મારી બહેન જાલુના લગ્ન બે વર્ષ પહેલા થયા હતા. લગ્ન પછી કેવું વર્તન કરવું મારી મમ્મી પાસેથી તે મૂલ્યવાન ટીપ્સ મેળવી રહી હતી. લગ્ન થયા પછી પતિ પોતાનો થયો હોય છે તેથી સાસરિયાઓ અને અન્ય સંબંધીઓને કોઈ ભાવ આપવાની જરૂર નથી. મમ્મી સાસરિયા લોકોની કેવી અવગણના કરવી તે શીખવી રહી હતી.
જાલુનાં લગ્ન થયાં. નવા વિશ્વની શરૂઆત થઈ.જાલુને સાસરિયા પક્ષ સાથે બોલાવવાનું મુશ્કેલ લાગ્યું, જેને તે પહેલા ક્યારેય મળી ન હતી.જાલુના લગ્નને બે વર્ષ થઈ ગયા પરંતુ સાસરિયા પક્ષ સાથે હજું તેની તાલમેલ બેસતી નહોતી અને હવે મારે પણ લગ્ન કરવાના હતા.
અને મારા લગ્ન થયા અમને થોડું મોડું થયું પણ મારા સાસુ શાંત હતા. તેમણે શાંતિથી કહ્યું લગ્નમાં થોડુ વહેલું મોડું તો થાય.
જ્યારે હું રિસેપ્શનમાં ખુશરૂ સાથે હતી હું તેને તું તુંં કરતી ત્યારે મારી મમ્મીએ કહ્યું તારૂં બોલવું તારી સાસુને ગમશે નહીં.
ગ્રુપ ફોટો દરમિયાન મારા સાસુ મારી બાજુમાં ઉભા હતા. મને કહે, તું તું કરવાથી પ્રેમ વધે છે પણ ચાર લોકો સામે તો ધણીને આદર આપવો જરૂરી છે. મેં આઉટ ડેટેડ સાસુ પાસેથી આવું એક્સપેકટ કર્યુ નહોતું. લગ્નની રીતોથી હું એટલી થાકી ગઈ હતી કે બીજા દિવસે સવારે નવ વાગ્યે મારી ઉંઘ ખુલી મારો ખુશરૂ પહેલાજ બહાર જઈ ચુકયો હતો.
જલ્દી જલ્દી તૈયાર થઈ રાંધણીમાં ગઈ. સાસરિયામાં લગ્નની પહેલી સવાર. નવા ઘરમાં નવી વહુની કેવી હાલત થાય તે તો નવી વહુજ કહી શકે! હું આટલા બધા લોકો વચ્ચે એકલતા અનુભવવા લાગી. એક તો હું મોડી ઉઠી હતી, સાસુમાં ચાર શબ્દો બોલશે કે શું? પરંતુ મારી મમ્મીએ તેનો કેવો જવાબ આપવો તે શીખવ્યું હતું મને! પરંતુ સાચું કહું તો મને સમજવાની જરૂર હતી અને એક માયાથી ભરેલા આલિંગનની જરૂર હતી.
અચાનક સાસુ દેખાયા, મને કહે શરમાય છે શું? આ શરૂના દિવસ તો એન્જોય કરવાના હોય છે અને ખરેખર મને એક આલિંગન આપ્યું. સવારે મારી રાહ ન જોતા બધા માટે નાસ્તો બનાવ્યો. મારા હાથમાં ગરમ ગરમ નાસ્તાની પ્લેટ અને ગરમ ગરમ ચા આપી. મને જણાવ્યું કામ કરવા માટે તો આખું આયુષ્ય છે.
અમે હનીમુન કરી પાછા આવ્યા. ઓફિસ જવાનું શરૂ કર્યુ. સવારે રાંધણીનું કામ મારા સાસુજ કરતા સાંજની રસોઈ હું બનાવતી.
મને સાંજે મોડું થતાં જોઈ મને ચા બનાવી આપતા. હું રાંધણીમાં થોડું ઓછું ધ્યાન આપતી પણ મારા સાસુ મને સંભાળી લેતા.
