હોળી, જેને રંગોનો તહેવાર પણ કહેવામાં આવે છે, તે ભારતનો ભારે લોકચાહના ધરાવતો હિંદુ તહેવાર છે. તેને વસંતોત્સવ તરીકે પણ ઓળખવામાં આવે છે.
આ તહેવારનો પ્રથમ દિવસ હોળી અને બીજો દિવસ ધુળેટી તરીકે ઓળખાય છે. હોળી ફાગણ માસની પુનમનાં દિવસે મનાવવામાં આવે છે. આ દિવસે સાંજે ગામનાં પાદર કે શહેરના મુખ્ય ચોક જેવા સ્થાન પર છાણા, અને લાકડાંની હોળી ખડકવામાં આવે છે. ત્યાર બાદ લોકો ત્યાં વાજતે ગાજતે ઢોલ, શરણાઇ જેવાં વાજીંત્રો વગાડતાં એકઠા થાય છે અને હોળી પ્રગટાવવામાં આવે છે. લોકો તેની પ્રદક્ષિણા કરે છે તેમજ શ્રીફળ વગેરે પવિત્ર મનાતી વસ્તુઓથી તેમનું પૂજન કરે છે. પ્રદક્ષિણા કરતી વખતે પાણી ધોળી તેની પૂજા કરવામાં આવે છે. જો કે ભારતમાં વિવિધ પ્રાંતો અને સમુદાયોમાં હોળીની ઉજવણીની અલગ અલગ રીતો હોય છે, પરંતુ દરેકની ભાવના એક જ હોય છે કે હોળી પ્રગટાવી અને આસુરી તત્વોનો નાશ કરવો અને દૈવી શક્તિઓનું સન્માન કરવું. હિંદુ ધર્મમાં આને લગતી હોલિકા અને પ્રહલાદની કથા બહુ જાણીતી છે.
હોળીનાં બીજા દિવસે ધુળેટી મનાવાય છે. આ તહેવાર રંગોનો તહેવાર એટલેજ કહેવાય છે કે આ દિવસે સવારથી સૌ કોઇ નાના મોટા એકબીજા પર અબિલ, ગુલાલ તેમજ કેસુડાનાં રંગો છાંટી પોતાનો ઉત્સાહ અને આનંદ વ્યક્ત કરે છે. જો કે હવેનાં સમયમાં રસાયણિક રંગોનો ઉપયોગ પણ કરાય છે, જેનો ઉપયોગ બને તેટલો ટાળવો હિતાવહ છે.
હોળી સાથે પુરાણીક કથાઓ સંકળાયેલી છે. નરસિંહ ભગવાન દ્વારા હિરણ્યકશ્યપુનો વધ પણ હોળી સાથે સંકળાયેલો છે. વૈષ્ણવ માન્યતા અનુસાર, હિરણ્યકશ્યપુ એ દાનવોનો રાજા હતો. અને તેમને બ્રહ્માજીનું વરદાન હતું કે તે દિવસે કે રાત્રે, ઘરની અંદર કે બહાર, ભુમિ પર કે આકાશમાં, માનવ દ્વારા કે પ્રાણી દ્વારા, અસ્ત્ર કે શસ્ત્ર દ્વ્રારા કશાથી તેનું મૃત્યુ થશે નહીં, આ વરદાનને કારણે તે લગભગ અમર બની ગયો કે તેને મારવો લગભગ અસંભવ થઇ ગયું. આથી તે અભિમાની અને અત્યાચારી બની ગયો, તથા સ્વર્ગ અને પૃથ્વિ પર બધેજ હાહાકાર મચાવી દીધો. તેમણે ઇશ્વરને પૂજવાનું પણ બંધ કરાવ્યું અને પોતાની પૂજા કરાવવાનું શરૂ કર્યું.
