આપણે બીજા લોકોને જે આપીશું, તે જ ફરીને આવશે!

એક ગામમાં ખેડૂત રહેતો હતો જે દૂધમાંથી દહીં અને માખણ બનાવતો અને વેચતો. એક દિવસ, તેની પત્નીએ તેને માખણ તૈયાર કરાવ્યું અને તે તેના ગામથી શહેરમાં વેચવા માટે જવા નિકળ્યો.
તે માખણના ગોળ પીંડા બનાવવામાં આવ્યા હતા. અને દરેક પીંડાનુ વજન એક કિલો હતું. શહેરમાં ખેડૂતે માખણ હંમેશની જેમ દુકાનદારને વેચી દીધું અને દુકાનદાર પાસેથી ચા, ખાંડ, તેલ, સાબુ અને જરૂરી વસ્તુ ખરીદ્યા પછી તે પાછો તેના ગામમાં ગયો.
ખેડૂત ગયા પછી દુકાનદારે માખણ ફ્રિજમાં રાખવાનું શરૂ કર્યું ત્યા તેને વિચાર આવ્યો કે મારે આનો વજન કરવો જોઈએ, જ્યારે એક પીંડાનુ (માખણનો એક ટુકડો)વજન કરવામાં આવ્યુ ત્યારે તેનુ વજન ફક્ત 900 ગ્રામ હોય છે. તે આશ્ચર્ય અને નિરાશા સાથે બહાર આવ્યો, તેણે તમામ ટુકડાઓનું વજન કર્યું, પરંતુ ખેડૂત દ્વારા લાવેલા બધા ટુકડાઓ 900-900 ગ્રામના હતા.
આવતા અઠવાડિયે, ખેડૂત ફરીથી હંમેશની જેમ માખણ લઈને દુકાનદારના ઉંબરે ગયો.
દુકાનદારે ખેડૂતને બૂમ પાડીને કહ્યું: ભાગ અહીથી, મે તારી જેવો કપટી, છેતરપીંડી કરનારો માણસ ક્યાંય જોયો નથી. તુ જે એક કિલો કહીને માખણ વેચે છે. તે ખરેખર 900 ગ્રામ જ નિકળ્યુ. મારે તને પોલીસના હવાલે કરી દેવો જોઇએ. હું તારું મોઢુ જોવા માંગતો નથી ભાગ અહીથી.
ખેડૂતે દુકાનદારને ખૂબ નમ્રતાપૂર્વક કહ્યું, મારા ભાઇ મારાથી નારાજ ન થતા, અમે ગરીબ લોકો છીએ, ક્યારેય કોઇને છેતરતા આવડતુ નથી પણ અમારા માલનું વજન કરવા માટે અમારી પાસે વજનિયા ક્યાંથી હોય??
જ્યારે અમે માખણના પીંડા બનાવીએ ત્યારે હું તમારી પાસેથી લીધેલી એક કિલો ખાંડ લઉં છું, અને એક બાજુ ત્રાજવામા મુકું છું અને બીજી બાજુ માખણ મુકીને એટલા જ વજનનુ જોખું છું એ રીતે અમે માખણના બધા પીંડા તૈયાર કરીએ છીએ.
પેલો દુકાનદાર શુ બોલે? તેની હાલત તો કાપો તો લોહી ન નિકળે એવી થઇ ગઇ.
જે આપણે બીજા લોકોને આપીશું,
તે જ ફરીને આવશે,
પછી ભલે તે આદર હોય,
સન્માન હોય, કે છેતરપીંડી..

Leave a Reply

*