રોન્ગ નંબર

‘નવા વર્ષના શુભ દિવસે આજે મળવા આવી શકશે?’ ફોનમાં આ વાકય સાંભળતાજ છાતીમાં આનંદનો ફુવારો ફૂટતાં ચેરાગ લીલોછમ થઈ ગયો એના ભાગ્યની કંકોતરી ફરી કોઈ સુવર્ણ અક્ષરે લખી ગયું મહાતાબે આ પ્રશ્ર્ન પૂછવાની જરૂરજ નહોતી પણ નિકટતા અનુભવાતી હોય તો જ આ રીતે પ્રશ્ર્ન પૂછાય ‘અરે, ના પાડવાનો સવાલ જ પેદા થતો નથી.માત્ર પોતે પૂછવાનું હતું કયાં?’ માહતાબે આપેલું એડ્રેસ સાચવીને મગજના એક ગુપ્ત ખાનામાં મૂકી દીધું. મોબાઈલ બંધ કરતા ચેરાગની નજર કિચન તરફ ગઈ. રોશની ચાનો કપ લઈને આવતી જોતાંજ ચહેરા પર છવાઈ ગયેલી લાલી છુપાવતાં એણે છાપુ હાથમાં લીધું. રોશનીએ પાસે આવી ચાનો કપ સામે ધર્યો. આ સાથે રોશનીની આંખોમાંનો પ્રશ્ર્ન એને તાકી રહ્યો છે એવું અનુભવતા તરત રોન્ગ નંબર કહી દીધું. માહતાબ ચેરાગની એક્સ ગર્લફ્રેન્ડ છે અને બન્નેમાં અણબનાવ બનતા આઠ મહિના પહેલા જ ચેરાગે રોશની સાથે લગ્ન કર્યા છે. પણ તે હજુસુધી માહતાબને ભૂલી નથી શકયો અને આજે અચાનક નવા વર્ષના દિવસે તેનો ફોન આવતા તે ખુશ થઈ ગયો છે. એમ તો આજે નવા વર્ષની રજા હતી એટલે ચેરાગ ઘરમાંજ રહેવાનો હતો પણ માહતાબના ફોનના લીધે તેણે બહાર નીકળવાનું નકકી કર્યુ હતું.

ચા નો કપ લેવા પાછી આવેલી રોશનીને ચેરાગે જણાવ્યું કે તે થોડીવાર માટે બહાર જવાનો છે. વિસ્મયભરી નજરે પોતાની સામે જોઈ રહેલી રોશનીને કશી ગંધ આવી ગઈ કે શું? એની ભીતિ ચેરાગને લાગી આવી. પોતે સ્ટોકબ્રોકર છે એટલે કલાયન્ટના ફોન આવ્યા કરે.

રોશની શંકા શું કામ કરે? તેના મને હિંમત આપી રોશની જતાં ચેરાગે બાલ્કનીમાં નજર કરી અચાનક ઘડિયાળમાં જોયું તો એક કલાક બાકી હતો માહતાબને મળવાનો. કૂદકો મારી એ બાથરૂમ તરફ દોડયો. કલીનશેવ, વાળમાં શેમ્પૂ, હેરડ્રાયર પછી હેરસ્પ્રે, પરફયુમ છંટકાવ કરી  પટેટીના દિવસ માટે લીધેલો નવો શર્ટ અને પેન્ટ પહેરી પોતાની જાતને ચેરાગે અરિસામાં નિહાળી ‘હાય હેન્ડસમ’ બોલવાનું ટાળતાં ડ્રોઈંગરૂમમાં આવ્યો.

