સુલતાનના ત્રણ શાહજાદા, બાપે તેમની કસોટી કરવા મુસાફરીએ મોકલ્યા

હિન્દુસ્તાનમાં એક સુલતાન મોટાં રાજ્યનો માલેક હતો. તેને ત્રણ દિકરા હતા. આ ત્રણ રાજકુમારોમાંથી સૌથી મોટાનું નામ હુસેન હતું. બીજા શાહજાદાનું નામ અલી હતું અને ત્રીજા રાજકુમારને આહમદના નામથી સૌ ઓળખતા. સુલતાનનો એક નાનો ભાઈ જે ગુજરી ગયો હતો તેને એક દીકરી હતી. તે પણ નાની હોવાથી આ ત્રણે શાહજાદાઓ ભેગી ઉછરી હતી. તેઓ સૌ સાથે રહેતા, ભણતાં અને રમતાં.
જ્યારે આ રાજકુમારી મોટી થઈ, ત્યારે ત્રણે ભાઈઓએ એને પરણવાની ઈચ્છા કરી. આ શાહજાદી બહુ ખુબસુરત, હસમુખી અને હોશિયાર હતી. તેથી તે સૌને ગમી ગઈ હતી.
જ્યારે આ વાત સુલતાનને કાને ગઈ, કે તેના ત્રણે શાહજાદાઓ તેની ભત્રીજીને ચહાતા હતા, ત્યારે તેને સુજ પડી નહી કે કયા દીકરા વેરે તેની ભત્રીજી પરણાવવી. મુસલમાની રિવાજ પ્રમાણે કાકા કાકાનાં બાળકો પરણી શકે તેમ હતું. પણ ક્ધયા એક ને ઉમેદવાર ત્રણ તેથી તેની સાથે કુંવરીને પરણાવવી તેનો સુલતાનને વિચાર થઈ પડયો.
સુલતાને પોતાના ત્રણે શાહજાદાઓને પાસે બોલાવી કહ્યું, કે તમારા ત્રણેમાંથી જે કોઈ દુનિયામાં ન મળી શકે એવી બહુ અજાયબી ભરી ચીજ મને લાવી આપશે. તેની સાથે હું આ ખુબસુરત શાહજાદી પરણાવીશ. ત્રણે શાહજાદાઓ સારી પેઠે જાણતા હતા કે તેમના બાપને નવાઈ જેવી વસ્તુઓનો બહુજ શોખ હતો. અને તેનો સંગ્રહ કરવા તે ઘણો પૈસો ખર્ચતા. તેથી તે ત્રણે દીકરાઓએ બાપની શરત સ્વીકારી.
સુલતાને મુસાફરી માટે જરૂર જોઈતી ખર્ચી ત્રણે શાહજાદાઓને આપી. ના એટલુંજ નહીં પણ બહુ અજાયબી ભરી ચીજો ખરીદવા નાણું જોઈએ તેથી તે માટે સુલતાને સારો બંદોબસ્ત કર્યો. દરેક શાહજાદાને ઘણું નાણું પણ તેમણે સાથે આપ્યું. વળી દરેકની સાથે એકેક નોકર પણ આપ્યો. શાહજાદાઓએ રાજકુંવરના ઠાઠમાઠભર્યા પોષાકો ઉતારી, દરેકે સાદો સોદાગરનો વેષ ધારણ કર્યો અને સોના મોહોરોની થેલીઓ તથા નોકરને લઈ આવવા લાંબુ મુસાફરીની તૈયારી કરી. તેમના પિતા નામદાર સુલતાને તેમને સફળતા ઈચ્છી કહ્યું કે ‘તમે મુસાફરીમાં તમારા જાનમાલની સંભાળ લેજો અને આબરૂ ઈજ્જતથી રહી, હિમ્મત તેમજ હિકમતથી, દુનિયામાં જેની જોડી મળે નહી તેવી ચીજો લાવજો.
ત્રણે બેટાઓએ પોતાના વહાલા માતાપિતાને નમન કરી તેમની આશિશ લઈ, તેઓ હોંશભર્યા ચાલી નીકળ્યા.
થોડે દૂર આવ્યા ત્યારે, સાંજ પડી ગઈ હતી. રાતવાસો કરવા, ત્યાં એક મુસાફરખાનામાં તેઓ ત્રણે સાથે ઉતર્યા. સવારે ઉઠયા ત્યારે તેમણે ત્રણે મળી એવો ઠરાવ કર્યો કે અહીંથીજ ત્રણે જણાએ જુદા પડી જુદે જુદે રસ્તે મુસાફરી કરવી અને એક વર્ષ પછી, ત્રણેએ પોત પોતાની અજાયબી ભરી ચીજ સાથે અહીંજ ભેગા થવું તે પછી ત્રણે સાથે મળી, તેમના પિતા પાસે ઈનામ માગવા જવું.
આમ ઠરાવ કરી, આ ત્રણે ભાઈઓ ત્યાંજ એક બીજાથી જુદા પડયા. દરેક જુદી વાટ લીધી. આમ તેઓ એકબીજાથી હાલ તો એક વર્ષને માટે છૂટા પડી ગયા.
હવે શાહજાદો હુસેન જે સૌથી મોટો હતો તેણે હિન્દુસ્તાનના એક વીસનગર નામના શહેરની ખ્યાતી બહુ વાર સાંભળી હતી. તેથી તે તો નામાંક્તિ શહેર તરફ ચાલ્યો એમ માનીને કે આવાં પુરાણા મોટા વિખ્યાત શહેરમાંથી જરૂર તે કંઈને કંઈ અજાયબી ભરી ચીજ લઈ આવી શકશે. બહુ દિવસે લાંબી મજલ કાપતો તે શાહજાદો વીસનગર શહેરમાં આવી પહોંચ્યો. ત્યાં એક ધર્મશાળામાં ઉતર્યો. ત્યા દેશે દેશના મુસાફરો ઉતરતા હતા, તેથી શાહજાદાના મનમાં કે ત્યાં ઉતરવાથી તેને દેશદેશના મોટા મોટા અનુભવી સોદાગરો સાથે વાતચીત થઈ શકશે. અને વળી સારી ઓળખ પણ થશે. મુસાફરો સાથેની વાતચીતથી હુસેને જાણી લીધું કે વીસનગરમાં એક મોટી બઝાર હતી. ત્યાં દુનિયાભરની નવાઈ જેવી ચીજો વેચાવા આવતી હતી. શાહજાદા હુસેને ત્યાં જવા તૈયારી કરી. પોતાના નોકરને, પોતાના અસબાબ તથા સોના મોહોરોની થેલી સાથે મુસાફરખાનામાં રાખી, શાહજાદો હુસેન વીસનગરની બઝાર જોવા નીકળી પડયો.
બઝાર તરફ જતાં જતાં તેનાં મનમાં બસ એકજ ખ્યાલ કે તેના બાપને બહુજ ગમે તેવી કોઈ નવાઈ જેવી ચીજ જો હાથ લાગી જાય તો તેનો બેડો પાર! બસ પછી, તેને પેલી શાહજાદીને પરણવાનું સહેલ હતું. હવે ચાલો આપણે શાહજાદા હુસેન સાથે વસીસનગરની બઝારમાં ફરવા જઈએ. જરા જોઈએ તો ખરા શાહજાદો હુસેન ત્યાંથી શું ખરીદે છે? (ક્રમશ)

Leave a Reply

*