જમશીદ પોતાના રાબેતા મુજબના સમયે ઘરમાં પ્રવેશ કર્યો, આજે તે ખુબ ખુશ હતો. શું વાત હતી તે કોઈને ખબર ન હતી પરંતુ તેનો ચહેરો જોઈને બધા સમજી ગયા કે આજે તો જમશીદ ખૂબ જ ખુશ લાગે છે. જમશીદે ઘરમાં પગ મુકતાની સાથે જ તેની માયજીને કહ્યું આપણી દીકરી વીલ્લુ માટે એક સરસ પ્રપોઝ આવ્યું છે. છોકરાનું નામ જેહાન શ્રોફ છે અને તે
તાતામાં નોકરી કરે છે અને કુટુંબપણ સરસ છે તેઓ ખુશરૂબાગમાં રહે છે. તેટલે તો જમશીદની ધણીયાણી ઝરીન પણ રાંધણીમાંથી આવી લાગી. છોકરો તાતામાં કામ કરે તે જાણી ઝરીન પણ ખુશ થઈ ગઈ. જમશીદની માયજીએ કહ્યું પહેલા આપણી વીલ્લુને તો પૂછી જોવો. વીલ્લુ જમશીદ અને ઝરીનની એકની એક દીકરી હતી. ઘરમાં લગભગ કાયમને માટે ખુશખુશાલ વાતાવરણ રહેતું અને બધા આનંદિત રહેતા. હા જમશીદની સિગરેટ પીવાના વ્યસન ને લઈને ઝરીન અને વિલ્લુ ખુબ નારાજ રહેતા. વિલ્લુ તેઓની ખૂબ જ સંસ્કારી દીકરી હતી. અને સાથે સાથે ખૂબ જ સમજદાર પણ હતી. તેનું ભણવાનું પૂરું થઈને વરસ થવા આવ્યું હતું અને તે ઘરમાં મદદ થાય તે માટે ટયુશનો લેવાનું શરૂ કર્યુ હતું પરંતુ જમશીદ તેની કમાણીમાંથી તેની આવકનો એક પણ રૂપિયો પોતાની પાસે રાખતા નહીં કે લેતા નહીં.
અને કાયમ જમશીદ તેની દીકરીને બસ એક જ વાત કહેતા કે બેટા આ તારી કમાણી છે, તે તારી પાસે રાખ. તારે ભવિષ્યમાં ગમે તે સમયે કામ લાગી શકે. દીકરી માટે વાત ચાલી રહી હોવાથી અંતે એકબીજાને મળવાનું ગોઠવ્યું અને છોકરા છોકરી તેમજ બંને ઘરની સહમતીથી વિલ્લુ અને જેહાનની રીંગ સેરેમની કરવામાં આવી. સગાઈ પણ ધામધૂમથી પતી ગઈ, જોતજોતામાં બાગનું બુકીંગ પણ કરી લીધું. હવે માત્ર લગ્નની તૈયારીઓ બાકી હતી, લગ્ન પણ વધુ નજીકના સમયમાં હોવાથી જોરમાં તૈયારીઓ શરૂ થઈ ગઈ. ધીમે ધીમે બધી તૈયારીઓ પૂરી થવા લાગી અને લગ્નને પણ દસ દિવસ બાકી હતા.
એટલે એક દિવસની સવારે જમશીદે વિલ્લુને પોતાની પાસે બોલાવી અને ત્યાં બેસાડીને કહ્યું કે બેટા મેં તારા લગ્ન માટે ઘણા સમયથી બચત કરીને રાખી છે અને એ આ બચત પેટે બે લાખ પચાસ હજાર રૂપિયાનો ચેક હું તને આપી રહ્યો છું આ પૈસા તારે ભવિષ્યમાં કામ લાગશે, તો આ ચેકને તું તારા એકાઉન્ટમાં જમા કરાવી આવજે.
