રૂસ્તમની બાનુ તેહમીના

સોહરાબે માતા પાસે એક મજબૂત તેજ ઘોડો માંગ્યો. તેણીએ તેની આગળ ઘણા ઘોડાઓ રજૂ કીધા. તેમાં, રૂસ્તમ સમનગાન શહેરમાં આવ્યો હતો તે વખતનો તેના રખશની બુનનો જે એક ઘોડો હતો તે તેને પસંદ આવ્યો. અફ્રાસીઆબને ખબર પડી કે સમનગાનના પાદશાહની બેટીને પેટે રૂસ્તમ એક બેટો અવતર્યો છે જે બાપના કરતાં જોરાવર છે અને તેના હોઠ ઉપરથી હજુ દુધનો વાસ આવે છે, તેટલા તે ઈરાન ભણી જવા માગે છે.

તેથી તેણે હોમાન અને બારમાન નામના પોતાના બે નામીચા સરદારોને પોતાની આગળ બોલાવ્યા અને કહ્યું કે ‘તમો સોહરાબ આગલ જાઓ અને તેને તુરાની લશ્કરીની મદદ આપવા કહી તેની સાથે ઈરાન ભણી જાઓ.

હવે પેલી બાજુ તમો એવું કરજો કે એ બેટો પોતાના બાપને કોઈ રીતે મળે નહી અને ઓળખે નહીં, અને બેઉ બાપ દીકરાઓ એકમેક સાથે લડે. બેમાંથી કોઈપણ એક માર્યો જશે તેમાં મને લાભ છે. જો બેઉ સાથે મળશે તો મારા તુરાનના મુલકને જીરોજબર કરશે.’ તે બેઉ પહેલવાનો  અફ્રાસીઆબનું નામું લઈ સોહરાબ આગળ ગયાં. સોહરાબે તે વાંચ્યું અને અફ્રાસીઆબની મદદ કબૂલ રાખીને તેના બેઉ સરદારોને પોતાની સાથે રાખ્યા.

જ્યારે સોહરાબ એમ તૈયાર થઈ ઈરાન જવા નીકળ્યો ત્યારે તેહમીનાએ પોતાની આગળ પોતાના ભાઈ જીન્દે રજમને બોલાવ્યો, કે જેણે ઘણીક લડાઈઓ જોઈ હતી. તેણીએ તે ભાઈને કહ્યું કે ‘ઓ રોશન રવાનના પહેલવાન! આ નવજવાન પહેલવાન સાથે હું તુંને મોકલું છું, કે જ્યારે આ નામવર (બેટો) ઈરાન તરફ જઈ પહોંચે, અને દલેર પહેલવાનો પાદશાહ આગળ જઈ પહોંચે, ત્યારે તું આ નામાંકીત બેટાને તેના બાપને દેખાડજે (એટલે ઓળખાવજે)’ એમ ફરમાવી, તેહમીનાએ જવાન સોહરાબની સાથે પોતાના ભાઈને મોકલ્યો. હવે સોહરાબ કુચ કરતો કરતો ઈરાન ગયો. તેણે ઈરાનની સરહદ ઉપર જંગ મચાવી હતી તેથી સઘળા ઈરાનીઓ તેનાથી ધાસ્તી ખાઈ ગયા હતા. તેથી કૌસ પાદશાહે સોહરાબ સાથે લડવા લાયક રૂસ્તમ સીવાય બીજા કોઈ પહેલવાનને જોયો નહીં. તેણે રૂસ્તમને જાબુલસ્તાનથી તેડાવ્યો અને તેની સાથે લશ્કર લઈ તે સોહરાબની સરદારી હેઠળના તુરાની લશ્કર સામે ગયો. એક રાત્રે જ્યારે બેઉ લશ્કરોએ સામા સામી છાવણી નાખી હતી ત્યારે રૂસ્તમ સોહરાબની છાવણી તરફ ગયો એવા વિચારથી કે ‘જોઉં કે સોહરાબ, જેની બધાઓ તારીફ કરે છે તે કેવા દેખાવનો દલેર મરદ છે!’ એવા વિચારથી તે છુપો છુપો સોહરાબના તંબુ આગળ ગયો.

(વધુ આવતા અંકે)

Leave a Reply

*