સુખી જીવન જીવવા પંખીઓ જેવા બનો!

એક ચિંતક પોતાના શિષ્યો સાથે સાંજના પ્રવચન બાદ વાતો કરી રહ્યા હતા. વાતમાંથી વાત નીકળતા ચિંતકે એક પ્રશ્ર્ન પૂછયો કે તમને કોના જેવું બનવું ગમે? સવાલ સાધારણ રીતે પૂછાયો હતો. બધા શિષ્યોએ પણ વધુ વિચાર્યા વિના ધડાધડ જવાબ આપ્યા કોઈકે કહ્યું, રાજા જેવા, કોઈ બોલ્યું શક્તિશાળી, કોઈએ કહ્યું સૌથી સુંદર, કોઈએ કહ્યું જ્ઞાની, કોઈએ કહ્યું ગુરૂજી તમારા જેવું, કોઈએ કહ્યું બાળક જેવું માસુમ, કોઈએ કહ્યું ભક્ત ચિંતક પોતાના શિષ્યોનો જવાબ સાંભળી હસ્યા બોલ્યા તમારે આ બધા જેમ કેમ બનવું છે. જીવન વધુ સુખી અને સુખી બનાવવા ખરૂંને? પણ શું તમને ખબર છે કે આ બધા પોતે છેતેમાં ખુશ નથી અને બીજા જેવા બનવા ઈચ્છે છે.

એક શિષ્યએ પૂછયું, ગુરૂજી તો આપજ જણાવો કે જીવન સુંદર અને સુખી કરવા માટે કોના જેવા બનવું છે. આ ચિંતકે આજુબાજુના ઝાડ પર ઢળતી સાંજે બેઠેલા પંખીઓ તરફ આંગળી ચીંધતા કહ્યું, જીવનનો સઘળો ભાર પ્રભુને સોપી આ પંખીઓ નિરાંતે પોઢી જશે. તેના જેવા બનવું જોઈએ શિષ્યોને કંઈ સમજાયું નહીં. ચિંતક પણ કાલે વહેલી સવારે અહીં મળજો કારણ સમજાવીશ કહી ધ્યાન માટે ચાલ્યા ગયા. બીજે દિવસે સવારે બધા શિષ્યો સમયથી પહેલા ઝાડ નીચે હાજર થઈ ગયા. ચિંતક આવ્યા, તુરંત ઝાડ તરફ નજર કરી બધા પંખીઓ ઉઠી જઈને મીઠો કલરવ કરી રહ્યા હતા અને જાણે જીવનના નવા દિવસને આનંદથી ઉજવી રહ્યા હતા. ચિંતક પંખીઓ તરફ આંગળી ચીંધી બોલ્યા, જો આપણે બધાને સુકી થવું હોય તો આ જીવનનો પંથ ભણવો હોય તો આ પંખીઓ પાસેથી ભણવો જોઈએ. આ પંખીઓ નાજુક જીવ અને નાનકડું જીવન જીવે છે. નથી કોઈ ઘર, નથી કોઈ અનાજના ભંડાર, નથી ધન કે બેન્ક એકાઉન્ટ રોજ સવારે ઉઠે છે ત્યારે નથી હોતો તેમનો અનાજનો દાણો છતાં મીઠા કલરવ કરે છે..ખુશ રહે છે. ખુશી ફેલાવે છે. આજે કયા અને શું ખાવા મળશે તેની ચિંતા કરતા નથી. ખુલ્લા આકાશ નીચે તાપ ઠંડી વરસાદ બધુ સહન કરે છે કોઈ દિવસ ફરિયાદ કરતા નથી. પ્રભુમાં શ્રધ્ધા રાખી જીવન જીવે છે. અને રોજ રાત્રે પડવાના ડર વિના ઝાડની ડાળીએ જ સુઈ જાય છે અને આપણે માનવો પ્રભુએ કેટલું બધું આપ્યું હોવા છતાં ચિંતા અને ફરિયાદ કરીએ છીએ, સુખી જીવન જીવવા પંખીઓ જેવા બનો!

About આબાન પરવેઝ તુરેલ

Leave a Reply

*