દારયવુશ નામો દલેર પારસી શાહેનશાહ પારસી કીર્તિની કલ્ગીરમાં થોડા વધુ પીછાંઓ ઉમેરી તેને વધુ દીપાયમાન કરવા ઈરાનનાં તખ્ત ઉપર આવી બેઠો. તેની હેરતભરેલી ફત્તેહો અને તેની બાહોશી આજે પણ આપણી લાગણીને ઉશ્કેરી મેલી આપણને હૈરત કરે છે. તેનું હાતમ દિલ અને સખી દિલગુરદો આજે પણ આપણને એક અવાજે શાબાશીના ઉદગારો બહાર કાઢવાને ઉશ્કેરે છે. તેની મોટાઈ અને મરતબો ગમે એવા મહાન નરોને પણ અદેખાઈ ઉપજાવવાને પૂરતા છે. નેકી પાકીજગી અને પરહેજગારી ગમે એવા સાધુને પણ શરમિંદગીમાં ગરકાવ કરે છે. તે ઈ.સ. પલ. ૫૨૧માં ઈરાની શાહનશાહતનાં તખ્ત ઉપર આવી બેઠો કે ઈરાની શાહનશાહતના લગભગ સઘળા પ્રાંતોમાં બળવાની આગ જોસભર ફેલાઈ ગઈ.
તેને બદલે કોઈ બીજો નબળો નર હતે તો શાહાનશાહતનો સહેજમાં ભાંગીને ભૂકો થતે, પણ ગમે તેવી ધરતી ધ્રુજાવનારી ધમાધમી દારયવુશને ધ્રુજાવી શકી નહીં, તેના ગમે તેવા શૂરવીર શત્રુઓ દાનવ દારયવુશની હિંમતને હરાવી શકયા નહિ, બાબિરઉશ (બેબિલન)ના બળવાને બેસાડી દેતા કે સુશિયાનાને એક સપાટે સર કરતાં તેને મુશ્કેલી નડી નહીં; મીડિયનોની મર્દાઈને મંદ કરતા કે અથુરાની આગને બુજાવી દેતાં તેને વખત લાગ્યો નહિ; અરમના હરામખોરોને હરાવતાં તેણે ઝાઝો વખત ખોયો નહીં; પાર્થ્યાના પ્રાંતને પૂગી વળતાં કે સીગર્શ્યાની સરકશીનો સ્વાદ ચખાડતાં તેની હામને હાણી પૂગી નહિ; માજર્યાની મગરીને મોતમંદ માર મારતા કે સકયાની શમોરોને શરણે આણતાં તે હિંમત હાર્યો નહીં. ૧૯ જબરાં જંગોમાં તે મહાવીરે દશ જુદા જુદા જબરદસ્ત યોદ્ધાઓને જમીનદોસ્ત કીધા. જ્યારે શાહાનશાહત માહેલા ભાગોમાં સળગેલી આગોને તેણે બુજાવી દીધી ત્યારે પારસી પરાક્રમ એકવાર ફરી ઈરાનની આસપાસની ધરતી ધ્રુજાવી નાખી હતી. મિસરનો શૂરવીર શત્રપ યાદગાર આર્યાન્દીસ આફ્રિકા ખંડમાં પારસી શહાનશાહતનો ફત્તેહમંદ ફેલાવો કરવા ફત્તેહમંદ નિવડયો. બાર્કા, સાઈરિનાઈકા અને લીબ્યાના આફ્રિકન રાજયોપર તેણે ઈરાની ઝંડો ઉડતો કીધો.
- શુભ તીર મહિનો અને તિર્ગનનો તહેવાર - 7 December2024
- ઝેડસીએફ દ્વારા ડો. સાયરસ મહેતાનું સન્માન કરવામાં આવ્યું - 7 December2024
- એક સમોસાવાળો…. - 7 December2024