એબિસિનિયા અને ઈરાન: પૂરાતન પારસીઓના એક સુંદર સાહસકર્મની ટૂંક નોંધ

એબિસિનિયા અને પુરાતન ઈરાનના ઈતિહાસમાં જે નામિચી અને જગપ્રસિધ્ધ શહેનશાહતો હસ્તી ભોગવી ગઈ અને સૌથી વધારે બહોળી, જોરાવર અને જગમશહૂર પારસી યોધ્ધાઓની બળત્વારી અને જબરી હેવાલની રજૂઆત નીચેના લેખમાં રજૂ કરવામાં આવી છે વાંચકોને અવશ્ય વાંચવા ગમશે!

યાદગાર ઈરાનની પૂરાતન તવારિખના સફાઓ જગપ્રસિધ્ધ પારસી યોધ્ધાઓના સંખ્યાબંધ સાહસકર્મો અને સેંકડો જીતોથી હજુ સુધી ઝળકી રહ્યા છે. પ્રાચીનકાળમાં પ્રતાપી પારસીઓની ફત્તેહનો ડંકો ઉત્તરે યુરોપી રશિયા અને સાયબિરીયાના અંદરથી દક્ષિણે સહારાના રેતાળ રણો અને ઈથિયોપિયા (સૂડાન અને એબિસિનિયા)ના પહાડી જંગલો સુધી અને પશ્ર્વિમ એટલાન્ટિક મહાસાગરના કોસ્ટાઓથી પૂર્વે છેક ટિબેટની પહાડી ભૂમિ સુધી વાગી રહ્યો હતો. એકવાર આખો આફ્રિકા ખંડ પણોતા પારસીઓની તેજી તલવારને તાબે થયો હતો. પ્રાચીન કાળમાં ઈથિયોપિયાનો બહોળો પ્રદેશ ગોયા તે વખતની દુનિયાનો દક્ષિણ ધ્રુવ હતો.

ઈથિયોપિયા સાથનો પારસી સંબંધ ઘણાજ પૂરાતન કાળથી શરૂ થયેલો હતો. કિર્તીવંત શૂરવીર પારસી શહેનશાહ કમ્બૂજીયે મિસર, લિબિયા બાર્કા અને સાઈરીનના આફ્રિકન રાજ્યોની ફત્તેહ પછી એ પ્રદેશો પણ જીતી લીધેલા એમ માનવામાં આવે છે. શહેનશાહ દારયુશ હિસ્તાસ્પિસના વખતમાં ઈથિયોપિયા ઈરાનને ખંડણી ભરતું હતું. બહાદુર ઈથિયોપિયનો પ્રસિધ્ધ પારસી ઝંડા હેઠળ પારસી શહેનશાહત તરફથી મહાત્મા ઝર્કસિસના અમલ દરમિયાન ગ્રીસ સામે લડયા હતા. છેક શહેનશાહ દારયુશ કોડોમાનસના વખત સુધી એ પ્રજા પર ઈરાનનો કાબુ રહેલો હતો.

ઈરાનની નામિચી હખામની શહેનશાહત અંત પછી છેક શૂરવીર સાસાની શહેનશાહ નૌશિરવાન અદલના અમલ સુધી ઈથિયોપિયા સાથનો પારસી સંબંધ બંધ પડેલો હતો. એ વખતમાં ઈથિયોપિયાનો એક ભાગ જે એબિસિનિયા ખાતે એક બળવાન રાજ્ય હસ્તી ધરાવતું હતું તે રાજ્ય ધર્મે ખ્રિસ્તી હતું અને મશહૂર રોમન શહેનશાહતની ત્યાં મોટી લાગવગ ચાલતી હતી. આ બલવાન રાજ્ય સામે પારસીઓને યુધ્ધમાં ઉતરવું પડયું હતું.

ઈ.સ. 531માં યાદગાર અનુશેહરવાન અદલ ઈરાનના તખ્ત પર બેઠા પછી પારસી યોધ્ધાઓ ઈરાનની આસપાસના રાજ્યોને ફત્તેહ કરવામાં રોકાઈ ગયા. એ વખતમાં એબિસિનિયા ખાતે નિગસ નામનો રાજકર્તા રાજ્ય કરતો હતો. તેણે એક લડાયક લશ્કરની સરદારી લઈ દરિયાઈ મારફતે રાતો સમુદ્ર ઓળંગી અરબસ્તાન દેશના નૈરૂત્ય ખૂણા ઉપર આવેલા યમનના પૂરાતન આરબ રાજય પર ચઢાઈ કરી હતી. કહે છે કે યમન ખાતે લગભગ 2000 વરસ સુધી હોમરાઈટ વંશના પાદશાહો રાજ્ય ચલાવ્યું હતું. એ ટોળાના છેલ્લા પાદશાહ સુયજમને હરાવી યમનનો ફળદ્રુપ પ્રાંત પચાવી પાડતા નિગસને ઝાઝી મુશ્કેલી નડી નહીં. પરંતુ થોડી મુદત બાદ આરબોએ તેની સામે બળવો ઉઠાવ્યો હતો અને તે સમયે નિગસને પોતાનો સેપેસલાર અબ્રાહાને યમન ખાતે મોકલવાની ફરજ પડી હતી. અબ્રાહાએ યમન જઈને બળવો તો બેસાડી દીધો હતો અને ત્યાંના રાજા સુયજમને મારી નાખી તે પોતે જ ત્યાંનો રાજા થઈને બેસી ગયો હતો અને તેણે સુયજમની વિધતા રાણી સાથે લગ્ન કરી લીધા અને ત્યારપછી અબ્રાહાને એક દીકરો થયો જેનું નામ મસરૂક હતુ.ં આ રાણીને સુયજમ સાથેનો પણ એક દીકરો હતો જેનું નામ સઈફ હતું. અબ્રાહાના મરણ પછી યકસુમ નામે એબિસિનિયન યમનની ગાદી પર આવી બેઠો. આ પાદશાહના અમલ દરમિયાન મજકુર સઈફને તેના સાવકા ભાઈ મસરૂકે અપમાન કરવાથી તે યમન છોડી ઈરાનના શહેનશાહ નૌશિરવાનની દરબારમાં આશ્રય લીધો અને પોતાના બાપદાદાઓનું રાજ્ય પોતાને પાછું અપાવવા તે નામદારને અરજ કીધી.