આ દરમિયાન, હિરણ્યકશ્યપુનો પોતાનો પુત્ર, પ્રહલાદ, જે ભગવાન વિષ્ણુનો ભક્ત હતો. તેને કંઇ કેટલાં પ્રલોભનો તથા ડર બતાવી તેમણે ઇશ્વર ભક્તિથી દુર કરવાના પ્રયત્નો કર્યા પરંતુ પ્રહલાદ ડગ્યો નહીં અને પોતાની ભક્તિ ચાલુ રાખી. તેણે પ્રહલાદને મારવા માટે પણ કંઇ કેટલા ઉપાય કર્યા, પરંતુ ઇશ્વરકૃપાથી તે દરેક વિફળ રહ્યા. અંતે પ્રહલાદને મારવાનાં ઉદેશથી હિરણ્યકશ્યપુ એ બાળક પ્રહલાદને, પોતાની બહેન હોલિકાનાં ખોળામાં બેસી, અગ્નિપરિક્ષા આપવાનો આદેશ આપ્યો. હોલિકા, કે જેની પાસે એક એવી ઓઢણી હતી કે જે તેને ધારણ કરે તેને અગ્નિ પણ બાળી શકે નહીં. પ્રહલાદે પિતાની આજ્ઞાનું પાલન કર્યું અને વિષ્ણુને પોતાનો જીવ બચાવવા માટે પ્રાથના કરી. અંતે જ્યારે અગ્નિ પ્રગટાવવામાં આવ્યો ત્યારે પેલી ઓઢણી હોલિકાનાં મસ્તક પરથી ઉડી અને પ્રહલાદને વિંટળાઇ વળી, આથી હોલિકા અગ્નિમાં બળી અને ભસ્મ થઇ અને પ્રહલાદ સાજો સારો બહાર આવ્યો. આમ હોલિકાનું દહન થયું તે ઘટના હોળી ઉત્સવનું કારણ બની.
પછીથી ભગવાન વિષ્ણુ દ્વારા હિરણ્યકશ્યપુનાં વધની કથા આવે છે, જેમાં વિષ્ણુએ નૃસિંહ અવતાર ધારણ કરી જેમાં ભગવાનનું અડધું શરીર મનુષ્યનું અને અડધું સિંહનું છે અને બરાબર સંધ્યા સમયે, ઘરનાં ઉંબરા વચ્ચે, પોતાનાં ખોળામાં પાડીને, પોતાનાં નખ દ્વારા ચીરી નાખી, હિરણ્યકશ્યપુનો વધ કર્યો. આમ આસુરી શક્તિઓ પર દૈવી શક્તિઓના વિજયનું આ પર્વ છે.
ગુજરાત અને ખાસ કરી સૌરાષ્ટ્રમાં, હોળીને હુતાસણીથી પણ ઓળખવામાં આવે છે, હોળીના બીજા દિવસ ધુળેટીને પડવો કહેવામાં આવે છે. આ દિવસોમાં પુરુષો દ્વારા દાંડીયા રાસ રમવાનો રિવાજ પણ, ખાસ કરીને પોરબંદર વિસ્તારમાં, છે. ઘણાં આદિવાસી વિસ્તારોમાં હોળી પ્રગટાવ્યા પછી તેની આસપાસ પારંપારીક નૃત્ય કરવામાં આવે છે. યુવાનો દ્વારા આ દિવસોમાં શોર્યપુર્ણ રમતો રમવામાં અને વિવિધ પારંપારીક હરીફાઇ યોજવામાં આવે છે, જેમકે ઘોડાદોડ, આંધળો પાટો, શ્રીફળ ફેંકવાની હરીફાઇ વગેરે. ઘણાં વિસ્તારોમાં હોળીનાં દિવસોમાં ગામ લોકો વાજતે ગાજતે ગામમાં બધાજ લતાઓ કે વિસ્તારોમાં ફરી અને હોળી માટેનો ફાળો (ગોઠ) ઉઘરાવવા નિકળે છે, આ લોકોને ઘૈરૈયાઓ કહેવાય છે.
હોળીનાં દિવસે હોળી પ્રગટાવ્યા પછી મોડી રાત્રી સુધી હોળીની આસપાસ બેસી અને જે ગીતો કે દુહાઓ ગાવામાં આવે છે તેને હોળીનાં ફાગ તરીકે ઓળખવામાં આવે છે, આ પરંપરા હજુ અમુક ગ્રામ્ય વિસ્તારોમાં ચાલુ છે. આ હોળીનાં ફાગ એક પ્રકારે વસંતોત્સવનું પ્રતિક છે,જેમાં થોડી શૃંગારિક ભાષાનો ઉપયોગ થાય છે. આમાં પ્રકૃતિનું રસિક વર્ણન તેમજ સ્થાનિક પ્રેમગાથાઓ પણ વણી લેવાયેલાં હોય છે.
- ઝેડએસી કોંગ્રેસમેન લૂ કોરિયાનું આયોજન કરી સાયરસ ધ ગ્રેટને શ્રદ્ધાંજલિ આપી - 15 February2025
- ડીએઆઈની એમ એફ કામા અથોરનાન ઈન્સ્ટીટયુટની સફર - 15 February2025
- WZCC Toronto Conclave 2025: The Other Side of Business - 15 February2025