આહમદ તો ભારે વિચારમાં પડી ગયો. અને અહીં આવી એકાંત જગ્યામાં આવો છૂપો રાજમહેલ તે કોનો હશે તેની અટકળો કરવા લાગ્યો. તેને કંઈજ સુજ્યું નહીં તે તો પૂતળાની માફક ત્યાં ઉભો જ રહ્યો. કોણ જાણે આમ આહમદ કેટલો વખત સુધી ઉભો રહેતે પણ તેટલામાં તો એક અતિશય ખુબસુરત જવાન સ્ત્રી ઘણા ભપકાભર્યા પોષાકમાં તેની સામે આવી ઉભી રહી!
આહમદે તે બાનુને નમન કર્યુ અને પોતે આમ અચાનક કોઈના મકાનમાં ઘુસી જવા માટે માફી માગી.
પેલી સ્ત્રીએ મીઠા મધુર અવાજે કહ્યું, શાહજાદા આહમદ પધારો આ મકાન આપનુંજ સમજો.
એમ કહી તે બાનુ શાહજાદાને અંદરના ખંડમાં તેડી ગઈ. ત્યાં એક સુંદર સોફા ઉપર તેને બેસાડયો. પછી પોતે સામે બેઠી. તેણે કહ્યું ‘શાહજાદા, હું એક પરી છું. હું સૌથી મોટા જીનની દીકરી છું. મેજ પેલો ગાલીચો હુસેનને વેચાવ્યો હતો. મેજ હાથીદાંતની દૂરબીન અલિને અપાવી હતી અને મેંજ તમને સફરજન મોકલ્યું હતું અને મેં જ તમારૂં તીર ઉપાડી મારા દરવાજા ઉપર મૂકયું હતું. કેમ કે હું તમને મળવા આતુર હતી.’
શાહજાદો આ પરીની ખુબસુરતી જોઈ છકક થઈ ગયો. તેના રાજમહેલનો ઠાઠ માઠ જોઈ પોતાના રાજમહેલને તે ભૂલી ગયો હતો. પરીનું ગુલાબી મુખડું, સુંદર બદન, અને મીઠું મધુર બોલવું સાંભળી, શાહજાદો આહમદ તો બરફ પીગળે તેમ તે ત્યાં પીગળી ગયો હતો!
પરીને નમીને તેણે કહ્યું, ‘બાનુ સાહેબા, હું આપનો કંઈ પણ હુકમ બજાવવા તૈયાર છું. આપ સરખી બાનુનો ગુલામ થવા પણ હું મને ભાગ્યશાળી માનીશ. આમ શાહજાદાને બોલતો સાંભળી તે પરી હસી અને બહુ ખુશી થયેલી દેખાઈ. તે બોલી, ‘શાહજાદા આહમદ, હું તમને ગુલામ બનાવવા કરતાં, આ મહેલનો માલેક થવા નમ્ર અર્ઝ કરૂં છું. હું મારા તન-મન-ધન સર્વે તમારી સેવામાં મૂકી તમને મારા ખાવિંદ બનાવવા ચહાઉં છું. આ ઉમેદથી જ મેં તમને બધી રીતે જાદુઈભરી મદદ કરી હતી. તમારા ભાઈ, તમારી પીત્રાઈ બહેનને પરણ્યા તે કરતા પણ વધુ સારા નસીબ તમારાં હોવાથી મેં તમારૂં તીર ઉડાવી મારા બારણા આગળ મૂકયું, કે જેથી આપ નામદાર મારે આંગણે પધારી, મારૂ ગરીબ ઘર પાવન કરો.’
આ સાંભળી શાહજાદો આહમદ તો તુરત ઘુંટણ મંડીયે પડી, તે બાનુનો હાથ ચૂંમવા લાગ્યો અને લાગલોજ ‘હા’ પાડી તે બાનુ આગળ હસતો ખુશી થતો ઉભો રહ્યો.
તે પરી બોલી, ‘મારૂં નામ પરીનબાનુ છે. હું આજથી તમારી પત્ની છું ને તમે મારા પતિ છો. આપણે ધણી ધણીયાણી તરીકે ખુશાલ આ રાજમહેલમાં રહી આનંદે દિવસો ગાળીશું.
‘ચાલો આપણે હવે સાંજના આપણા સુખનો દિવસ અમન-ચમનમાં અને રગરાગમાં ગાળીએ.’ એમ કહી પરીનબાનુ, શાહજાદા આહમદનો હાથ પકડી, તેને બગીચામાં લઈ ગઈ પછી ત્યાં તેઓ ખૂબ મજેથી સંગીત, નાચ અને ગાયન વચ્ચે સોના ચાંદીના વાસણોમાં ઘણુંજ ઉત્તમ ભોજન બહુ આનંદે જમ્યા.
આ પરીનબાનુના મહેલમાં એકેકથી સુંદર અનેક દાસીઓ તેની તહેનાતમાં હતી. તેમણે એવાં તો ઉત્તમ કિંમતી કપડાં પહેરેલાં કે જાણે રાજકુંવરીઓ હોય તેમ તેઓ દેખાતી હતી.
જમવાનું ઘણું સરસ હતું. તરેહવાર જાતની કેટલીક નવી વાણીઓ શાહજાદાએ પહેલીજવાર ચાખી. શરબતો અને અનેક જાતના ફળો, તેમજ મેવા મીઠાઈ જોઈ શાહજાદો તો દંગ થઈ ગયો! અને પોતે પોતાના ભાઈ તેમજ બાપ કરતાંબી વધુ સુખી છે એમ માનવા લાગ્યો.
(ક્રમશ)
- તમારી જાત પર વિશ્વાસ રાખો અને લડ્યા વગર હાર ન માનવી જોઈએ, સકારાત્મક વિચારસરણી દરેક સમસ્યાને દૂર કરી શકે છે - 23 November2024
- સંજાણ ડેની 104માં વરસની ઉજવણી - 23 November2024
- 2024 ઈરાનશાહ ઉદવાડા ઉત્સવ આવી ગયો! - 23 November2024