સીઆવક્ષની બાનુ ફીરંગીઝ

પોતાના રાજધાની શહેરના મુલકથી પેલી બાજુના છેક ચીનના દરિયા સુધીનો મુલક, એક રેશમી કપડાં ઉપર લખત લખી સીઆવક્ષને સોંપ્યો અને આખા મુલકને લગ્નની ખુશાલીમાં જયાફત આપી. નજદીક અને દૂરનાં જેબી કોઈ લોકો આવે, તેઓ માટે ખાણું અને શરાબ તૈયાર હતા. તેઓ ખાતાં અને પીતાં અને વળી પોતાની સાથે જેટલું લઈ જઈ શકાતું તેટલું લઈ જતાં. વળી પાદશાહે બંદીખાનાના દરવાજા ખુલ્લા કરી ઘણાક બંદીવાનોનો છોડી મેલ્યા. એક વર્ષ દહાડો સુધી એમ સીઆવક્ષ પોતાની મોહોરદાર ફીરંગીઝ સાથે કેટલોક વખત રહ્યો. પછી અફ્રાસીઆબે તેને કેહવડાવ્યું કે ‘તારૂં આ શહેર, મારા શહેરથી ઘણું દૂર છે, માટે તું નજદીકમાં આવી રહે. ત્યારે તે પાદશાહના શહેરની નજદીક આવ્યો અને ત્યાં સીઆવક્ષ ગર્દ નામનું સુંદર શહેર સ્થાપી તેમાં પોતાની ફીરંગીઝ સાથે રહ્યો.
એક વખત પીરાન ફરતો ફરતો સીઆવક્ષના આ નવા મહેલ તરફ આવ્યો અને તે મહેલની ખુબસુરતી જોઈ ખુશી થયો અને જ્યારે શાહ અફ્રાસીઆબ આગળ ગયો, ત્યારે એ શહેરની તારીફ કરવા લાગ્યો. એક વખતે પાદશાહ અફ્રાસીઆબે પોતાના ભાઈ કસરેવઝને સીઆવક્ષનું આ નવું શહેર જોવાને સીઆવક્ષ માટે કેટલીક ભેટ સોગાદ આપી મોકલ્યો. કસરેવઝ આ સુંદર શહેર જોઈ ખુશી થયો પણ તે ખુશી સાથે તેના મનમાં સીઆવક્ષ માટે અદેખાઈનો આતશ બરપા થયો. એક વખત સીઆવક્ષ સાથે કસરેવઝે મિત્રાચારીભરી રીતે લડાઈના હુન્નરો અજમાવી જોવાની માંગણી કીધી. પણ સીઆવક્ષે તે ના પાડી કે પાદશાહના નામવર ભાઈ જેવા શાહજાદા સાથે હું એમ હરીફાઈ કરૂં નહીં. પછી તે કસરેવઝના સરદારો સાથે કેટલીક રમતો રમ્યો અને તેમાં જીત પામ્યો. તેથી પણ કસરેવઝને તેનાં જોર અને હુન્નર માટે અદેખાઈ લાગી. ત્યાર પછી થોડોક વખત રહી તે અફ્રાસીઆબ આગળ પાછો ગયો અને ત્યાં સીઆવક્ષ કંઈ આગળના જેવો નથી. થોડો વખત થયો તેની આગળ ઈરાનનો કાસદ આવ્યો હતો અને વળી ચીન અને રૂમથી પણ કાસદો આવ્યા છે. તે કૌસ પાદશાહની સલામતી લે છે. વળી લશ્કર ભેગું કરે છે. તું જાણે છે કે ઈરાન અને તુરાન વચે આતશ અને પાણીના જેવી જાદૂઈ છે મારી ફર્જ છે તેથી આ વાતથી મેં તુંને વાકેફ કર્યો છે. વળી કસરેવઝે ફીરંગીઝ માટે પણ ખોટુ સમજાવ્યું કે ફીરંગીઝ પણ બીનમોહતાજ થઈ પડી છે. વળી લશ્કર પણ સીઆવક્ષને ચાહે છે અને તું જાણે ગોવાળશ વભરનો ભરવાડ છે. આ સઘળી સમજાવટથી પાદશાહ ચિંતાતુર થયો તેણે વિચાર કર્યો કે સીઆવક્ષને પોતાની આગળ તેડાવી, પોતે તેની વર્તણુંક તપાસવી. તેથી તેણે કસરેવઝને કહ્યું કે તું જા અને સીઆવક્ષને મારી આગળ તેડી લાવ.
(ક્રમશ)

Leave a Reply

*