યુનાની પાદશાહ તથા દુબાન હકીમની તવારિખ

તે જીને તે માછીનું દિલ પિગળાવવાને અનેક પ્રકારની તકરાર લીધી પણ તે સર્વે વ્યર્થ ગઈ. તે જીન બોલ્યો કે ‘રે માછી! હું તને વિનંતી કરૂં છું કે તું આ વાસણ ઉઘાડ! તું જો મને મારૂં છુટાપણું પાછું આપશે તો તેનો જે બદલો હું વાળી આપીશ તેથી તું એટલો તો સંતોષ પામીશ કે તને ફરિયાદ કરવાનું કાંઈબી કારણ મળશે નહીં.’ તે માછીએ જવાબ વાળ્યો કે ‘મારા હકમાં તું શું સારૂ કરવાનો હતો? તું ઘણોજ દગલબાજ છે તેથી હું તારી ઉપર હવે ઈતબાર લાવનાર નથી. જો હું તને છોડી દઉં તો મને મારી નાખવાની તક બીજીવાર તને આપ્યા બરોબર કહેવાય! એ બેવકુફી જીનહાર હવે હું કરનાર નથી. કારણ કે જેમ યુનાની પાદશાહે દુબાન હકીમને જશ વાળી આપ્યો તેમ તું પણ મારી સાથે સાલે. હું તારી આગળ તે હકીમ તથા પાદશાહની વાર્તા કરૂં છું.
યુનાની પાદશાહ તથા દુબાન હકીમની તવારિખ
ઈરાન દેશમાં ઝૌમાન શહેરમાં એક પાદશાહ રાજ્ય કરતો હતો. તેની રૈયત યુનાન દેશથી આવેલા લોકોથી વસેલી હતી. તે પાદશાહ કોઢના મરજથી ઘણો હેરાન હતો. તેના મુલકના દરેક હકીમે તેમજ દેશ પરદેશના હકીમોએ તે મરજ ટાળવાની દવા કીધી પણ તેથી તેને કાંઈપણ ફાયદો થયો નહીં. એ પ્રસંગે દુબાન નામનો એક વિદ્વાન હકીમ ત્યાં આવી લાગ્યો. તેણે યુનાની, લાટીન, મોગલાઈ, અરબી, તુર્કી, સીરીક અને યાહુદી ભાષામાં લખેલા હકીમોને લગતા ગ્ંરથો વાંચી અને તેમનો અભ્યાસ કરી તે ઘણું ઉમદા તથા અકસીર હકીમું શીખ્યો હતો. તથી તે ઉપરાંત ફિલસુફીમાં તે કાબેલ હતો તથા તે વખતની ઝાડ પાનની વિદ્યા વિશે એરીસટોટલ ફિલસુફે લખેલા પુસ્તકોથી પણ વાકેફ હતો. તેથી જડી બુટી, પાન પાદડાં તથા સુકા વસાણાની ખુબીથી તે વાકેફ હતો. એ સઘળા સબબોથી તેણે હકીમોમાં ભારી ફત્તેહ મેળવી હતી.
જેવું એ હકીમના સાંભળવામાં આવ્યું કે યુનાની પાદશાહને કોઢનો રોગ થયેલો છે અને તે રોગ કોઈ પણ તબીબથી કાઢી શકતો નથી, તેજ વેળા તે સફાઈદાર કપડાનો સાદો લેબાશ પહેરી પાદશાહની હજુરમાં જઈ ઉભો અને કહેવા લાગ્યો કે ‘નામદાર સાહેબ! તમો કોઢના મરજથી હેરાન છો અને તમારી દરબાર તથા મુલકના હકીમોથી એ રોગ તમારા શરીરમાંથી કાઢી શકાતો નથી તેમજ પરદેશી હકીમો પણ તે સારો કરવાને નિષ્ફળ થયા છે. પણ અગરજો આ કામમાં મારી સેવા કબુલ રાખી મને સરપરાજ કરશો તો દવાઈ અથવા મલમ પટો લગાડયા વિના હું તમો નામવરને બિલકુલ આરામ કરવાને કબુલ થાઉં છું.’ આ માગણી તથા વચન સાંભળી પાદશાહ ઘણો ખુશ થયો અને જવાબ દીધો જે ‘જેવો તું ફાંકો રાખે છે તેવોજ તું ખરેખર ખબરદાર અને હિકમતી હશે તો તારી તથા તારી હાલની ઓલાદ પર દોલતનો પુષ્કળ વરસાદ વરસાવવાને હું કબુલ થાઉં છું અને બીજી બક્ષેશ તથા નજરાણાની ભેટ ઉપરાંત તું મારો વહાલો અને પેહેલો મિત્ર થઈ પડશે. પણ તું મને ખરેખરૂ એમ કહેવા માગે છે મે મને કાંઈપણ દવા પાયા વિના તથા કાંઈપણ દવા બહારથી લગાડયા વગર તું મને આરામ કરી શકશે? તે હકીમે જવાબ દીધો ‘હા સાહેબ! હું મારા દિલમાં પૂર હિંમત રાખી કહું છું કે ખોદાની મદદથી એ મરજ હું કાઢીશ અને જો તમો નામવરની મરજી હશે તો આવતી કાલે મારો ઈલાજ ચાલુ કરીશ.’
(ક્રમશ)

Leave a Reply

*