હિન્દીવાને આ વાત તુરત જ કબૂલ કરી. તેણે શાહજાદાને દેખાડયું કે ઘોડા ઉપર બેસી અમુક કલ દાબ્યાથી ઉડાય છે. હજી તો પેલા કરામતી ઘોડાનો માલેક બીજી કલો બતાવે અને ઘોડાને કેમ દોરવવો તેની સર્વે હકીકત સમજાવે તે પહેલાંજ, શાહજાદો એટલો તો અધીરો થઈ ગયો કે તે ઘોડા ઉપર ઠેકડો મારી ચઢી બેઠો. તેણે પાવડામાં પગ મૂકયા. અને ઉડવાની તાબડતોબ કલ દાબી! કલ દાબતાંજ, બસ તુરત ઘોડો ઉડયો!
સૌએ ઘોડા તરફ જોઈ કહ્યું, ‘એ જાય, એ જાય, શાબાસ!’ પણ ઘોડાનો માલેક તો ડઘાઈ ઉડતા ઘોડા તરફ જોઈ રહ્યો. તે ધાસ્તીનો માર્યો સફેદ પૂણી જેવો થઈ ગયો હતો.
પાદશાહે ઘોડાને ઉડતો જોયો. જાણે ધનુષ્યમાંથી તીર છૂટયું હોય તેવી ઝડપે ઘોડો ઉડયો. થોડીવારમાં તો ઘોડો અને તેનો સવાર બન્ને એટલા તો ઉંચા ગયા કે તેઓ આંખે દેખાતા પણ બંધ થઈ ગયા.
કરામતી ઘોડાનો માલેક ધ્રુજતો પાદશાહને પગે પડી બોલ્યો, ‘ઝહાંપનાહ! મારો વાંક નથી. રાજકુંવર મારૂં પૂરૂં સાંભળે અને નીચે ઉતરવાની કલ હું તેમને બતાવું તે પહેલાં તો તે ઉડવાની કલ દાબી ઉડી ગયા. હવે કોણ જાણે શું થશે? તેઓ બસ ઉંચે ને ઉંચે ઉડયાજ કરશે. તેનું શું થશે, તે કહી શકાય નહીં. ઓ નામવર! ગરીબ પરવર પાદશાહ! એમાં મારો જરા પણ દોષ નથી. કુંવરની અધિરાઈનોજ એ દોષ છે.’
પાદશાહ તો સાંભળી ઘણા ગભરાયા અને બહુ ગુસ્સે થઈ ગયા. તેઓએ પેલા કરામતી ઘોડાના માલેકને ઠપકો આપી કહ્યું, ‘તારે તો કુંવરને રોકવા હતા. બરાબર સમજ્યા પહેલા ઉડવા દેવાજ નહોતા.’
હિન્દીવાન ગળાગળા સાદે બોલ્યો, ‘રાજાજી! હું શું કરૂં? આપ નામદારે જોયું હશે, કે કેટલી ઉતાવળથી રાજકુંવર ઘોડે ચઢી બેઠા. બેસતાંજ કલ પણ એટલા જોરમાં તેમણે દાબી કે મારો અવાજ તેમને પુરો પહોંચ્યો નહીં. હું તો શાહજાદાની ઉતાવળ જોઈ આભોજ બની ગયો હતો. હું કંઈ કહું તે પહેલા તો તે બહુ દૂર નીકળી ગયા હતા. પણ બાદશાહે જનાબ! જો શાહજાદા સાહેબ ઘોડા ઉપર બેઠા બેઠા જરા તપાસ કરશે તોે નીચે ઉતરવાની કલ જરૂર હાથ આવશે. તે દાબતાંજ તે ઘોડો નીચે ઉતરશે, અને પછી લગામનો ઈશારો કરવાથી જે તરફ ઉતરવું હશે ત્યા સલામત તે ઉતરી શકશે.’
રાજાજી બહુ ચિંતાતુર થઈ ગયેલા દેખાયા. તેમણે સખ્ત અવાજે પેલા હિન્દીવાનને કહ્યું કે ‘જો ત્રણ મહિના સુધીમાં રાજકુંવર પાછો ફરશે નહીં, અથવા તે કોઈ જગાએ સલામત છે એવી ખબર આવશે નહીં તો તને ગરદન મારવામાં આવશે. તું આજથી અમારો કેદી છે.’ આ શબ્દો પૂરા થતાંજ, બાદશાહના સીપાઈઓએ હિન્દીવાનને પહરેજ કર્યો અને તેને કેદમાં નાખવા લઈ ગયા. (વધુ આવતા અંકે)
- સુરતમાં પારસી ટેલેન્ટ પરેડ - 14 September2024
- સુરતમાં ગૌરવપૂર્ણ આઈ-ડેની પારસી રેલી - 14 September2024
- સોડાવોટરવાલા અગિયારીએ 150મી સાલગ્રેહની ભવ્ય રીતે ઉજવણી કરી - 14 September2024