ઐતિહાસિક ફિલ્મોના રાજા સોહરાબ મોદી

સોહરાબ મોદીના 2જી નવેમ્બરે આવતા જન્મદીનને દિવસે તેમને યાદ કરતા…

સોહરાબ મોદીનો જન્મ 2જી નવેમ્બર 1897ના દિવસે મુંબઈમાં થયો હતો. શાળાનો અભ્યાસ પૂરો કર્યા પછી તેઓ તેમના ભાઈ કેકી મોદી સાથે ગ્વાલિયરમાં ફીલ્મ પ્રદર્શક તરીકે રહ્યા હતા. 16 વર્ષની વયે તેઓ ગ્વાલિયરના ટાઉન હોલમાં ફીલ્મો પ્રોજેક્ટ કરતા હતા. 26 વર્ષની વયે તેમણે આર્ય સુબોધ થિએટ્રીકલ કંપની સ્થાપી. બે મુંગી ફીલ્મોમાં થોડો અનુભવ લઈ તેમણે એક પારસી થિયેટર સ્થાપ્યું. તેમણે તેમના ભાઈની થિયેટર કંપની સાથે ભારત ભરમાં પ્રવાસ કર્યો અને શેક્સપીરીયન કલાકાર તરીકે નામના મેળવી. 1931માં સંવાદ વાળી ફીલ્મો આવતાં નાટક કંપનીઓની પડતી શરૂ થઈ. આમાંથી નાટ્ય કલાને બચાવવા મોદીએ 1935માં સ્ટેજ ફીલ્મ કંપની શરૂ કરી. તેમની પ્રથમ બે ફીલ્મો તેમના આગલા નાટકોનું જ રૂપાંતર હતું. ખૂન કા ખૂન (1935) શેક્સપીયરના હેમલેટનું રૂપાંતર હતું તે નસીમ બાનુની અભિનેત્રી તરીકે સૌ પ્રથમ ફીલ્મ હતી.  સૈદ-એ-હવસ શેક્સપીયરના નાટક કિંગ જ્હોન પર આધારિત હતી.

1936માં તેમણે મિનર્વા મૂવીટોન ની સ્થાપના કરી. મિનર્વા મૂવીટોનમાં તેમની શરૂઆતની ફીલ્મો સામાજિક દુષણો પર આધારીત હતી, જેમકે – મીઠા ઝહેર (1938) દારૂના નશા પર આધારિત, તલાક (1938) હિંદુ સ્ત્રીઓના છૂટાછેડાના અધિકાર પર આધારિત. આ ફીલ્મો સફળ રહી તે છતાં પણ મોદીનું ધ્યાન ઐતિહાસિક વિષય વસ્તુ તરફ વધારે હતું ત્યાર બાદ બનેલી ત્રણ ઐતિહાસિક ફીલ્મોને કારણે મિનર્વા મૂવીટોન ખૂબ જાણીતી બની. તે ત્રણ ફીલ્મો – પુકાર (1939), સિકંદર (1941) અને પૃથ્વી વલ્લભ (1943) હતી. પુકાર, મુગલરાજા જહાંગીરની ન્યાય પ્રિયતા દર્શાવતી એક કાલ્પનીક ઘટના પર આધારિત ફીલ્મ હતી. મોટાભાગની ફીલ્મ ખરા ઘટના સ્થળોએ ફીલ્માવાઈ હતી. તેમાં ચંદ્ર મોહન, નસીમ બાનોએ કામ કર્યું. કમાલ અમરોહી એ લખેલા જાજરમાન સંવાદોએ ફીલ્મને લોકપ્રિય બનાવી હતી.

