તે અમારી આગળ આવતો જતો રહે તો સારૂં. કૌસે કહ્યું કે શું કહે છે તે બરાબર છે તું તેને 100 માતાની પ્રિતથી બેટા તરીકે ચાહે છે. સ્યાવક્ષે કહ્યું કે મારે બાનુઓની સંગત કરતાં દાનવો અને કાબેલ સરદારોની વધારે સંગત શોધવી જોઈએ કારણ તે મને રાજકારોબારમાં વધારે કામ આવે. બાનુઓનું સંગતમાં હું શું શિખવાનો છું? તે છતાં જ્યારે તું પાદશાહનો એવો હુકમ છે તો મારી ફરજ છે, કે તારા હુકમને તાબે થાઉ. હું કાલે તે લોકોને મલવા જઈશ. બીજે દિવસે સ્યાવક્ષ તેઓ આગળ ગયો. સઘળી બાનુઓએ તેને સોનુ તથા જરજવાહેરથી વધાવી લીધો. સોદાબેએ તેને પેટમાં દાબ્યો અને તેની બહેનોએ તેને હજારો હજાર દુઆ કીધી. બધાને મળી ભેટી તે પાછો પોતાના મહેલમાં આવ્યો. પછી સોદાબેએ અને કૌસે એકમેક સાથે ગોઠવણ કીધી કે હવે સ્યાવક્ષને પરણાવવો જોઈએ. તે ઉપરથી કૌસે બીજે દિવસે સ્યાવક્ષને કહ્યું કે બેટા મારી ઉમેદ છે કે તારે બુનથી એક વારેસ પેદા પડે માટે તું મહેલમાંની બાનુઓમાંથી તારા કાકા કએ પશીન અથવા કએ અરીશની કોઈ બેટીને તારી બાયડી તરીકે પસંદ કર. સ્યાવક્ષે કહ્યું કે તું પાદશાહનો જે હુકમ હોય તે મારે કબૂલ છે. તું મારે માટે જે બાયડી પસંદ કરશે, તેણીને હું કબૂલ રાખીશ. પણ તું આ બાબત સોદાબેને ના કહેતો, કારણ તેણીને તે પસંદ આવશે નહીં. તેણીની દયાનત સારી નથી.
ત્યારપછી સોદાબેએ સ્યાવક્ષને ફરીથી પોતાના મહેલમાં બોલાવ્યો અને પોતાની સાથે રહેલી હમાવરાનના મુલકની ખુબસુરત સ્ત્રીઓ દેખાડીને તેમાંથી કોઈને પોતાની બાયડી તરીકે પસંદ કરવા કહ્યું. ત્યારપછી બીજી એક મુલાકાત વેળા પોતાની દયાનત બીગાડી પોતાની બૂરી મતલબ જણાવી. સ્યાવક્ષ તે ઉપરથી ચીરડાઈ ગયો અને ઉઠી ગયો. તેણીએ જોયું કે તે રખેને જઈને કૌસને એ વાત કહે તેથી પોતાના શરીર પરના કપડાં ફાડી નાખી ખોટું ગુલબાન ઉઠાવ્યું અને કૌસ દોડી આવ્યો ત્યારે સ્યાવક્ષ ઉપર આળ મૂકયું કે તેણે મારા શરીર પર હુમલો કર્યો અને કપડાં ફાડી નાખ્યા વિગેરે. શાહને તે વખતે સારી સમજ આવી તેથી તેણે તુરત સ્યાવક્ષને તેડાવ્યો અને તેના હાથ સુંઘી જોયા તેના શરીર અને કપડાં સુંઘી જોયા તો તે ઉપરથી કોઈ પણ ખુશબો નહીં આવી. સોદાબેનું શરીર તો કસ્તુરી અને સર્વ જાતની ખુશબોઈથી એવું તો બહેક બહેક થતું હતું કે તેણી કપડાં ઉપર કોઈ હાથ મેલે તો તેથી તેના હાથ પણ શોરમ આપે. તેણે કહ્યું કે જો સ્યાવક્ષે તારાં શરીર પર હુમલો કર્યો હતે તો તેનું શરીર પર ખુશબોઈ અને શોરમ આપતે પણ તેમ તો કંઈ નથી. તેણે જોયું કે સોદાબેએ સ્યાવક્ષ ઉપર ખોટું આળ જોડયું છે તેથી તે તેણીને મારી નાખવાનો વિચાર કરતો હતો. પણ તેવામાં તેને યાદ આવી કે હમાવરાનમાં જ્યારે તેના સસરાએ તેને દગાથી કેદ પકડયો હતો, ત્યારે સોદાબેએ તેની સાથે રહી તેની સેવા બજાવી હતી. તેથી તેણીને મારી નાખવાનો વિચાર વાળ્યો.
(ક્રમશ)
- પટેલ અગિયારીએ179મી સાલગ્રેહની ઉજવણી કરી - 5 October2024
- ભીખા બહેરામ કુવાના 15માં વર્ષની પરંપરાગત ઉજવણી – આવા રોજ પર 180મું જશન અને હમબંદગી – - 5 October2024
- Dadysett Atash Behram Celebrates Salgreh - 5 October2024