અરેબિયન નાઈટ્સ: એક વજીર કે જેને તેના કરતુક માટે સજા થઈ હતી

તે હકીમે જવાબ દીધો કે “સાહેબ! તે કેતાબમાં ચમત્કારિક શક્તિઓ છે અને એક મુખ્ય અસર જે તેથી થશે તે એ છે કે જ્યારે મારૂં માથું ધડ ઉપરથી કાપી નાખવામાં આવશે તે વેળા જો તમો નામદાર પાદશાહ તસદી લઈ તે કેતાબ ખોલી તેનું છઠુ પાનું કહાડી તેના ડાબા હાથના સફા ઉપર લખેલી ત્રીજી સતર વાંચશો અને તેમાં મને જે સવાલ પુછ્યા માંગશો તેનો જવાબ મારૂં કાપેલું માથું તમને આપશે.” આ ચમત્કારિક પુસ્તક જોવાની શાહની ખાહેશ થઈ તેથી દુબાન હકીમને મારી નાખવાનું કામ બીજા દિવસ ઉપર મુલતવી રાખી તેને મજબુત ચોકી પેહેરા સાથે તેને ઘર મોકલ્યો.

તે માઠાં ભાગ્યના કેદીએ પોતાને મકાને જઈ પોતાના કુટુંબની ભેટ લીધી, જેને જે યોગ્ય હતું તે આપ્યું. પોતાનાં કિમતી પુસ્તકખાનાનો સારો ઉપયોગ કરી શકે એવા ધણીઓને તે કિંમતી કેતાબો આપી, અને પોતાના વહિવટના સઘળો  બંદોબસ્ત કીધો. હકીમને ગરદન માર્યા પછી એક ઘણોજ અચરત સરીખો મોજેજો બનનાર છે, એવી ખબર ચોતરફ ફેલાયાથી પાદશાહના દિવાનખાનામાં વજીરો, તમામ અમીર ઉમરાવો, દરબારીઓ તથા બીજા અમલદારો તે જોવા માટે બીજે દિવસે ત્યાં એકઠા થયા.

હકીમ દુબાન ઠેરવેલે વખતે બરાબર હાજર થયો અને પોતાના હાથમાં એમ મોટું પુસ્તક લઈ પાદશાહનાં તખ્ત આગળ ગયો. પછી તે પુસ્તક એક વાસણ ઉપર મેલ્યું અને તેની ઉપર કીધેલું ‘કવર’ કાઢી નાખી તે પુસ્તક પાદશાહને આપ્યું અને પાદશાહને કહ્યું કે “તમો નામદાર આ કિંમતી પુસ્તક હું મરતી વખતે ભેટ આપું છું, એ ઘણુંજ ચમત્કારિક ગુણ ધરાવે છે. જ્યારે તમારો જલ્લાદ મારૂં માથું કાપી નાખે ત્યારે તમારા એક અમલદારને ફરમાવજો કે આ વાસણું ઉપર આ કવર મેલી તેની ઉપર મારૂં માથું મેલે. જેવું તે ઉપર મારૂં માથું મુકશે તેવુંજ તેમાંથી નિકળતું લોહી બંધ થઈ જશે. ત્યાર બાદ આ પુસ્તક તમો ઉઘાડશો કે તમે જે સવાલો મારા માથાંને પુછશો તેનો જવાબ મળશે. પણ સાહેબ એકવાર ફરીથી તમારી પાસે માગી લઉં છું કે મારા ઉપર દયા કરો. હું ખોદાના નામથી તમને કહું છું કે હું બેગુનાહ છું તે ઉપર તમો વિચાર કરો!” પાદશાહે જવાબ દીધો “તમારી અરજી નકામી છે. વળી અગર તારા મરણ પછી તારૂં ધડ બોલવા ચાહશે તો તે પણ હું કાપિ નખાવીશ.” એટલું બોલી તે પુસ્તક તેના હાથમાંથી લઈને જલ્લાદને તેનું કામ બજાવવાને ફરમાવ્યું.

તેનું માથું જલ્લાદે એટલીતો ચાલાકીથી કાપ્યું કે આબાદ તે પેલાં વાસણની ઉપર પડ્યું અને પડતાંને વાર તેમાંથી વેહતું લોહી બંધ થઈ ગયું અને તેજ વેળા તે માથાએ પોતાની આંખો ઉઘાડી! તે જોઈ પાદશાહ તથા સર્વે તમાશગીરો અચરત થયા. તે માથામાંથી અવાજ નિકળ્યો કે પાદશાહ! પેલી કેતાબ ઉઘાડ!” પાદશાહે તે કેતાબ ઉઘાડી અને તેણે તેનું પહેલું પાનું બીજા સાથે વળગી ગયલું જોયું તેથી પોતાનું આંગળું મોઢામાં લીધું અને તે ભીનવ્યું કે તે પાના વધારે સહેલાઈથી ઉલટાવી શકાય. એ પ્રમાણે જ્યાં સુધી તે છઠ્ઠે પાને આવ્યો ત્યાં સુધી કરયા કીધું અને તે કહેલાં પાના ઉપર કાંઈપણ લખેલું નજર ન પડ્યાથી તે બોલ્યો કે “ઓ હકીમ! હ્યાં લખેલું તો કાંઈ મળે નહી.” તે માથાએ જવાબ આપ્યો કે “થોડાએક પાનાં બીજાં ફેરવ!” તે પ્રમાણે રાજાએ કીધું અને વારંવાર આંગળું મોઢામાં લીધાથી હકીમે ધારેલી અસર થવા માંડી. કારણ કે પાનાંઓને વળગાડેલું ઝેર પિગલ્યું અને આંગળાં વાટે તેનાં શરીરમાં દાખલ થવા લાગ્યું. પાદશાહના આંગમાં ભારી ધ્રુજરી ચહડી આવી, તેની આંખે તમ્મર આવ્યાં અને તખ્ત ઉપરથી નીચે ગગડી પડી ભોંય ઉપર તરફડવા લાગ્યો.

જ્યારે તે હકીમના માથાએ જોયું કે પાદશાહનાં શરીર ઉપર તે ઝેરે પુરતી અસર કીધી અને તે ઝાઝો વાર જીવે એમ લાગ્યું નહી ત્યારે તે માથામાંથી અવાજ નીકળ્યો કે “ઓ જુલમગામ! તારા જેવા પાદશાહો જુલમી ચલાવે છે અને પોતાના હાથમાં ધરેલો અખત્યાર બદ રીતે વાપરે છે અને નિર્દોષ લોકોનો જાન લેછે તેઓનો હાલ કેવો થાય છે તે જો! મોડે વહેલે તેઓની બેદાદી તથા ઘાતકીપણાનો ફેજ ખોદા વાળી આપે છે.” તે માથામાંથી નીકળતા શબ્દો બંધ થયા તેજ વેળા પેલો મૂર્ખ પાદશાહ મરણ પામ્યો અને પેલા હકીમના માથામાં, હૈયતીનો જે થોડોક ચેરાગ બળતો રહ્યો હતો તે પણ બુજાઈ ગયો.

(ક્રમશ)

Leave a Reply

*