એને હાથમાં બેગ ઉપાડી અને રોશનીને કહ્યું ‘ડાર્લિંગ આજના દિવસે મને બહાર જવાનું નથી ગમતું પણ નવા કલાઈન્ટને મળવા મારે જવું જરૂરી છે અને હું જલદી આવવાની કોશિશ કરીશ. તું તારી રીતે બપોરે જમવાનું ઓર્ડર કરી લેજે અને સગનની માવા બોય મચ્છી મંગાવવાનું ભુલતી ના.’ ચેરાગ જેવો ઘરની બહાર નીકળે છે તે દરવાજામાં પૂરેલા ચોકને જોઈ ખુશ થઈ જાય છે. પણ રોશની નિસાસો નાંખતા બાલ્કનીમાં જઈ ચેરાગને પોતાની દ્રષ્ટિથી ભૂંસાતો જોય છે. પોતાના લગનને આઠ મહિના થયા હતા. લગનની પહેલી રાતથી જ એને લાગ્યું હતું કે ચેરાગ પોતે માનસશાસ્ત્ર સાથે એમ.એ.ની ડિગ્રી મેળવી હતી. આપણે એકબીજા માટે નવા છીએ. એકમેકને ઓળખીશું, જાણીશું, સમજીશું પછી બધું ઠીક થઈ જશે. પણ પછી દિવસ, અઠવાડિયા, મહિના વહેતા પ્રવાહમાં સંબંધ બંધાય નહીં શકયો. ચેરાગના ભૂતકાળની જાણ રોશનીને થઈ ચૂકી હતી. હિંમત ન હારતા રોશનીએ દ્દઢ નિશ્ર્ચય કર્યો હતો. ગાંઠ બાંધીજ છે તો એને ગળાનો ફાસો નહીં પણ હાર બનાવીને જંપીશ…

મોડું થયું નહોતું ચેરાગે રિસ્ટ વોચમાં જોયું. ઉતાવળમાં રેલવે પ્લેટફોર્મનો દાદારો ધડાધડ નીચે ઉતરતાં છેલ્લું પગથિયું ચૂકી જતાં માંડ માંડ પડતા બચે છે. આજે બેન્ક હોલીડે હોવાથી ટ્રેનમાં ગરદી નથી. ચેરાગ ફર્સ્ટ કલાસમાં ચઢે છે. અંધેરીથી ટ્રેન નીકળે છે. આજે મહાતાબે કેમ બોલાવ્યો હશે? કરેલી ભૂલનો અહેસાસ તેને થયો હશે? હું તેની સાથે હોઈશ… ગમતો સમય પાછો ફરી રહ્યો હતો.

ચર્ચગેટ સ્ટેશન ઉતરી સીધો ચાલતો રહ્યો દરિયાને સમાંતર ચાલતા દરિયા મહલ બિલ્ડિંગ પાસે આવી ઉભો રહ્યો. ડોરબેલ વાગતા મહાતાબે જ દરવાજો ખોલ્યો હતો. મરૂન કલરના ગારામાં તે સુંદર દેખાતી હતી.  ચેરાગ પાછળનું બધું જ ભુલવા તૈયાર હતો.

મહાતાબે ચેરાગ સામે ફાલુદાનો ગ્લાસ મૂક્યો. ‘બેસને’ ચેરાગને વિવેક દર્શાવ્યો. ‘ઓહ ચેરાગ, આઈ મિસ યુ વેરી મચ, મેં તને છોડી મોટી  ભૂલ કરી છે. મને માફ કરી દે.’ અને ચેરાગ એના આંસુ લુછતા કહે છે ‘આઈ સ્ટિલ લવ યુ, જે થયું તે ભૂલી જા..’ ચેરાગ કયાં ખોવાઈ ગયો હતો, મહાતાબના સવાલે તંદ્રામાંથી જ જગાડયો. ‘તું કેમ છે? સાંભળ્યું છે તે પણ મેરેજ કરી લીધા છે એમ આઈ રાઈટ?’ મહાતાબના પ્રશ્ર્નએ ચેરાગના મુખમાં કડવાશ ભરી દીધી.’

ચેરાગની ખામોશી પડકારતાં મહાતાબ બોલી, ‘તું આવ્યો એ મને ગમ્યું, થેન્કસ, આઈ હોપ મારા પ્રત્યેનો ગુસ્સો તું બહાર છોડીને આવ્યો છે?’

