ઘંટનું ધાર્મિક મહત્વ

પ્રાચીન કાળથી, મનુષ્ય ધાર્મિક અને ઔપચારિક હેતુઓ માટે ઘંટનો ઉપયોગ કરે છે. સૌથી પહેલા શોધી કાઢવામાં આવેલ ઘંટ નિયોલિથિક ચીનની માટીકામનો ઘંટ છે. ઘંટનો ઉપયોગ પ્રાચીન અસિરીયા, બેબીલોન, ઈરાન, ભારત, ગ્રીસ અને ઈજિપ્તમાં પણ થતો હતો. ઘણી સંસ્કૃતિઓ અને ધર્મોમાં, ઘંટનો ઉપયોગ પ્રાર્થના અને ધાર્મિક વિધિઓ દરમિયાન પર્યાવરણને શુદ્ધ કરવા અને હકારાત્મક ઊર્જા વધારવા માટે કરવામાં આવે છે.
આધ્યાત્મિક વર્તુળોમાં, ઘંટ દિવ્યતા સાથે સંકળાયેલા છે અને નકારાત્મક ઊર્જાને દૂર કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. જ્યારે ઘંટ સામાન્ય રીતે પિત્તળ અથવા કાંસાનો બનેલો હોય છે, ધાર્મિક હેતુ માટે બનાવવામાં આવતો ઘંટ ઘણીવાર નિશ્ચિત ગુણોત્તરમાં કેડમિયમ, તાંબુ, જસત, નિકલ, સીસું, ક્રોમિયમ અને મેંગેનીઝ સહિત અન્ય ઘણી ધાતુઓનો ઉપયોગ કરે છે. આ ચાઈમિંગ અસરને વધારવા માટે છે.
એવું માનવામાં આવે છે કે ઘંટની રચના એવી રીતે કરવામાં આવી છે કે જ્યારે તે વાગે ત્યારે આપણા મગજની ડાબી અને જમણી બાજુ સુમેળમાં એક થાય છે. સારી રીતે રચાયેલ ઘંટડીના ધ્વનિ સ્પંદનો સામાન્ય રીતે લગભગ સાત સેક્ધડ સુધી ચાલે છે. કોઈપણ પૂજા સ્થળ પર ઘંટ વગાડવાનો મુખ્ય હેતુ ઈન્દ્રિયોને જાગૃત કરવાનો, મનને આધ્યાત્મિક રીતે શુદ્ધ કરવાનો અને જાગૃતિ અથવા ચેતનાને વધારવાનો છે.
હિંદુ પરંપરામાં, ભક્તો તેમના આગમન વિશે દેવતાને જાણ કરવા અને તેમના મનમાંથી તમામ નકારાત્મક વિચારોને દૂર કરવાના ધાર્મિક સંકેત તરીકે દેવતા પાસે જતા પહેલા ઘંટ વગાડે છે. હિંદુ પૌરાણિક કથાઓમાં, મંદિરની ઘંટડી એ દિવ્યતાનું આધ્યાત્મિક નિવાસસ્થાન છે. ઘંટનું શરીર અનંતા અથવા અનંતનું પ્રતિનિધિત્વ કરે છે.
ઝોરાસ્ટ્રિયન પ્રેકિટસ
દરેક પવિત્ર આતશ બેહરામ અથવા આદરીયાન ખાતે, પાદરીઓ પવિત્ર અગ્નિ પહેલાં બોઈ વિધિ કરે છે, દિવસમાં પાંચ વખત અને તેઓ દુશ્માતા, દુઝુખ્ત, દુસ્વરાસ્ત શબ્દોનો પાઠ કરતી વખતે ઘંટ વગાડે છે – બધા દુષ્ટ વિચારો શબ્દો અને કાર્યોને નકારી કાઢે છે. એકંદરે દુશ્માતા, દુઝુખ્ત, દુશ્વરસ્ત ત્રણ વખત પાઠ કરવાની પ્રક્રિયામાં ઘંટ નવ વખત વગાડવામાં આવે છે. માત્ર ઈરાનશાહ આતશ બહરામમાં જ ઘંટ દસ વખત વગાડવામાં આવે છે, જેમાં પ્રથમ ઘંટ મંડળનું ધ્યાન દોરે છે. પછી ઘંટ નવ વખત વગાડવામાં આવે છે. આમ, સમારંભ દરમિયાન, ધર્મગુરૂઓ આ દુનિયામાંથી વિચાર, શબ્દ અને કાર્યમાં દુષ્ટતાને દૂર કરવા માટે ઘંટડી વગાડે છે.

Leave a Reply

*