સોદાગરે તેની ઓરતને માર માર્યો!

આવો નજીવો ભેદ તે જ્યારે મને નથી કહેતો અને આવા બહાના કાઢે છે. ત્યારે મારૂ જીવવું નકામુ છે. કાં તો મારે એ ભેદ જાણવો, નહીં તો મારો જીવ કાઢી આપવો. આવી તેણીની હઠીલાઈ જોઈ પેલો સોદાગર તેણીને રાજી રાખવાને પોતાના જીવને જોખમે તે ભેદ કહેવા તૈયાર થયો. ખરેખર તે સોદાગર કોઈ દિવાનો આદમી હતો તેથી અથવા તો તે પોતાની બાયડી ઉપર બેહદ પ્યાર રાખતો હતો તેથી તેનો બચાવ કરી પોતે જાનફેશાની કરવાને તૈયાર થયો હતો?
તે સોદાગરના વાડામાં પચાસ મરઘી, એક મરઘો અને એક કુતરો પાળ્યા હતા. તેમાં કુતરો સોદાગરને ત્યાં જે બનતું હતું તે ઉપર સારૂં લક્ષ આપતો હતો અને જે વેળા સોદાગર ઘરની બહાર બેસી વિચાર કરતો હતો કે હવે તેને કયો માર્ગ પકડવો ત્યારે તેણે જોયું કે તેનો કુતરો મરઘા આગળ દોડી આવ્યો અને તેને કહેવા લાગ્યો કે તું ઝાઝો વખત જીવવા પામે એમ મને લાગતું નથી કારણ કે આજ ખુશાલીની બરાડ મારતા તું જરા પણ લજવાતો નથી.
તે મરઘાએ પૂછયું કે જેમ દરરોજ ખુશાલીના પોકાર કરૂં છું તેમ આજ રોજે પણ કાં નહીં કરૂં? તે કુતરાએ જવાબ દીધો કે અગર જો તને ખબર નહીં હોય હું તને જણાવું છું કે આપણો માલેક આજે રોજે મોટા સંતાપમાં આવી પડયો છે કેમ કે તેની બાયડી એવા એક છુપા ભેદની વાત તેની પાસેથી જાણવા માંગે છે કે જે તે કહી દે તો તેનો પ્રાણઘાત થાય. તે મરઘાએ કુતરાને જવાબ દીધો કે શું આપણા માલેકને એથી વધારે અકકલ નથી? તેને તો એક જ બાયડી છે અને તેણીને તે જેર કરી શકતો નથી તો જો કે મારી તો પચાસ બાયડી છે તો પણ મારી મરજી પ્રમાણે તેમને ચલાઉ છું. તેને આ વખતે પોતાની અકકલ વાપરવી જોઈએ છે અને તેમ જો તે કરશે તો સંતાપમાંથી તુરત જ છુટશે.
તે કુતરાએ પૂછયું કે તે કેમ? તેની પાસે તું શું કરાવા માંગે છે? મરઘો બોલ્યો કે સોદાગરને ઘટારત છે કે જે ઓરડામાં તેની બાયડી હોય ત્યાં તેને જવું અને બારણું બંધ કરીને એક મજબૂત લાકડીથી તેણીને સારી પેઠે ફટકાવવી કહાડવી અને પછી જોયું કે તેની શુધ્ધિ ઠેકાણે આવે છે કે નહીં તથા જે વાત ઉઘાડી પાડવી ઘટે નહીં તેવી વાતની અસરે પણ તેને થાય છે કે નહીં.
મરઘાની આ વાત સાંભળતાને વાર સોદાગરને અકકલ આવી ને તે સોદાગરે એક મજબૂત લાકડી લીધી અને પોતાની બાયડી પાસે ગયો અને પ્રથમની પેઠે તેને રડતી જોઈ બારણું બંધ કરી સારી પેઠે બરફાટી કાઢી! ત્યારે તે બોલી ઓ ખાવિંદ હવે બસ કરો! હવે બસ કરો!! હાલ મને છોડી મેલો અને હવે પછી કાંઈ પણ સવાલ તમને પૂછીશ નહીં. તેથી પેલા સોદાગરે પોતાની બાયડી પર દયા કરીને તેને જતી મૂકી તે દિવસ પછી તે જીદ્દી ઓરતે કદી પણ પોતાના ખાવિંદને આવી રીતે પજવ્યો નહીં.
આ વાર્તા પૂરી કર્યા પછી શેહરાજાદીને તે વડો વજીર કહેવા લાગ્યો કે બેટી જેમે સોદાગરે પોતાની બાયડીને હઠ પકડી બેસવાનો સ્વાદ ચખાડયો તેમ તેવું મારે કરવું યોગ્ય છે?
(ક્રમશ)

Leave a Reply

*