આરવ એક બરફ બનાવવાની ફેક્ટરીમાં કામ કરતો હતો. તેનો પગાર તો એટલો બધો સારો ન હતો પરંતુ તેમ છતાં તે પોતાના પગારમાંથી તેના ઘરનું ગુજરાન ચલાવી લેતો.
દરરોજ સવારે ઘરેથી ટિફિન લઈને નીકળતો અને સાંજે લગભગ સાત વાગ્યા બાદ તે ફરી પાછો ઘરે આવી જતો.
એક દિવસ આરવ ઘરેથી રોજિંદા કાર્યક્રમ પ્રમાણે નીકળ્યો અને દરરોજની જેમ સાંજે જ્યારે તેને નીકળવાનો સમય થયો ત્યારે તે ફ્રીજ કરવાવાળા રૂમનો ચક્કર લગાવવા ગયો. ભૂલથી તેનો દરવાજો બંધ થઈ ગયો અને જ્યાં બરફ બનતો હતો તે ભાગમાં ફસાઈ ગયો.
બરાબર તે દિવસે જ સ્ટાફ ઘણો ઓછો હતો અને જે લોકો ત્યાં હાજર હતા એ પણ ઘરે જવાની તૈયારીમાં જ હતા અને બધા પોતપોતાના સમયે ઘરે જતા રહ્યા.
કોઈનું પણ ધ્યાન બંધ દરવાજા પર ગયું નહીં અને કોઈને પણ આરવનો અવાજ સંભળાયો નહિ. એમ કહો કે ઘરે જવાની ઉતાવળમાં કોઈ એ તે બાજુ ધ્યાન ન આપ્યું નહીં કે અંદર કોઈ ફસાઈ ગયું છે.
આરવને ખબર જ હતી કે હવે માત્ર બેથી ત્રણ કલાકમાં જ તેનું શરીર બરફ બની જશે, કારણકે ત્યાંના તાપમાનથી એ ખૂબ જ સારી રીતે વાકેફ હતો.
આવા બધા વિચાર કર્યા એટલે તેને હવે મૃત્યુ સામે નજર આવવા લાગ્યું.
મૃત્યુના સામે જોઈને તે ભગવાનને સાચા મનથી યાદ કરીને પ્રાર્થના કરવા લાગ્યો.
પોતાનાથી કંઈ ખરાબ કર્મો થઈ ગયા હોય તો માફી માગવા લાગ્યો અને પ્રાર્થનામાં ભગવાનને કહ્યું કે એ ભગવાન, જો મેં જિંદગીમાં કોઈ એક કામ પણ ધર્મનું કે માનવતાનું કર્યો હોય તો તમે મને અહીંથી બહાર કાઢો. મારા છોકરાઓ અને મારી પત્ની મારી રાહ જોઇ રહી હશે. આટલો ભગવાનને પ્રાર્થના કરીને તે ભાવુક થઈ ગયો સાથે સાથે આંખમાંથી પાણી પણ વહેવા લાગ્યું.
તે રૂમમાં તેને લગભગ એક કલાક ઉપર થોડો સમય વિતાવ્યો હતો ત્યાં અચાનક ફ્રીઝર રૂમમાં કોઈએ ખખડાવ્યું, હજી તો આરવ કંઈ જવાબ દેવા જાય તે પહેલાં જ દરવાજો ખુલ્યો અને બહારથી ચોકીદાર ભાગતો ભાગતો અંદર રૂમમાં આવ્યો.
કોઇપણ સવાલ પૂછ્યા વગર સૌથી પહેલાં તે આરવને ઉઠાવીને રૂમની બહાર લઈ ગયો અને ચોકીદારે તેને ગરમ હીટર પાસે બેસાડ્યો.
આરવની હાલત થોડા સમય પછી ઠીક થઈ એટલે તરત જ સામે બેઠેલા ચોકીદારને તેણે પૂછ્યું તમે અંદર કેવી રીતે આવ્યા? કેવી રીતે ખબર પડી?
એટલે ચોકીદારે તેનો જવાબ આપતા કહ્યું હું તો અહીં 20 વર્ષથી કામ કરી રહ્યો છું સાહેબ. આ ફેકટરીમાં દરરોજ 500 જેટલા ઓફિસર અને મજુર કામ કરવા માટે આવે છે. અને ફરી પાછા જાય પણ છે.
પરંતુ હું ઘણા વર્ષોથી જોતો આવ્યો છું કે તમે બધાથી અલગ છો તમારા જેવા આ કારખાનામાં બહુ ઓછા માણસો છે, જે લોકો જ્યારે પણ કારખાનામાં આવે અને જાય ત્યારે મને કંઈક કહી ને જાય છે.
તમારી જ વાત કરૂં ને સાહેબ તો તમે દરરોજ સવારે આવો ત્યારે જ્યારે પણ કારખાનામાં અંદર પ્રવેશો છો ત્યારે મને હસીને ‘રામ રામ’ કહો છો. અને મારા હાલચાલ પૂછીને તમે કારખાનામાં જતા રહો છો એવી જ રીતે જ્યારે પણ તમે કારખાનામાંથી બહાર નીકળો છો ત્યારે મને ‘રામ રામ કાકા’ એવું કહીને જ ઘરે જાવ છો, ખબર નહીં શું કામ પણ તમે જ્યારે મને હસીને આ બે શબ્દ કહો છો તો જાણે આખા દિવસનો થાક ઉતરી જતો હોય એવું લાગતું હોય છે.
આજે દરરોજની જેમ જ મેં સવારે તમારૂં રામરામ તો સાંભળ્યું હતું પરંતુ સાંજ થઈ ચૂકી હોવા છતાં અને બધા લોકો ઘરે જતા રહ્યા હોવા છતાં તમે નીકળ્યા ન હતા મેં થોડા સમય સુધી તો તમારી રાહ પણ જોઈ કે કોઈ કામ પર અટવાઈ ગયા હશે, પરંતુ વધારે સમય થઈ ગયો એટલે હું ફેક્ટરીમાં આવીને તમને શોધવા લાગ્યો.
ઘણી જગ્યા પર શોધ્યા પછી મનમાં વિચાર આવ્યો કે શું તમે મુશ્કેલીમાં તો નહીં હોયને, એટલે અહીં પેલા રૂમમાં ખખડાવીને અંદર જોયું તો તમે મળી ગયા. ચોકીદારનો આવો જવાબ સાંભળીને આરવ હક્કો બક્કો રહી ગયો, કારણકે તે વિચારી જ ન શક્યો કે કોઈ માણસને જો તમે હસી ને રામરામ કહી દો તો એ કારણથી તમારો જીવ પણ બચી શકે. બે હાથ જોડીને ઉપર જોઈને ભગવાન તેમજ ચોકીદારનો ખુબ જ આભાર માન્યો.
- તમારી જાત પર વિશ્વાસ રાખો અને લડ્યા વગર હાર ન માનવી જોઈએ, સકારાત્મક વિચારસરણી દરેક સમસ્યાને દૂર કરી શકે છે - 23 November2024
- સંજાણ ડેની 104માં વરસની ઉજવણી - 23 November2024
- 2024 ઈરાનશાહ ઉદવાડા ઉત્સવ આવી ગયો! - 23 November2024