ફકીર થયેલા ત્રણ શાહજાદા તથા બગદાદ શહેરની પાંચ બાનુઓની વાર્તા

સર્વે ત્યાંથી તાબરતોબ ઉઠયા અને દરવાજો ઉઘાડવા ગયા પણ એ કામ અગત્ય કરીને સફીયનું હતું તે પહેલી દોડી ગઈ. બીજી બહેનોએ જ્યારે જોયું કે સફીય રાબેતા મુજબ પહેલી ગઈ ત્યારે તેઓ થોભ્યા અને તેણીના પાછી ફરવાની રાહ જોવા લાગ્યા કે તે આવીને કહે કે એવો તે કોણ શકસ છે કે જે મધરાત્રને સમે તેઓના મકાનનું બારણું ઠોકે છે. એટલામાં સફીય આવી કહેવા લાગી કે ‘ઓ બહેનો! આ રાતનો બાકીનો ભાગ વધારે ગમતથી તથા વધારે મજાથી ગુજારવાની આ ઘણીજ સારી તક આપણને હાથ લાગી છે અને તમારી જો મરજી હોય તો તે આપણા હાથમાંથી જવા દઈએ નહીં. આપણા ઘરના દરવાજા આગલ ત્રણ ફકીરો છે પણ તમે સાંભળીને અજબ થશો કે તે ત્રણે ફકીરો જમણી આંખે આંધળા છે અને તેઓના માથા, દાઢી અને ભવાં બોડી નાખેલા છે. તેઓ કહે છે કે તેઓ હમણાંજ બગદાદ શહેરમાં આવી પહોંચ્યા છે અને અત્રે તેઓ આગળ કદી આવ્યા ન હતા અને હાલ રાત વધી ગઈ છે અને અંધારામાં તેમને સુજ પડયું નહીં કે તેઓ કયાં જઈ વિસામો લે, તેથી નજદીકનું મકાન જાણી આ ઘરનું બારણું ઠોકયું છે અને તેઓ અરજ કરે છે કે ખોદાને ખાતર તેઓની ઉપર રહેમ લાવી તેઓને ઘરમાં દાખલ કરવા જ્યાં તેમને વિસામો આપવામાં આવશે ત્યાં તેઓ જઈને સુશે, તબેલો હશે તો પણ ચાલશે. તેઓ જવાન અને સોહામણા છે, અને વળી ચાલાકી ધરાવે છે. પણ તેઓના એકસરખા રમુજી દેખાવ ઉપર મને હસ્યા વિના ચાલતું નથી. ખરેખર સફીયથી હસવાનું બંધ કરી શકાયું નહીં તેમજ તેની બહેનો તથા તે હેલકરી પણ તેમની સાથે હસવા મંડી ગયો. સફીય બોલી કે તેઓને આપણે અંદર લઈએ કે ખરેખર એવા આદમીઓની સંગતથી દિવસ કરતા રાત ઘણીજ રમણ્ય થશે. તેઓ આપણને ઘણાજ ખુશી કરશે અને તેઓ ખરચ કાંઈ આપણે માથે પડનાર નથી કારણ કે તેઓ એકજ રાત રહેવા માંગે છે અને પોહોર ફાટતાને વાર અત્રેથી ચાલી જશે.
સફીયની અરજ મંજુર રાખવાને ઝોબીદા તથા અમીનાએ કેટલીક અડચણો લીધી. અને તેઓ શા કારણથી નાખુશ હતી તે તે સારી રીતે સમજતી હતી. પણ તે લોકોને અંદર લેવાની તેની ઘણીજ મરજી હતી તેથી તેઓ તેણીને ના પાડી શકયા નહી.

(ક્રમશ)

Leave a Reply

*