‘ગુસ્સો તારા પ્રત્યે? આંખ નીચે કરતા ચેરાગ હસ્યો.’ જે કહેવું હતું તે કહી ન શકયો. મનમાં ને મનમાં એ બોલ્યો, ‘જમવા કયાં જઈશું?’ મહાતાબે કહ્યું, ‘નવા વર્ષના દિવસે મે બધુંજ તારી પસંદનું જમવાનું  બનાવ્યું છે. હું તારી સાથે જીવનન વિતાવવા તૈયાર છું. આઈ એમ સોરી.’ ચેરાગનું મન એકલું એકલું જ બોલતું હતું.

અચાનક માહતાબ બોલી ‘બસ સાયરસ હમણાંજ આવતો હશે પછી સાથે બેસી વાતો પણ કરીયે અને જમીએ પણ..’

‘સાયરસ કોણ?’

‘મારા હસબન્ડ…’

તેટલામાંજ ડોરબેલ વાગી…

મહાતાબે સાયરસ સાથે ઓળખાણ કરાવી…એમણે નવી કંપની ખોલી છે એટલે કંપનીના શેરર્સને માર્કેટમાં મૂકવા માટે તારી સલાહ જોઈએ છે. આજકાલ ભરોસાપાત્ર લોકો કયાં મળે છે. લંચ દરમિયાન પતિ-પત્ની વચ્ચે થતી ગુસપુસ હાસ્યની આપલે એક થઈ વહેતા બે ઝરણા… આ એજ માહતાબ છે..ચેરાગ મનમાં પછતાયો બન્નેને સાથે હસતા ખેલતા જોઈ તેની ભૂખ જ મરી ગઈ. તેને અચાનક તેની વહાલી રોશની યાદ આવી ગઈ… બસ તે હવે પોતાના ઘરે જવા માંગતો હતો. પોતાની રોશની પાસે..લંચ પછી આભારવિધિ પતાવી તીરની જેમ છટકીને ચેરાગ ભાગ્યો…

પોતાના ઘરની ડોરબેલ વગાડી… તે રોશનીને જોવા માંગતો હતો…તેને પોતાની બાહોમાં લેવા માંગતો હતો…

રોશનીએ દરવાજો ખોલ્યો, તમે આટલા જલદી આવી ગયા..

તેણે રોશનીને બાહોમાં લઈ લીધી… અને કહ્યું ‘સાંજે તારે કયાં જવું છે તે જલ્દી જલ્દી નકકી કરી લે…આજે આપણે સાંજે બહાર જઈશું…અને તે જમવાનું ઓર્ડર કીધું કે નહીં? મેં કલાઈન્ટ સાથે થોડુ ખાધું છે પણ આજના દિવસે હું મારી રોશની સાથે જમવા માંગું છું…ચેરાગને પોતાની ભુલ સમજમાં આવી ગઈ હતી અને તે હવે રોશનીથી જરાપણ દૂર જવા માંગતો નહોતો.

તે બેડરૂમમાં કપડાં બદલવા જતો રહ્યો….

ત્યાં જ ફોનની રિંગ વાગી…રોશનીએ ફોન ઉપાડયો…તેના અવાજમાં ખુશી હતી….માહતાબ, તમારો લાખ લાખ આભાર.. સાલ-મુબારક કહી ફોન મૂકાઈ ગયો…ચેરાગે બહાર આવી પૂછયું કોનો ફોન હતો?

‘રોશનીએ કહ્યું, રોન્ગ નંબર…’

જમવાના ટેબલ પર પોતાને ભાવતી ચીજો જોઈ ચેરાગે રોશનીને ગાલ પર એક કીસ આપી દીધી…તેને હવે ખરેખર ભૂખ લાગી હતી… અને ‘સગનની માવાની બોય’ આપતા રોશની મનમાં ને મનમાં બોલી, ‘આજના નવા વરસના દિને મારૂં જીવન જ બદલાઈ ગયું .

..ઓ ખુદા તમારો ખૂબ ખૂબ આભાર…

About આબાન પરવેઝુ તુરેલ

Leave a Reply

*