શાહજાદા હુસેનની નવાઈ જેવી ખરીદી!

શાહજાદાએ તો એ નળી લેતાવેંતજ પોતાના પિતા સુલ્તાનને જોવા ઈચ્છા કરી. તુરત જ સુલ્તાન દરબાર ભરી બેઠેલા દેખાયા! તે પછી તેણે શાહજાદીને જોવા ઈચ્છા કરી તો તેબી તુરત તેની બાંદીઓ સાથે હસતી વાતો કરતી દેખાઈ!
શાહજાદો અલિ તો આ બહુજ નવાઈ જેવી ચીજ જોઈ રાજી રાજી થઈ ગયો. તેણે કહ્યું કે ‘તે નળીનું તે પૂરૂં દામ આપી વેચાતી લેવા પોતે ઈચ્છા રાખે છે.’ નળી વેચનારાએ કહ્યું કે ‘એ નળીનો માલેક ચાલીસ હજાર માગે છે, અને તેનાથી ઓછે વેચવા નારાજ છે. બે દિવસ થયા બૂમો પાડું છું. પણ કોઈ લેવાલ ન મળવાથી મેંજ મ્હારી મેળે ચાલીસના ત્રીસ કર્યા.’
શાહજાદાએ તેને પોતાના ઉતારા ઉપર લઈ જઈ, ચાલીસ હજાર રૂપિયા ગણી આપ્યા અને નળી પોતાની પાસે રાખી લીધી. ત્યાં માત્ર હવે એક જ દિવસ રોકાઈ, અલિ તો પાછો પોતાને દેશ આવવા નિકળ્યો. કેટલાક દિવસની લાંબી મુસાફરી સલામતીથી કરી, જ્યાં ત્રણે ભાઈઓએ નકકી કર્યુ હતું તે જગ્યાએ અલિ આવી પહોંચ્યો.
તેને જોઈ તેનો મોટો ભાઈ હુસેન બહુ ખુશ થયો. હવે બન્ને ભાઈઓ આહમદની રાહ જોતા તે મુસાફરખાનામાં રોકાયા. કેમ કે આહમદ હજી પોતાની મુસાફરી પૂરી કરી કોઈબી નવાઈ ચીજ લઈ પાછો ફર્યો ન હતો.
શાહજાદો આહમદ પણ નળી જેવી ચીજ લાવ્યો! પણ ત્રણે ભાઈઓની નવાઈ જેવી ચીજોની કિંમત એકસરખી અંકાઈ!!
કહો શાહજાદી કોની સાથે હવે પરણાવવી?
આપણે જાણીએ છીએ કે ત્રણે શાહજાદાઓએ જુદા જુદા રસ્તા લીધા હતા. સૌથી નાના શાહજાદા આહમદે જે રસ્તો પકડયો હતો તે રસ્તે પૂછતો પૂછતો, છેક સમરકંદ શહેર જઈ પહોંચ્યો. તે શહેર પણ મોટું પ્રખ્યાત શહેર હતું. ત્યાની બઝારમાં દુનિયાની અનેક નવાઈ જેવી ચીજો વેચવા, દેશે દેશના વેપારીઓ આવતા હતા.
સમરકંદ આવતાંજ, ઉતારાની એક સારી જેવી જગ્યા લઈ, શાહજાદો આહમદ ત્યાં રહ્યો. ત્યાં ઘણી ચીજો તેણે નવાઈ જેવી જોઈ. પણ બીનજોડીની તેને એકે ચીજ જડી નહીં.
તેને હમેશા બજારમાં ફરતો અને પૂછપરછ કરતો જોઈ, ઘણા દુકાનદારો તેને ઓળખવા લાગ્યા હતા. તેમની સાથે વાત કરતાં તેઓ તેને કહેતા કે જો તે સમરકંદમાંજ થોડા દિવસ વધુ રોકાશે તો જરૂર તેને જોઈતી કોઈ અજોડ નવાઈ જેવી ચીજ મળી જશે.
શાહજાદા આહમદને આ વાત ગમી. તે સમરકંદમાંજ પડી રહ્યો. રાજ બઝારમાં જાય અને સાંજ પડતાં નાસીપાસ થઈ પાછો ફરે.
એક દિવસ તે થાકેલો પાકેલો, હમેશ માફક નાસીપાસ થઈ, દિલગીર ચહેરે પાછો ફરતો હતો ત્યાં તેણે એક માણસને કંઈ ચીજ પાંત્રીસ હજાર રૂપિયે વેચવા માટેની બૂમ પાડતો સાંભળ્યો.
જેમ તરસ્યો માણસ કૂવો કે નદી જોઈ દોડે તેમ, શાહજાદો આહમદ પેલા બૂમ પાડનાર તરફ ગયો અને ગીરદીમાંથી ઝટ રસ્તો કરી, પેલા માણસની પાસે જઈ જોવા માંગ્યું, કે તે શું વેચતો હતો.
તેની મોટી અજાયબી વચ્ચે જોયું તો તે માણસ એક સફરજન વેચતો હતો! અને તેની પાંત્રીસ હજારની કિંમત માંગતો હતો!
અજાણ્યો પણ તેજસ્વી અમીર સરખો દેખાતો સોદાગર જોઈ પેલા સફરજન વેચનારે કહ્યું કે આ સફરજનમાં એવો ગુણ છે કે તે ગમે તેવી બીમારી દૂર કરી શકે છે! અને મોતને બિછાને પડયો હોય તેવો માણસ પણ તંદુરસ્ત બની હરતો ફરતો થાય છે!
(ક્રમશ)

Leave a Reply

*