે છે તેવી જ નાની-મોટી રકઝક આ કપલમાં પણ રહેતી.
પરંતુ એક દિવસ સવારે અચાનક કોઈ વાતને કારણે રોશન અને બરજોર બંને વચ્ચે થોડી વધારે રકઝક થઈ ગઈ, એટલે ખબર નહિ ક્યા કારણથી પણ અચાનક બરજોર ઘરમાંથી એમ કહેતો કહેતો બહાર નીકળી ગયો કે હવે બહુ થયું હું તારી સાથે નહીં રહી શકું. અને પછી મનમાં ને મનમાં કંઈક બોલતો બોલતો બરજોર ઘરમાંથી બહાર નીકળી ગયો.
રોશન કંઈ વધુ બોલે તે પહેલાં તો બરજોર ઘરમાંથી બહાર નીકળી ગયો હતો, ક્યાં જતા રહ્યા? શું એ ઘર છોડીને ગયા હશે? આવા તો એક નહીં પરંતુ અનેક ખયાલો રોશનના મગજમાં આવવા લાગ્યા.
બહાર નીકળતા નીકળતા બરજોરના મનમાં પણ ઘણા વિચારો આવ્યા હવે ક્યારે આવી ઝઘડાળુ બૈરી સાથે વાત નહીં કરૂ, ખબર નહીં તે તેની જાતને શું સમજે છે? જ્યારે હોય ત્યારે કોઈને કોઈ વાતને લઈને ઝઘડો શરૂ કરી દે છે, શાંતિથી રહેવા જ નથી દેતી.
ચાલતો ચાલતો બરજોર બહાર તો નીકળી ગયો પરંતુ હવે શું કરવું? તે તેની સમજમાં આવતું ન હતું એવામાં ચાલતા ચાલતા પોતાના ઘર નજીક આવેલ ઈરાની કેફેમાં બરજોર પુગી ગયો અને પોતા માટે ચા અને મસ્કા પાઉં મંગાવ્યું.શિયાળાનો સમય હોવાથી થોડી ઠંડી પણ લાગતી હતી, પરંતુ ઘરેથી તો તે બહાર નીકળી ચૂક્યો હતો. થોડી વાર થઈ ત્યાં પાછળથી અવાજ સંભળાયો કે આવા શિયાળામાં પણ તમે બહાર ચા પી રહ્યા છો? અવાજ ઓળખી તો હતો જોયું તો અમારી જ કોલોનીમાં રહેતા રૂસી બાવાજી બોલ્યા.
તેમને જોતા જ બરજોર પોતાનું ટેબલ છોડી તેમની ટેબલ પર જઈ બેસી ગયો. રૂસી બાવાજી 70 વર્ષના ઘરડા હતા. બરજોરના રડમસ ચહેરાને જોઈ બાવાજી બોલ્યા શુ બૈરી જોડે ઝઘડીને આવ્યો છ કે શું? એટલે બરજોર બોલ્યો હા, જ્યારથી લગન કરેલ છે ત્યારથી રકઝક ચાલુ જ છે. બૈરી ઘરમાં જીવવા નથી દેતી, દરેક સમયે તંટો કરતી રહે છે, હવે આવા આ સંજોગોમાં બહાર ન ભટકું તો શું કરૂ? મારી બૈરીથી હું કંટાળી ગયો છું.
તેટલામાં તો ચા અને ગરમ ગરમ પાઉ મસ્કો આવ્યો. ગરમ ચા ના માત્ર બે ઘૂંટડા શરીરની અંદર શું ગયા કે તરત જ તે બરજોરનું દુ:ખ બહાર આવી ગયું અને રૂસી બાવાને બધી વાત કરી દીધી.
રૂસી બાવા બોલ્યા તું લકી છે કે તારી બૈરી છે બૈરી છે તો જીંદગી છે. મને જો બૈરીને ગુજરીને આજે દસ વરસ થયા. દીકરા વહુ સારા છે મને સંભાળે છે. પણ એ લોકો એ લોકની જીંદગીમાં મસ્ત છે કામમાં વ્યસ્ત છે. મારે બેન્કમાં નોકરી હતી એટલે પેન્શન પણ આવે છે અને મારૂં ઈનવેસ્ટમેન્ટ પણ સારૂં છે. પૈસાની કોઈ તકલીફ નથી. પણ હું આજે બૈરી વગર એકલો છું. ગુલ પણ મારી જોડે બાઝતી, રકઝક કરતી પણ અમને બન્ને ને એક બીજા વગર ચાલતું નહીં. અને જો આજે મને એકલાને મૂકી તે ચાલી ગઈ. તેની મને હમેશા યાદ આવ્યા જ કરે છે.
રૂસી બાવા પોતાની ગુલને યાદ કરતા ફરી બોલ્યા એક વાત જરૂર કહેવા માંગીશ કે તેના વગર કંઇ મજા નથી. આવી જ રીતે ક્યાંકને ક્યાંક હું પણ ભટકતો રહું છું. મારી ગુલ મારા આખા ઘરની ધડકન હતી હવે તેના વગર ઘર સુનુ થઈ ગયું છે. તેના ગયા પછી મારામાં જ નહીં પરંતુ આખા ઘરમાં ફેરફાર થઈ ગયો છે. જાણે બધું બેજાન થઈ ગયું હોય એવું લાગે છે.
રૂસી બાવાની વાત સાંભળી બરજોર ત્યાંથી ઉભો થઇ ગયો. ખબર નહીં તેના મનમાં શું વિચાર આવ્યો પરંતુ તરત જ ચાનું બીલ આપી પોતાના ઘર તરફ પાછો જવા લાગ્યો.
અને જે રીતે ઘરમાંથી નીકળ્યો હતો તેનાથી પણ વધુ ઝડપથી તે ઘર તરફ પાછો ફરી રહ્યો હતો, ઘર નજીક દેખાતું હતું એવામાં તેનું ધ્યાન પડયું કે તેની રોશન દરવાજો ખોલીને ત્યાં જ પાસે ઊભી હતી. અને તેના ચહેરા ઉપર ચિંતા ચોખ્ખી નજરે આવી રહી હતી.
જેવો બરજોર ઘરની નજીક પહોંચ્યો કે રોશન તરત જ બોલી ઉઠી ક્યાં ચાલ્યા ગયા હતા? આવી ઠંડીમાં જેકેટ પહેર્યું નથી અને બહાર નીકળી ગયા તમને ઠંડી લાગી જશે તો?
બરજોર અંદરોઅંદર થોડો હસ્યો અને પછી જવાબ આપ્યો કે મારી રાહ જોઈને તું પણ તો સ્વેટર પહેર્યા વગર જ દરવાજા ઉપર આટલા સમયથી ઊભી હતી, તને ઠંડી લાગી ગઈ હોત તો?
અને ઘરે જઈ બરજોરે મોબાઈલ પર ગીત વગાડ્યું તેરે બીના જીયા જાયેના!
- નવસારીના શ્રી સયાજી વૈભવ પુસ્તકાલય તથા કેરસી દાબુ દ્વારા રાષ્ટ્રીય નાયક પદ્મશ્રી રતન ટાટાને શ્રદ્ધાંજલિ - 16 November2024
- બનાજી આતશ બહેરામમાં 179મી સાલગ્રેહની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવી - 16 November2024
- અલ્મિત્રા પટેલને કર્ણાટક રાજ્યોત્સવ એવોર્ડ મળ્યો - 16 November2024