શાહ ઝેના પાસે શેહરીયારે માગ્યો ખુલાસો

શાહ ઝેનાનને જોયું કે તે પોતાના ભાઈની અરજ વધારે વાર થોભાવી શકતો નથી ત્યારે તેને જે કાંઈ કૌતુક મહેલની બારીથી જોયું હતું તે સઘળું વિગતવાર પોતાના ભાઈને કહી સંભળાવ્યું. શેહરીયારે કહ્યું કે ‘પ્યારા બીરાદર તમોએ કહ્યું તે હું બોલ બોલે ખરૂં માનું છું પણ આ બીના એટલી તો અગત્યની છે કે તે મને મારી નજરે જોવી જોઈએ અને મને મારી ખાતરી કરી લેવી જોઈએ.’ શાહ ઝેનાને કહ્યું કે ‘પ્યારા બીરાદર તે કામ તમે ઘણીજ આશાનીથી કરી શકશો. શિકાર કરવાનો બીજો એક દિવસ મુકરર કરો અને આપણે શિકાર કરવા ગયા પછી તમે અને હું મારા ઓરડામાં છુપી રીતે પાછા આવી રહીશું અને મેં જે કૌતુક જોયું હતું તે બીજે દિવસે તમો નજરો નજર જોઈ લેજો. આ ગોઠવણ સુલતાનને પસંદ પડી તેથી જલદીથી ફરીથી શિકાર કરવા જવાનો એક દિવસ મુકરર કીધો અને જે જગા મુકરર કરવામાં આવી તે જગા પર તેજ દિવસે તંબુ મારવાની ધામધુમ મચી રહી.

બીજે દિવસે બન્ને પાદાશાહ બીરાદરો બહાર પડયા અને પોતાના મુકામ કરવાની જગા પર કેટલોક વખત સુધી થોભી રહ્યા. તેઓએ ત્યાર પછી પોતાનો વેશ બદલી નાખ્યો. શહેરમાં પાછા આવ્યા અને તેઓ શાહ ઝેનાનના ઓરડામાં દાખલ થયા. તેઓ જઈને બારીએ બેસે શું કે તેવામાં પેલો છુપો દરવાજો ઉઘડી ગયો અને રાણી પોતાની બાંદીઓ તથા ગુલામો સાથે બાગમાં દાખલ થઈ. ફરીથી રાણીએ મશૌદને પોકાર મારી બોલાવ્યો અને સુલતાનની ખાતરી થઈ કે તેના ભાઈએ જે હકીકત કહી તે તદ્દન ખરી હતી!

પોતાની ખરાં જીગરથી ચાહેલી સુલતાનાની આવી નીચ બેવફાઈ જોઈ શાહ ઝેનાનને અતિ ઘણો ધિકકાર લાગી આવ્યો. તેણે વિચાર્યુ કે આવી મોટી પાદશાહી જાહોજલાલી છતાં આવી બેવફાઈ સુલતાનાએ કીધી ત્યારે દુનિયામાં વફાઈનું નામજ નહીં હશે! તે પોકારી ઉઠયો કે ‘અફસોસ! જ્યારે મારા જેવા મોટા શહેનશાહને તેની મોહરદાર બેવફા થઈ ત્યારે બીજા ગરીબોની ઓરતો કેવી રીતે પોતાના ધણીને વફાદાર રહેતી હશે? પ્યારા બીરાદર જેમ આવી બેવફાઈથી તમારૂં જીગર ચાક થયું તેમ મારૂં પણ થયું છે પણ તમો તો ફકત તે ગુન્હાગારો પર કીનો લઈ પોતે દુ:ખી થયા અને તેજ પ્રમાણે હું પણ કીનો તો સહેલથી લઈ શકુ પણ હવે દુનિયાદારીના વહેવારમાં રહેવાનો મારો બિલકુલ વિચાર નથી તેથી હું કીનો પણ લેતો નથી કારણ આવી જાહોજલાલી છતાં ઓરત જાતમાં વફાદારી નહીં રહી તો આ સંસારને જળાવી મુક! અને ચાલ બીરાદર મારી સાથે આપણે આ બહોળું રાજપાટ અને મોટી જાહોજલાલી છોડીને તે ખોદાવંદતાલાની બંદગીમાં મશગુલ રહેવા માટે ફકીરી અવતાર લઈ આજને આજ ગુપચુપ અત્રેથી જંગલ બિઆબનમાં ચાલ્યા જઈએ.

શાહ ઝેનાને જવાબ દીધો કે ‘પ્યારા બીરાદર હું તમારી સાથે આવવાને તૈયાર છું પણ એટલી શરત કરવા માગું છું કે જો આપણને એવા લોકો મળે કે જે આપણા કરતા વધારે બદબખ્તીમાં ગિરફતાર હોય તો આપણે આપણા વતનમાં પાછા ફરીએ.’ સુલતાને તે વાત કબુલ કીધી અને છુપાછુપ તે જગાથી તેઓ બહાર નીકળી ગયા.

 (ક્રમશ)

Leave a Reply

*