કહે છે કે આ વખતે ઈરાની સિપાહીઓ ચારેતરફ ફત્તેહ કરવામાં રોકાઈ ગયેલા હોવાથી શહેનશાહ નૌશિરવાને ઈરાનના કેદખાનામાં પડેલા 800 કેદીઓને માફી આપી ઈરાન તરફથી લડાઈમાં ઉતારી તેમને થયેલી સજા માફ કરવાની એક તક આપી તેઓને લશ્કરી તાલિમ આપવામાં આવી. ઈરાની અખાતમાં એક દરિયાઈ કાફલો ઉભો કરી તેમને એડન તરફ રવાના કીધા. તે વખતે પારસી નામનો ત્રાસ આખી દુનિયામાં ફેલાઈ ગયો હતો અને પારસી લશ્કરોની અદેખાઈ ઉપજાવનારી ઝળકતી જીતોથી ગમે તેવા બળવાન શત્રુઓ પણ હિમંત ખોઈ દેતા હતા. આથીજ 800 પારસી સિપાઈઓનું એક નાનું લશ્કર લડાયક એબિસિયનો સામે મોકલતા શહેનશાહ ડર્યો નહીં હતો. આ બહાદુર સૈન્ય એડન જઈ પુગતાજ યમનના આરબોને નવું શૂર આવ્યું અને તેઓએ એબિસિનિયનો સામે બળવો ઉડાવી પારસી ઝંડા સાથે ભેગા થવા માંડયુ. શત્રુઓ સામે પરાક્રમ પારસીઓને બે ખૂનખાર લડાઈઓમાં ઉતરવું પડયું જેમાં દુશ્મનોએ જબરો માર ખાધો અને મકકા અને મદીના જગવિખ્યાત શહેરો તેઓએ જીતી લીધા હતા એબિસિનિયન પાદશાહ મસરૂક માર્યો ગર્યો અને શત્રુઓ યમન છોડી ઉભી પૂછડીએ નાઠા હતા. આ રીતે યમન ખાતે પારસી અમલ શરૂ થયો હતો.

એબિસિનિયનોની નાશકારક હાર અને યમનની ફત્તેહથી પૂરાતન પારસી ઈતિહાસના સફાઓ ઝળકી રહ્યા હતા. એ ફત્તેહથી અરબસ્તાનનો મોટો ભાગ પારસીઓના અમલ તળે આવ્યો હતો અને પવિત્ર જરથોસ્તી ધર્મનો તે દેશમાં બહોળો ફેલાવો થયો હતો. આ કીર્તિવંત જીતથી આફ્રિકાના પશ્ર્વિમ કોસ્ટા પર પારસી લાગવગનો વધારો થવા પામ્યો હતો.

એબિસિનિયન શત્રુઓ જેમ રાજદ્વારી હરિફાઈમાં તેમ વેપાર હરિફાઈમાં પણ બાહોશ સાહસિક પારસી વેપારીઓ સામે ટકી શકયા નહી હતા. તે વખતે હિંદી મહાસાગરમાં આવેલા દેશો અને ટાપુઓનો વેપાર એક હાથ કરવા રોમનો અને પારસીઓ વચ્ચે જબરી હરિફાઈ ચાલી હતી. એબિસિનિયન શત્રુઓ રોમનોના આડતિયા હતા તેઓએ પારસીઓ સામે જબરી ઝુંબેશ ચલાવી પણ છેવટે હાર ખાઈ તેઓને હઠી જવું પડયું અને પારસી વેપારીઓએ હિંદી મહાસગારનો સઘળો વેપાર એક હાથ કરી લીધો હતો.

સાસાની વંશના છેલ્લા કમનસીબ શહેનશાહ યજદેઝર્દ શહેરિયારના વખતમાં એબિસિનિયનો આરબો તરફથી પારસીઓ સામે લડયા હતા. એ લડાઈઓ દરમિયાન જ્યારે એક વેળા આરબ લડવૈયા સાઆદ વક્કાસે શહેનશાહ યજદેઝર્દનો ખજાનો લૂટયો તે વખતે ખજાનાના ભાગલા પાડતી વખતે બારસ્તાનનામાની અસલ મહાભારત પહેલવી કિતાબ એબિસિનિયન સરદારોને ફાળે ગઈ હતી જેઓએ તે નામિચું પુસ્તક પોતાના પાદશાહને ભેટ કીધું જેનો તેણે પોતાની ભાષામાં તરજુમો પણ કરાવ્યો હતો.

Leave a Reply

*