સિકંદર, એ મોદીની સૌથી સફળ ફીલ્મ હતી. આમાં સિકંદરની ભૂમિકા પૃથ્વીરાજ કપૂરે ભજવી અને તે પાત્ર દ્વારા તે લગભગ અમર બની ગયા. આ ફીલ્મ ઈ.સ. પૂર્વે 326ના કાળ ખંડ પર આધારિત હતી, જ્યારે પર્શિયા અને કાબુલની ખીણ જીતી, જેલમ નદી પાસે સિકંદર ભારતમાં પ્રવેશ કરવાનો હતો. ત્યાં તેનો સામનો પોરસ (પુરુરાજા)(સોહરાબ મોદી દ્વારા ભજવાયેલ) સાથે થયો, જેણે સિકંદરને ભારતમાં આગળ વધતો અટકાવ્યો.  સિકંદરની ભવ્ય સવારીઓ, વિશાળ સેટ અને નિર્માણની કિંમત તે સમયના હોલીવુડની ફીલ્મોની બરાબરી જેટલી હતી. બ્રિટિશ લેખકોએ આ ફીલ્મને પ્રાચીન માસ્ટર પીસ ધ બર્થ ઓફ નેશનની તુલનાની ફીલ્મ જણાવી. આ ફીલ્મના નાટ્યાત્મક સંવાદોને કારણે પૃથ્વીરાજ અને મોદી બંનેને ઐતિહાસિક ફીલ્મોના રાજા સમાન બનાવી દીધા. પૃથ્વી વલ્લભ કનૈયાલાલ મુનશીની તેજ નામની નવલકથા પર આધારિત હતી. આ ફીલ્મમાં રાણી મૃણાલવતીની ભુમિકા દુર્ગા ખોટે એ ભજવી. 1946માં તેમના નસીમ સાથેના લગ્નજીવનમાં તિરાડ પડી. ત્યાર બાદ તેમણે પોતાનાથી 20 વર્ષ નાની એવી અભિનેત્રી મેહતાબ સાથે લગ્ન કર્યા.

1953ની ઝાંસી કી રાનીએ ભારતની પ્રથમ ટેક્નીકલર ફીલ્મ હતી. તેની માટે હોલીવુડના તકનીકી કાર્યકરોને તેડાવવામાં આવ્યા હતા. 1857ની રાષ્ટ્રીય ક્રાંતિ પર આધારિત આ ફીલ્મમાં ઝાંસીની રાણીની ભૂમિકા મેહતાબે કરી હતી. રાણીના મુખ્ય સલાહકાર રાજગુરુની ભૂમિકા મોદીએ કરી. આ ફીલ્મ ઘણી મોંઘી હતી પરંતુ તે નિષ્ફળ રહી અને મોદી ને ઘણું નુકશાન થયું.

તેમ છતાં મોદીએ મિર્ઝા ગાલિબના જીવન પર આધારિત તેજ નામની ફીલ્મ બનાવી. આ માટે તેમને રાષ્ટ્રપતિનો સર્વોત્તમ ફીલ્મ માટેનો સુવર્ણ ચંદ્રક મળ્યો. તેમા સુરૈયાએ ગાલિબની પ્રેમિકાનો ભાગ ભજવ્યો અને લોકપ્રિય બની. તેણે ગાયેલા ગીતો ખૂબ લોકપ્રિય થયા. આ ફીલ્મ માટે જવાહર લાલ નહેરુ એ તેમને ટિપ્પણ આપી કે ‘તેમણે ગાલિબને જીવંત કર્યો હતો’

જીવનના અંતિમ વર્ષોમાં તેમણે ફીલ્મો બનાવવી બંધ કરી હતી, પરંતુ ફીલ્મો બનાવવાની ઈચ્છા તેમને ખૂબ હતી. 1982માં 85 વર્ષની વયે પણ તેમણે ગુરુ-દક્ષિણા ફીલ્મનું મર્હુત કર્યું. ત્યાર બાદ તેઓ ખૂબ માંદા પડયા હતા અને ફરી સાજા ન થઈ શક્યા. 1980માં તેમને દાદાસાહેબ ફાલકે એવોર્ડ મલ્યો હતો. આ એવોર્ડ મેળવનારા તેઓ 10મી વ્યક્તિ હતા. તેમને બોન મેરોનું કેન્સર હતું. તેઓ 28 જાન્યુઆરી 1984માં અવસાન પામ્યા હતા.

Leave a Reply

*