કસરેવઝ સીઆવક્ષ આગળ ગયો અને શાહનો પેગામ કહ્યો. સીઆવક્ષ અફ્રાસીઆબ આગળ આવવા તૈયાર થયો. ત્યારે કસરેવઝે ફરેબથી તેને તેમ કરતો અટકાવવાની કોશેશ કરી, તે ઢોંગ કરી આંખમાંથી આંસુ રેડી રડવા લાગ્યો. સીઆવક્ષે કારણ પૂછતાં કહ્યું કે મને તારી ઉપર દયા આવે છે. મારો ભાઈ અફ્રાસીઆબ ઘણો બૂરો છે. તું તેને ભોળાઈથી પિછાનતો નથી. તે તુંને મારી નાખવાની ગોઠવણ કરે છે કારણ કે તું ઈરાનનો શહેજાદો છે અને ઈરાન અને તુરાન વચ્ચે અસલથી વેર છે. માટે તું બચવાને માટે કોઈ ઉપાય શોધ. એવી ઘણીક ખોટી વાતોથી સીઆવક્ષ ઠગાઈ ગયો અને કસરેવઝની શીખવણીથી શાહ પર એવો જવાબ લખ્યો કે હું ખુશીથી આવતે અને ફીરંગીઝ પણ આવતે પણ તેણીની તબીયત ઠીક નથી માટે તેણી સાજી થશે ને હું આવીશ.
જ્યારે અફ્રાસીઆબે સીઆવક્ષનો આ જવાબ જાણ્યો અને જોયું કે તે તેડાવ્યા છતાં આવતો નથી ત્યારે તેનો શક મજબૂત થયો અને કસરેવઝે તેને જે કહ્યું હતું તે તેણે ખરૂં માન્યું. વળી કસરેવઝે તેને ખોટું કહ્યું કે જ્યારે આફત આવે ત્યારે નિરાંતે બેસવાનું કારણ નથી. સીઆવક્ષ તો નહીં મને લેવા આવ્યો કે નહીં તેણે મારા સખુનો સાંભળ્યા. કે નહીં તારૂં કાગળ વાંચ્યું તખ્ત પછવાડેની છેલ્લી જગ્યા તેણે મને આપી. ઈરાનથી તેના ઉપર એેક કાગળ આવ્યું છે અને ચીન અને રૂમથી થોડાક વખતમાં તેને માટે લશ્કર આવશે. માટે જો તું કાઈપણ ધીલ કરશે તો ખરાબ થશે.
આ સઘળાથી અફ્રાસીઆબ ઉશકેરાયો અને સીઆવક્ષ ઉપર ચઢાઈ લઈ જવાની તૈયાર કીધી. પેલીગમ સીઆવક્ષે સઘળી હકીકત ફીરંગીઝને કહી. તેણીએ વાતથી દિલગીર થઈ પણ સીઆવક્ષે દિલાસો કીધો કે ફીકર નહીં. કસરેવઝ મારો મિત્ર છે. તે પાદશાહને થંડો પાડશે. એ પછી ત્રણ દહાડે, રાત્રે સીઆવક્ષ ઉંઘમાં એક સ્વપ્નો જોઈ બિહિ ઉઠયો અને ચીચ્યારી પાડી. ફીરંગીઝે તેને પેટમાં દાબ્યો અને તુરત આતશ ઉબર ખુશબો મૂકી અને તેને બિહિવાનું કારણ પૂછયું. સીઆવક્ષે કહ્યું કે મેં સ્વપ્નામાં અફ્રાસીઆબને લશ્કર લઈ આવતો અને આપણા શેહર સીઆવક્ષ ગર્દને બાળી નાખતો જોયો છે. ફીરંગીઝે દિલાસો દીધો કે કાંઈ નહીં એ તો કાંઈ સારૂ થશે તેની નિશાની છે.
હવે પાદશાહ અફ્રાસીઆબ લશ્કર લઈ આવ્યો ત્યારે કસરેવઝે સીઆવક્ષ પર પાછો એક છુપો પેગામ મોકલ્યો કે હવે તું તારો બચાવ કરવાના ઉપાય લે કારણ અફ્રાસીઆબ ઉપર મારી સમજાવટ ફોકટ ગઈ છે. ફીરંગીઝે સીઆવક્ષને કહ્યું કે તું મારી ફીકર ના કર, પણ તારો જાન બચાવવાની કોશેશ કર.
સીઆવક્ષે હવે પોતાનું સેવટ આવી પહોંચેલું જોયું તેણે પોતાની વહાલી ફીરંગીઝને છેલ્લી આગાહી તરીકે નીચે મુજબ સખુનો કહ્યા. મેં જે સ્વપ્નો જોયો તે ખરો પડતા દિસે છે અને મારી કીર્તિ તમામ થઈ છે. મારી જીંદગીનો છેડો આવ્યો છે. જો મારા મહેલની ટોચ શનીશ્ર્ચર સુધી પહોંચે તો પણ મારે મરવું છે. જો હું 1200 વર્ષ જીવું તો પણ છેવટે મારે મરવું છે. હાલ તુંને હમેલ છે અને તેનો પાંચમો મહિનો છે. તારે પેટે એક નામાંક્તિ ફરજંદ અવતરશે તેનું નામ તું કેખુશરો રાખજે. તે ફરજંદથી તુ દિલાસો લેજે. ખોદાના ઈનસાફથી બુલંદ ખોરશેદથી તે શીહા જમીન તલક કોઈ છુટવાનું નથી. એક મચ્છરની પાંખથી તે એક મસ્ત હાથી સુધી શું પાણીના મગરો કે નીલનો દર્યાવ કોઈ પણ છુટવાનું નથી. અફ્રાસીઆબના હુકમથી મારૂં માથું કાપી નાખવામાં આવશે અને નહીં કોઈ મારૂં કફન કરશે, કે નહીં મારે માટે કોઈ રડશે. અફ્રાસીઆબના ચોકીદારો તુંને પણ રખડતી કરશે, પણ પીરાન આવી તારે માટે તારા બાપ પાસે મહેર મેળવશે. તેને ત્યાં તું કેખુશરોને જન્મ આપશે. પછી ઈરાનથી એક સરદાર આવી તુંને અને તારા છોકરાને જેહુન નદીને આ પારથી પેલે પાર, ઈરાનના મુલકમાં લઈ જશે. તે છોકરો મોટો થઈ મારો કિનો લેશે.
(ક્રમશ)
- વિશ્ર્વની નવ સૌથી વધુ જીનેટિકલી આઇસોલેટેડમાનવ વસ્તીમાં પારસીઓ - 4 January2025
- લહેરો પર સવારી કરતા ખુરશીદ મિસ્ત્રી! - 4 January2025
- સીએનએમએસ ટાટાનું સન્માન કરતી સ્મારક પોસ્ટલ સ્ટેમ્પ બહાર પાડે છે – તેમના વારસાના દસ્તાવેજીકરણ માટે યુવાન લેખકો માટે રતન ટાટા શિષ્યવૃત્તિની પણ જાહેરાત કરી – - 4 January2025