કોઈની ટીકા નહીં કરતા પણ ટેકો આપજો!

શિરીન અને સોરાબ અને તેમની ફુલ જેવી દીકરી આવાં અને તેમનો દીકરો રેહાન જે એક સુખી કુટુંબની જેમ રહેતા હતા. સોરાબ આમ તો ખુબ સારો હતો. પણ ભરપુર કામને લીધે તેને ગુસ્સો ખુબ જલદી આવી જતો. પણ શિરીન ખુબ સમજદાર હતા. તેણે પોતાના બાળકોની પરવરીશ ખુબ સારી રીતે કરી હતી.
એક દિવસ સવારે દાદરો ઉતરતી વખતે શિરીન પત્નિ પગથિયું ચુકી ગયા. ભૂલ નાની હતી પણ પગથિયું ચૂકવાને કારણે દાદરા પરથી ગબડતા-ગબડતા નીચે આવ્યા. કમરના ભાગે ખુબ વાગ્યુ અને થોડા ફ્રેકચર પણ થયા. બધા જ દોડીને ભેગાં થઇ ગયા. સોરાબે શિરીનનો હાથ પકડીને નીચે બેસી ગયા અને સાંત્વના આપવા લાગ્યા. રેહાને હોસ્પીટલમાં ફોન કરીને તાત્કાલિક એમ્બ્યુલન્સ મંગાવી લીધી.
આવાં દોડીને મમ્મી માટે પાણીનો પ્યાલો ભરી લાવી. પરિવારના બધાં જ સભ્યો પીડાથી કણસતા શિરીનની સેવામાં લાગી ગયા. થોડીવારમાં એમ્બ્યુલન્સ પણ આવી ગઇ. સારામાં સારી હોસ્પિટલમાં શિરીનને દાખલ કરવામાં આવ્યા. દુ:ખની ઘડીમાં સોરાબ, રેહાન અને આવાંનો સાથ મળ્યો એટલે શિરીનને ખુબ સારુ લાગ્યુ. થોડા દિવસની સામાન્ય સારવાર બાદ હોસ્પીટલમાંથી રજા પણ આપી દેવામાં આવી.
થોડા મહીનાઓ પછી આ પરિવારમાં એક ઘટના ઘટી. રેહાન મેડીકલ કોલેજમાં એડમીશન મેળવવા માટેની પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો. પરિક્ષા આપી અને તેનું પરીણામ પણ આવ્યું.
રેહાનને પરીક્ષામાં ખુબ ઓછા માર્કસ આવ્યા. તે ખુબ દુ:ખી થયો તેણે મહેનત તો ખુબ સારી કરી હતી. પણ કોઈ કારણસર તેને માર્કસ ખુબ ઓછા આવ્યા. તે શિરીનને ભેટી રડી પડયો.શિરીન પણ તેનું રીઝલ્ટ જોઈ ખુબ પરેશાન થઈ તેને ચિંતા થઈ કે સોરાબ શું કહેશે?
સાંજે સોરાબ ઓફીસથી ઘરે આવ્યા.. એટલે એણે રેહાનને રીઝલ્ટ માટે પુછયું. રેહાને નીચી મુંડીએ નબળા રીઝલ્ટની વાત કરી.
સોરાબને તરતજ ગુસ્સો આવ્યો અને તે રેહાન પર તાડુક્યા, ‘ડોબા, તે તો મારુ નાક કપાવ્યુ. આવા પરિણામથી હવે તને કોણ એડમિશન આપવાનું છે? તારા બાપ પાસે કંઇ રૂપિયાના ઢગલા નથી કે તને ડોનેશન ભરીને ભણાવવાની વ્યવસ્થા કરે. તારા અભ્યાસ પાછળ કરેલો મારો લાખો રૂપિયાનો ખર્ચ એમજ ગયો.
પિતાનું ફાયરીંગ ચાલુ જ હતુ. રેહાન કંઈ પણ બોલી ના શકયો. ત્યારે શિરીને બાજી સંભાળી લીધી.
તેણે સોરાબને થોડા મહીના પહેલા બનેલી ઘટનાની યાદ અપાવી જ્યારે હું દાદરો ઉતરતી વખતે નીચે ગબડી પડી ત્યારે તમે બધા મારી સાથે હતા.
તમે બધા મને મદદ કરવામાં લાગી ગયા હતા. એ વખતે તમે મને મદદ કરવાને બદલે, સાથ આપવાને બદલે લાકડી લઇને થોડા ફટકા માર્યા હતા?
સોરાબ બોલ્યો, તું શું બોલે છે શિરીન તને કંઈ ભાન છે? તને મારવાની કે મદદ કરવાની હોય?
ત્યારે શિરીન બોલ્યા, આપણો રેહાન પણ ગબડી પડયો છે. તેને પણ તેના ખરાબ રીઝલ્ટથી ખુબ દુ:ખ થયું છે. આ સમયે તેની દુ:ખની ઘડીમાં તેનો આપણે સાત આપવો જોઈએ તેને હમણાં આપણા બધાના ટેકાની જ)ર છે. જો તેને આપણા બદાનો સપોર્ટ મળી જાય તો તે ફરી તૈયારી કરી સારા માર્કસ લાવી શકે છે. પડેલા માણસને ટીકાની નહી, ટેકાની જરૂર હોય છે!
શિરીનની વાત સોરાબ અને રેહાનના મનમાં ઉતરી ગઇ. સોરાબે રેહાનને બાહોમોં ભરી લીધો અને કહ્યું હું તારા પર ગુસ્સે થયો. મને માફ કર અમે બધા તારી સાથે જ છીએ. રેહાને પણ આંસુ લુછતા જણાવ્યું હું ખુબ મહેનત કરીશ પપ્પા તમારૂં નામ નીચે નહીં પડવા દઉં. મિત્રો, કોઇપણ માણસને જ્યારે અકસ્માત નડે, નીચે પડે ત્યારે ઉભા થવા માટે સૌથી પ્રથમ સપોર્ટની જરૂર પડે. ટેકા વગર નીચે પડેલા માણસને ઉભા થવામાં ખુબ મુશ્કેલી પડે અને કેટલીક વખત તો ઉભો જ ન થઇ શકે! તો એને ટેકો આપજો, ટીકા નહીં!!

Leave a Reply

*