પ્રેમ હોય કે દાન હમેશા આપવાથી વધે છે!

મારૂં નામ ખુશરૂ હું સુરતના એક ગામમાં રહુ છું. સુરતથી ગામ ખુબ દૂર પડતું હતું એટલે હું ઘેરથી મારી બાઈક લઈને આવતો. તેને રેલ્વે સ્ટેશન પર પાર્ક કરતો. રેલ્વે સ્ટેશન નજીક બાઈક પાકીંગ માટે જગ્યા હતી. મારે દર મહિને 100 રૂપિયા ચૂકવવાના હતા.
ત્યાં એક વૃદ્ધ મહિલા બાઈક જોતી હતી. તેમનું છાપરૂં તાડપત્રી અને ચાર વાંસથી બનેલું હતું. તે તેમાં રહેતી હતી. તેના શરીર પર ખૂબ જ જૂની ફાટેલી મરાઠી લોકો પહેરે તેવી સાડી હતી. માથાના લગભગ બધાજ વાળ સફેદ થઈ ચૂકયા હતા.
આશરે 70-75 વર્ષની ઉંમર તે હોવી જોઈએ. ત્યાં એક જૂના ગુણપાથ પર તે બેસતા હતા. ઠંડીથી બચવા માટે તેમની પાસે એક ફોટલું જૂનું બ્લેન્કેટ પણ હતું. ઠંડીના દિવસો હતા. તે આખો દિવસ તેને ઓઢી રાખતા હતા. સામે એક જર્મન પ્લેટ અને સ્ટીલનો બાઉલ હતો.
આ હાલત હોવા છતાં તે માયજીના મોઢા પર હમેશા એક સ્મિત રહેતું.
એક સાંજે હું મારા બાઈક પર ઘરે જવાની તૈયારી કરતો હતો. બેટા, તમારૂં નામ શું છે? તેમણે મારી સાથે ગુજરાતીમાંજ વાત કરી.
મેં મારૂં નામ બોલ્યું
કદાચ તેઓની સમજમાં ના આવ્યું તેમણે ફરીથી પૂછ્યું, શું?
હું ફરી બોલ્યો.
તે હસીને બોલ્યા, ઠીક છે, સરસ નામ છે.
ત્યારબાદ તેમણે અન્ય પૂછપરછ કરી. ઘરે કોણ છે? કયુ ગામ?
પછી તેમણે બાઈક સાથે અટકેલી મારી બેગ તરફ જોયું અને પૂછ્યું, ટીફિનમાં કંઈ બાકી છે? હું એક ક્ષણ માટે ગુંચવાયો. ત્યારે મે કહ્યું, ના, માયજી
તેમણે એ જ હસતાં ચહેરા સાથે ફરી કહ્યું, કંઈ વાંધો નહીં, પણ જો કોઈ વાર તારા ટીફિનમાં કંઈ બાકી હોય તો તેને ફેંકી દેવાને બદલે મને આપજો.
તેમનો ચહેરો હસતો હતો પણ તેમની આંખોમાં પાણી ભરાયું હતું.
કદાચ તેઓને શરમ આવતી હશે પણ મને સમજાયું કે તેઓ ભૂખ્યા છે. બાજુમાં જ એક હોટલ હતી ત્યાંથી તેમના માટે ભજીયા પાવ લઈ આવ્યો અને તેમને આપ્યું અચાનક યાદ આવ્યું કે ઘેરના માટે મેં સફરજન લીધા હતા. તેમાંથી બે સફરજન મેં તે માયજીને કાઢી આપ્યા. માયજીના ચહેરા પર આભારના ભાવ સાથે તેમનો ચહેરો ખીલી ઉઠયો.
ઘરે આવ્યા પછી, જમી કરીને હું મારા મમ્મી પપ્પા સાથે વાત કરવા બેઠો. અને સ્ટેશન પર રહેતા પેલા માયજી માટે મેં વાત કરી. બીજે દિવસે સવારે, મારી મમ્મીએ તેના માટે બીજી ચાર રોટલી અને શાક એક ડબ્બામાં બાંધી આપ્યું. અને કહ્યું ખુશરૂ, પેલા માયજીને આપી દેજે. પારસી તારૂં બીજું નામ ચેરીટી. મને ખૂબ સારું લાગ્યું.
સ્ટેશન પર બેઠેલા માયજીએ મને સ્મિત કર્યુ. મેં મારા મમ્મીએ આપેલો ડબ્બો તે માયજીને આપ્યો. માયજીના ચહેરા પર એક અલગ પ્રકારનો આનંદ હતો. તેના ચહેરા પર ખુશી જોઈને મને ખૂબ આનંદ થયો.
બપોરે ઓફિસમાં જમતી વખતે મને અચાનક તે માયજીની યાદ આવી.
મને અચાનક એક આઈડીયા આવી. મારી સાથે બેસતા મારા મિત્રોના ડબ્બામાં જે રોટલી અને શાક બચ્યું હતું તે મેેં મારા ખાલી ડબ્બામાં ભરી લીધું.