હું અને ખુશરૂ રાત્રે ફરવા નીકળતા શનિ-રવિ રજા હોવાથી કોઈ વાર નાટક કે મુવી જોવા જતા.
ઘર અને ઓફિસ સંભાળતા હું મારી મમ્મીને ફોન કરવાનો ભુલી જતી.
ત્યારે મમ્મી મને સંભળાવતી હું જાણું છું ઘર અને ઓફિસ બન્ને સંભાળતા તારી કેવી હાલત થતી હશે અને તારા સાસુ તારી બુરાઈ કરતા થાકતા નહીં હોય! હું અહીં ઘણી ખુશ છું એમ મમ્મી જણાવવા છતાં તેનું સમાધાન નહોતું થતું.
પરંતુ હું ખરેખર સુખી હતી અને ખુશ પણ. ધીરે ધીરે મને ખ્યાલ આવવા લાગ્યો કે મારા મમ્મી ખરેખર ખુબ જૂના વિચારશૈલી ધરાવે છે. તેના મતે વહુ હમેશા ખરાબ હોય છે અને સાસુએ હમેશા પોતાનું સાસુપણ દેખાડવું જોઈએ.
પરંતુ માર સાસુ એકદમ અલગ હતા. તે મને સમજતા પણ હતા અને મારી પ્રસંશા પણ કરતા હતા. મને મારા મનગમતા ડ્રેસો પહેરવાની છૂટ હતી મારા પર કોઈ પ્રતિબંધ નહોતો. મારા સાસરા પણ એકદમ જોલી ચાર્મિંગ પ્રર્સનાલીટી ધરાવતા હતા. તે બિલકુત જૂના વિચારો ધરાવતા નહોતો. મને સાસરામાં પારકુ લાગે નહીં તે માટે મારા સાસુ અને સસરા મને મનગમતી રીતે વર્તવા દેતા.
એક દિવસ મારાથી ગીઝર ચાલુ રહી ગયું એક દિવસ તો કુકરમાં પાણી જ ઓછું મૂકયું મારા રૂમનો પંખો કેટલી વાર ચાલુ રહી જતો પણ મારા સાસુ અરે ચાલે એમાં શું. એક દિવસ મારા કપડા વોશિંગ મશીનમાં ધોયા બાદ સુકાવાના રહી ગયા. પરંતુ સાંજે જઈને જોયું તો મારા સાસુએ બધાજ કપડાં સુકવી દીધેલા. મને જ મારી શરમ આવી.
મારૂં મન ભૂતકાળમાં જતું રહ્યું. મારા ભાઈના તરતના લગ્ન થયેલા હતા. મારા મમ્મી મારી ભાભીને નાની નાની વાતમાં રોકટોક કરતા. મારા ભાભી નીચે માથું કરી બધું સાંભળી લેતા. એકવાર નાહયા પછી બાથરૂમમાં ભાભી પોતાના ભીના કપડા ભુલી ગયેલા મારી મમ્મી તેને એટલું ખીજાયેલ, સંસ્કાર નથી, બેશરમ. મારા ભાભી કંઈ નહીં બોલેલા પરંતુ ત્યાર પછી ભાઈએ નવો ફલેટ લીધો અને તેઓ ત્યાં રહેવા જતાં રહ્યા અને અમે ભાઈથી થોડા દૂર થઈ ગયેલા.
હું આખી રાત સુઈ નહીં શકી. તે સમયે હું પણ મારી ભાભી સાથે સારો વર્તાવ નહોતી કરતી. મારી મમ્મી મારી ભાભીને સમજી શકી નહીં અને હવે મારી સાસુ તેના જેેવી હશે તેમ સમજી તેની સાથે કેવોે વર્તાવ કરવો તે મને શીખવી રહી હતી. મનમાં ખરેખર અપરાધી જેવું લાગ્યું.
