કોરોના થાય તો ઘરે રહીને પણ તેની સારવાર કરી શકાય છે

દીકરા અને પત્નીને કોરોના સંક્રમણને આજે 11મો દિવસ થયો. બંનેના રિપોટર્સ પણ નેગેટિવ આવી ગયા છે. પરિવારમાં જ કોરોનાની પધરામણી થયેલ હોવાથી આ વાયરસની અસરોને નજીકથી જોઈ. આપ સૌ મિત્રોને ઉપયોગમાં આવે એવી કેટલીક વાતો આપની સાથે શેર કરૂં છું.
જો તમે પૂરતા સજાગ અને જાગૃત હોવ તો કોરોનાથી ડરવાની કે ગભરાવાની કોઈ જરૂર નથી, પણ જો તમે બેદરકાર રહ્યા તો આ વાઇરસ જેવો ખતરનાક વાઇરસ કદાચ બીજો કોઈ નથી. તાવ, શરદી કે ખાંસી જેવા કોરોનાના કોઈપણ લક્ષણો જણાય, તો જાતે ડોક્ટર બનીને પોતાની મેળે જ દવાઓ લેવા કરતા ડોક્ટરનો સંપર્ક કરવો. તમામ સરકારી દવાખાનામાં કોરોનાનો ટેસ્ટ કોઈપણ જાતના ચાર્જ વગર થાય છે, એટલે ટેસ્ટ કરાવી જ લેવો. કોરોનાની સારવાર સમયસર શરૂ થઈ જાય તો એ માત્ર એક સામાન્ય શરદી જેવો જ છે, પણ જો શરૂઆતમાં અવગણના કરીએ તો પ્રાણઘાતક પણ બની શકે.
હજુ પણ કેટલાક લોકો એવું માને છે કે જો આપણે પોઝિટિવ આવીએ તો આપણને હોસ્પિટલ લઇ જાય. આવું બિલકુલ નથી. તમે તમારા ઘરે રહીને જ સારવાર લઇ શકો છો. ઘરે રહીને સારવાર લેતા હશો ત્યારે વહીવટીતંત્ર કનડગત નહીં કરે, ઉલટાની મદદ કરશે. દીકરાને 102 ડિગ્રી તાવ હતો અને પત્નીને ભારે શરદી હતી પણ એનાથી ડરી જઈને કોઈ બિનજરૂરી રિપોટર્સ પણ કરાવ્યા નથી.
આપને જણાવું કે અમે કોરોના સારવાર પાછળ હોસ્પિટલ કે દવા માટે પાંચ પૈસાનો પણ ખર્ચ કર્યો નથી. કોરોના રિપોર્ટ સિવિલમાં જ કરાવ્યા હતા. જરૂરી તમામ દવાઓ પણ સિવિલમાંથી જ કોઈપણ જાતના ચાર્જ વગર આપી. કોરોનાનું સંક્રમણ વધતું અટકે અને ઝડપથી એન્ટીબોડીઝ તૈયાર થાય એવા પ્રયાસ કરવાના હોય છે. વિજ્ઞાનનો અભ્યાસ કરતી વખતે એક શબ્દ ભણવામાં આવતો ‘ઉદીપક’. જેની હાજરીને કારણે કોઈ પ્રક્રિયા ઝડપી બને એને ઉદીપક કહેવાય. તાવ, શરદી, ખાંસી આ બધા ઉદીપક છે જેની હાજરીથી કોરોના વાઇરસની પ્રક્રિયા ઝડપી બને છે એટલે તાવ, શરદી અને ખાંસીનો ઉપચાર કરવાનો હોય છે.
આ માટે ડોક્ટર દ્વારા આપવામાં આવતી દવાઓ ઉપરાંત બીજા કેટલાક ઘરગથ્થુ ઉપચાર પણ કારગત નીવડે છે. દિવસમાં 4 વખત ગરમ પાણીની નાશ લેવી, દિવસ દરમ્યાન વારે વારે હૂંફાળું પાણી પીવું, હળદળ-મીઠાના પાણીના કોગળા કરવા આ બધાથી ખૂબ ફાયદો થાય છે. એક વાત ખાસ જણાવું કે ઉકાળા પીજો પણ વધુ પડતા ઉકાળા ફાયદાને બદલે નુકશાન કરશે. અમે આ સારવાર દરમ્યાન કોઈ જ પ્રકારનો ઉકાળો લીધો નથી.
એન્ટીબોડીઝ ઝડપથી ડેવલપ થાય તે માટે આપણે આપણી ઇમ્યુનિટી પાવરફુલ કરવી પડે. આ માટે અમે નીચે મુજબના ઉપાયો અપનાવ્યા હતા.
1. સવારે 20 મિનિટ સૂર્યપ્રકાશમાં બેસવું.
2. રોજ સવારે અને સાંજ 20-20 મિનિટ યોગ-પ્રાણાયામ કરવા.
3. સવાર, બપોર અને સાંજ ગરમ ભોજન લેવું જેમાં કઠોળ પણ લેવું.
4. સવારે 11 વાગ્યાની આસપાસ મોસંબીના રસનો એક ગ્લાસ.
5. બપોરે ચાર વાગ્યાની આસપાસ એક લીલું નાળિયેર.
6. રાત્રે સૂતી વખતે હળદર વાળા દૂધનો એક ગ્લાસ.
હકારાત્મક વિચારો કે વાંચન, સંગીત કે તમને ગમતી પ્રવૃતિઓ પણ તમારા મનને પ્રફુલ્લિત રાખે છે જે એન્ટીબોડીઝ ડેવલપ કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. કોરોના જતો રહ્યો છે એવું માનીને બેદરકાર બનવાની ભૂલ કરતા નહીં. કોરોનાથી ગભરાવાની જરૂર નથી પરંતુ હળવાશથી પણ ન લેવું.

Leave a Reply

*