સાંજે ફરી માયજી મલ્યા મેં તેમને મારા ટીફીનમાંથી રોટલી અને શાક તેમની પ્લેટમાં કાઢી આપ્યું તેઓનાં ચહેરા પર પાછું સ્મિત આવી ગયું.
હવે તેમણે તે રોટલીમાંથી અર્ધી રોટલીના ટુકડા કરી પાણીથી ભરેલી વાટકી પાસે મુકયા અને બીજી રોટલીમાંથી ટુકડો તોડી સાઈડ પર મૂકયો.
હું આ બધું જોતો હતો.
મેં પૂછયું માયજી તમે આ શું કરો છો?
તેણીએ હસીને કહ્યું ત્યાં જુઓ. જ્યારે મેં ત્યાં જોયું, ત્યારે કેટલીક ચકલીઓ આવી રોટલીના ટુકડા ખાવા લાગી અને નજીકના બાઉલમાંથી પાણી પીવા લાગી. અને એમાંથી એક રોટલીનો ટુકડો લઈ ઉડી ગઈ. કદાચ તેના બાળકો માટે લઈ ગઈ હશે. તે જોતો હતો તેટલામાં જ ત્યાં એક કુતરો આવ્યો અને માયજીએ મુકેલી રોટલી તે ખાવા લાગ્યો.
જીવનનો એક અલગ રંગ તે દિવસે દેખાયો. મેં મારા ટીફિનમાંથી થોડું જમવાનું માયભજીને આપ્યું માયજીએ તેમાંથી થોડું તે ચકલીઓને અને કુતરાને આપ્યું વળી ચકલી એમાંથી પાછું થોડું પોતાના બચ્ચાંઓ માટે લઈ ગઈ. કદાચ આજ જીવન હતું. બીજાને થોડું આપી આનંદ લેવો.
આવું લગભગ આઠ મહિના ચાલ્યું અને આપણું નવરોઝ, નવું વર્ષ આવ્યું, અમે લોકો દર વર્ષની જેમ અગિયારીમાં ગયા. અને આવતી વખતે મારી મમ્મીએ માયજી માટે લીધેલી મરાઠી ઢબની સાડી ભેટમાં આપી સાથે સવારે ઘરમાં બનેલી સગનની સેવ, લગનનું કસ્ટર્ડ અને ચીકન કટલેટ પણ માયજીને ખાવા આપ્યું અમને સાથે જોઈ તે માયજી એકદમ ખુશ થઈ ગયા. મને ભરપુર આશીર્વાદ આપ્યા. એક વસ્તુ મેં નોંધી કે આ વિશ્ર્વમાં આશીર્વાદ અને ખુશી મેળવવાનું ખૂબ જ સરળ છે. જો તમે કોઈને સુખ આપો છો, બદલામાં તમને સંતોષ, સુખ અને આશીર્વાદ મળે છે.
અમે એક અઠવાડિયું સીમલા જવાનું નકકી કર્યુ અને માયજીના જમવાના માટે એક હોટલમાં કહી રાખ્યું. તે હોટલવાલો માયજીને જમવાનું આપવાનો હતો અને તેના પૈસા હું આવીને તેમે આપીશ એમ જણાવી અમે સીમલા હોલીડે માટે ગયા.
અમે લોકો સીમલાથી પાછા આવ્યા એક દિવસનો આરામ કરી હું બીજે દિવસે કામ પર લાગ્યો સવારે ઓફીસ જવા માટે નીકળ્યો. સીમલાથી માયજીને માટે અમે બ્લેન્કેટ લઈ આવેલા તે મે તેમને આપવા લીધી. મે મારી બાઈક પાર કરી પણ મને માયજી નહીં દેખાયા. તેમનું સાહિત્ય ત્યાં નહોતું. થોડે દૂર સામાન્ય જગ્યાએ બાઉલ હતો.
હું હોટલવાલા પાસે ગયો એમને પૂછવા. એમને પૂછયું માયજી કયાં ગયા? તેણે મારી તરફ જોયું અને કહ્યું, ઓહ, તેઓ તો તમારા ગયાના બીજે દિવસે જ ગુજરી ગયા. રાતના સુતા હતા તે સવારે ઉઠયાજ નહીં. મારું મન સુન્ન થઈ ગયું.
મેં તે વાટકી તરફ જોયું. તે સૂકી હતી. મેં મારી પાસે પાણીની બાટલીમાંથી બાઉલમાં પાણી ભરી દીધું અને મારા ટીફિનમાંથી રોટલી કાઢી ત્યાં મૂકી તરત તે ખાવા ચકલીઓ આવી ગઈ. માયજી મને જીવનની એક મોટી વાસ્તવિકતા આપી. આપવાથી વધે છે. તે પ્રેમ હોય કે પછી દાન.

Leave a Reply

*