અને આમજ પટેટીનું નવું સાલ આવ્યુ. મારી નણંદ, નંદોઈ તેમનો દીકરો પીરાન અને દીકરી આવાં નવું વર્ષ મનાવવા અમારા ઘરે આવ્યા. જાણે કે ઘર ખુશીયોથી ભરાઈ ગયું. નવા વરસની તૈયારીઓ કરી. અમે સવારે બધાજ અગિયારીમાં ગયા. બપોરનું જમવાનું બહારથી ઓર્ડર કર્યુ. મારી નણંદે મને ગીફટમાં એટલો સરસ ગારો આપ્યો કે હું તમને શું કહું. સાંજે અમે બધા નાટક જોવા ગયા. રાતે સરસ પારસી રેસ્ટોરન્ટમાં ભોણું ખાધું આજ સુધી મે મારૂં નવું વરસ આટલું સરસ કોઈ દિવસ નહોતું મનાવ્યું. મારા નણંદનો સ્વભાવ પણ મારી સાસુ જેવો જ હતો. મને મારી જાત પર જ ગુસ્સો આવ્યો. નણંદના ગયા પછી મેં મારી સાસુ પાસે મારા ભાભીને ઘેર જવાની પરવાનગી માગી. તેઓને મને જલ્દી આવજે અને મજેની રહેજે કહ્યું.
મેં મમ્મીને બેગ ભરી તૈયાર રહેવા કહ્યું, મમ્મીએ ના પાડી પણ મેં તેમની એકપણ વાત સાંભળી નહીં. ત્યારપછી ભાભીને ફોન કર્યો અને ભાભીને જણાવ્યું કે હું અને મમ્મી તમારા ઘરે આવ્યે છીએ. તેમની માફી માંગવાનું મન થયું પણ હીમંત નહોતી થતી. હું ટ્રેન પકડી મમ્મીને ઘેર ગઈ. લગ્ન પછી પહેલીવાર મમ્મીના ઘરે આવી હતી. આખો દિવસ કંઈ કામ કર્યુ નહીં રાતે મમ્મીને બાજુંમાં જઈ સુતી અને મારી મમ્મીએ મને પૂછયું કેમ છે તારી સાસુ?
મને ખબર નહીં અચાનક ગુસ્સો આવી ગયો. મેં તરત જવાબ આપ્યો, તારા કલ્પના કરતા જગત ખુબ અલગ છે, અને તારા કરતા મારી સાસુ ખુબ સમજું છે. મને લાગે છે આપણે ખોટી રીતે ભાભી પર અત્યાચાર કર્યો. મારી મમ્મી કાંઈ જ બોલ્યા નહીં. મેં તેના મનને દુખાવ્યું હતું.
સવારે મમ્મીને લઈ અમે ભાઈને ઘેર ગયા. ટેકસીનો અવાજ સાંભળી ભાભી અમને લેવા નીચે આવ્યા. મમ્મીના હાથમાંથી બેગ લઈ લીધી. લીફટમાં જતા તેમનો હાથ પકડયો અને જણાવ્યું મમ્મી હવે એક મહિનો તો અમારી સાથે રહેજો. જવાની ઉતાવળ કરતા નહીં. મારી મમ્મીને પહેલીવાર જ મનમાં લાગી આવ્યું. ફલેટમાં જઈ તેમણે પહેલાજ મમ્મી માટે સાકર વગરની ચા બનાવી આપી. મમ્મીને શુગરનો પ્રોમ્લેમ હતો. અમે આવવાના હતા એટલે ભાભીએ મારા ફેવરેટ ચીકન કટલેટ બનાવી રાખેલા. મને રડવું આવી ગયું અને ભાભી મારા ન બોલતા જ બધું સમજી ગયા અને મને પોતાની બાહોમાં ભરી લીધી. આ જોઈ મારા મમ્મીની આખોમાં પણ આંસુ આવી ગયા.
– મરહુમ આબાન પરવેઝ તુરેલ
- તમારી જાત પર વિશ્વાસ રાખો અને લડ્યા વગર હાર ન માનવી જોઈએ, સકારાત્મક વિચારસરણી દરેક સમસ્યાને દૂર કરી શકે છે - 23 November2024
- સંજાણ ડેની 104માં વરસની ઉજવણી - 23 November2024
- 2024 ઈરાનશાહ ઉદવાડા ઉત્સવ આવી ગયો! - 23 November2024