જનરેશન ગેપ!

મમ્મી, હું મારી પત્ની અને દીકરા સાથે મોલમાં જાઉં છું.
બેટા, જાઓ. મારા પગ આમેય દુખે છે. મને મોલમાં નથી આવવું. તમે જઈ આવો.
પૌત્ર એ આગ્રહ કર્યો, દાદી, તમારે પણ અમારી સાથે આવવું જ જોઈએ. વહુએ કહ્યું, બેટા, દાદીમા મોલમાં દાદરા નહીં ચડી શકે, તેમને એસ્કેલેટર વાપરતા આવડતું નથી. ત્યાં મંદિર પણ નથી. આથી દાદીમાને મોલમાં આવવામાં રસ નહીં પડે. એમને માત્ર મંદિર જવું જ ગમે છે. દાદીમાં આ સ્પષ્ટીકરણ સાથે સહમત હતા. છતાં પૌત્ર જિદ્દી હતો. તેણે ચોખ્ખું સંભળાવી દીધું કે દાદીમા સાથે આવશે તો જ પોતે મોલમાં જશે.
આખરે દાદીમાએ ચૌદ વર્ષના વ્હાલાપૌત્ર ની જીદ આગળ ઝૂકી જવું પડયું. તેઓ મોલ જવા તૈયાર થયા. પૌત્ર તો રાજીના રેડ થઈ ગયો. માતાપિતા તૈયાર થાય એ પહેલાં તે પોતે તો તૈયાર થઈ જ ગયો પણ તેણે દાદીમાને પણ તૈયાર કરી નાખ્યા.
હજી માતાપિતા તૈયાર થવામાં વાર હતી એટલે ઝટપટ પૌત્ર દાદીને પોતાના ઓરડામાં લઈ ગયો. ત્યાં તેણે બે સમાંતર રેખાઓ એક ફૂટ જેટલા અંતરે દોરી, તેણે દાદીમા ને કહ્યું કે તેઓ એક રમત રમી રહ્યા છે અને દાદીમાએ સારસ પક્ષી બનવાનું છે. તેમણે એક પગ જમીન પર રાખવાનો છે અને બીજો પગ સારસની જેમ જમીનથી થોડે ઊંચે.. દાદીમા થોડા મૂંઝાયા પણ પૌત્ર આગળ તેમનું કંઈ ચાલવાનું નહોતું આથી તેમણે તેના સૂચવ્યા મુજબ કર્યું. સમાંતર રેખા વચ્ચે અને બહાર આ મુજબ ક્રમાનુસાર પૌત્ર એ દાદીમાના પગ વારાફરતી ઉંચા નીચા કરાવી તેમને એસ્કેલેટરમાં ચડવા તૈયાર કરી નાખ્યા!! ત્યાં સુધીમાં મમ્મી ને પપ્પા પણ તૈયાર થઈ ગયાં એટલે ચારે જણ કારમાં બેસી મોલ જઈ પહોંચ્યા. મોલમાં એસ્કેલેટર આવ્યો એટલે માતા પિતા ચિંતા કરતા હતા કે દાદીમા કઈ રીતે એનો ઉપયોગ કરી શકશે ત્યાં પૌત્ર એ દાદીને સારસ પક્ષી વાળી ઘેર રમેલી રમત યાદ કરી તે અહીં રમવા કહ્યું ! દાદીમા એ એમ કર્યું. તેમણે ડાબો પગ ઉંચો કર્યો અને એ સ્વયં સંચાલિત આગળ વધી રહેલા દાદરા પર મૂક્યો અને એ સાથે જ જમણો પગ જમીન પરથી ઉંચો લઈ પછીના દાદરા પર મૂક્યો અને આ રીતે તે સહેલાઈ થી એસ્કેલેટરમાં ચડી ગયા. માતા પિતા તો આભા બની ને આ જોઈ જ રહ્યા પછી તો દાદીમા અને પૌત્ર ચાર પાંચ વાર આ એસ્કેલેટરમાં ચડ ઉતરની રમત રમ્યા અને તેમને ખૂબ મજા આવી! પછી તેમણે બધાએ ત્યાં સિનેમાઘરમાં સાથે બેસી એક ફિલ્મ જોઈ.. વાતાનુકૂલિત સિનેમાઘરમાં ઠંડી ખૂબ હતી એટલે નાનકડા પૌત્ર એ પોતાની બેગમાંથી શાલ કાઢી અને દાદીમાને ઓઢાડી દીધી.
ફિલ્મ જોયા બાદ તેઓ મોલમાં આવેલ એક રેસ્ટોરાંમાં જમવા ગયા. પિતાએ દાદીમા શું ખાશે એમ હજી પૂછતાં હતાં ત્યાં પૌત્ર એ દાદીમાના હાથમાં મેનુ કાર્ડ પકડાવી દીધું અને તેમને મનપસંદ ડિશ ઓર્ડર કરવા કહ્યું. દાદીમા એ મેનુ નક્કી કર્યું, સૌ માટે!
ડિનર બાદ દાદી – પૌત્ર સાથે વિડિયો ગેમ્સ રમ્યા. પછી દાદીમા મોલમાંથી બહાર આવતા પહેલા પોતાના બેડરૂમમાં ગયા ત્યારે પિતાએ નાનકડા દીકરા ને પૂછયું કે તે આવડો નાનો હોવા છતાં દાદી ને આટલી સારી રીતે કઈ રીતે જાણે છે, પોતે એમનો દીકરો હોવા છતાં તે પણ પોતાની માં ને આટલી સારી રીતે જાણતો નથી !
પપ્પા, એક બાળકને બહાર લઈ જવાનું હોય ત્યારે કેટલી બધી તૈયારીઓ કરવામાં આવે છે – દૂધની બોટલ, ડાયપર, વાઈપ્સ વગેરે વગેરે. તમારી મમ્મીએ પણ તમે નાના હશો ત્યારે આ બધું તમારા માટે કર્યું હશે. તો તમે પણ અત્યારે એમના માટે આવું ન કરી શકો? તમે અને મમ્મીએ એમ કેમ ધારી લીધું કે દાદીને માત્ર મંદિર જવામાં જ રસ છે? વૃદ્ધ લોકોની પણ સામાન્ય ઈચ્છાઓ હોય છે, પરિવાર સાથે મજા કરવી, બહાર જવું, આનંદ પ્રમોદ કરવો, તેઓ માત્ર એ સ્પષ્ટ બોલી ને વ્યકત કરતા નથી. એટલે આપણે તેમને એમ કરવા પરાણે ફરજ પાડવી જોઈએ. પિતા તો આ સાંભળી મૂઢ બની એકી ટશે દીકરા ને જોઈ જ રહ્યા! તેમને જો કે ચૌદ વર્ષના દીકરા પાસેથી પાઠ શીખ્યાનો આનંદ હતો!
આપણે આજે જે છીએ તેવા બનાવવામાં આપણાં માતાપિતાએ ઘણાં ભોગ આપ્યાં છે. વૃદ્ધ માતાપિતા અંગે આપણે ઘણાં ખરાં ખોટાં અનુમાન કરી બેસતાં હોઈએ છીએ. આને કદાચ જનરેશન ગેપ કહે છે. આપણે દ્રષ્ટિકોણ બદલવાની જરૂર છે.

Leave a Reply

*