સારૂં પપ્પા, તમે કહો તેમ, બસ વિલ્લુએ જવાબમાં આટલું જ કહીને પોતાના રૂમમાં જતી રહી. અને લગ્નની તૈયારીમાં થોડું-ઘણું બાકી હતું તે કરવા લાગી.
આખરે શુભ ઘડી આવી ગઈ બાગમાં ખુબ સરસ રીતે વિલ્લુ અને જેહાનના લગ્ન લેવાઈ ગયા. બધાના હરખનો પાર ન હતો.
લગ્ન પતી ગયા પછી જમણવાર પૂરો થયો. હવે વિદાયનો સમય હતો. ફકત ખાસ સગાસંબંધીઓ હાજર હતા. એટલે તો વિલ્લુ જાણે એનાઉન્સ કરતી હોય તેમ બોલી, પપ્પાએ નાનપણથી મને ખૂબ જ વહાલ થી મોટી કરી. ભણાવી, ગણાવી ખૂબ જ પ્રેમ આપ્યો. પણ હવે મારી ફરજ છે. હું જે પણ કંઈ કરૂં છું તે જેહાન અને મારા સસરાની સહમતિ કરૂં છું. મેં એક નિર્ણય લીધો છે. હું તમને તમે મને આપેલો આ અઢી લાખ રૂપિયાનો ચેક પાછો આપું છું. એનાથી મારા લગ્ન માટે કોઈપણ જાતનું કરેલું કરજ હોય તો ઉતારી નાખજો અને મેં ટયુશન તથા તમે આપેલા પોકેટમની માંથી બચત કરેલી હતી તેનો આ બીજો ત્રણ લાખ રૂપિયા નો ચેક પણ તમને આપવા માંગું છું. જે તમે નિવૃત્ત થશો ત્યારે તમને ખૂબ જ કામ લાગશે, હું જરા પણ ઈચ્છતી નથી કે તમે તમારા ઘડપણમાં તમારે કોઇની પણ પાસે હાથ લંબાવવો પડે. અને આમ પણ જો હું તમારો દીકરો હોત તો આટલું તો કરી જ શક્યો હોત ને!
બધા અત્યંત આશ્ચર્ય ચકિત થઈને વિલ્લુના મોઢા માંથી નીકળતા આ શબ્દોને સાંભળી રહ્યા હતા. એવામાં ફરી પાછું વિલ્લું પિતા સામે જોઈને બોલી કે પપ્પા હવે હું તમારી પાસે થોડું માંગુ છું શું તમે મને આપશો?
એટલે તરત જ તેના પિતા જમશીદે જવાબ આપ્યો હા બેટા. તેના અવાજમાં જાણે ડૂમો ભરાઈ ગયો હોય તેવું લાગી રહ્યું હતું માત્ર અશ્રુધારા આંખ સુધી જ આવી ન હતી પરંતુ તેનો અવાજ અતિ ભારે થઈ ગયો હતો. તરત જ વિલ્લુએ કહ્યું કે તો પપ્પા મને વચન આપી દો કે તમે આજથી જ અત્યારથી જ ક્યારેય પણ સિગારેટ ને હાથ નહીં લગાવો અને તમારું આ વ્યસન તમે આજથી જ મૂકી દેશો. બધાની હાજરીમાં હું મારા માટે માત્ર આટલું જ માંગુ છું.
જે પિતાએ પોતાની એકની એક દીકરીને કોઈ દિવસ કોઈ પણ વસ્તુ લેવાની ના ન પાડી હોય તે આ ઘડીએ ક્યાંથી ના કહી શકે?
દરેક લગ્નમાં દીકરીની વિદાય વખતે છોકરીપક્ષના સગાઓને રડતા લગભગ બધાએ જોયા હશે પણ આજે તો બધાજ લોકોની આંખમાંથી આંસુ નીકળી આવ્યા. વિલ્લુના પપ્પાએ વિલ્લુને પોતાની બાહોમાં ભરી ખૂબ બોસા કર્યા. વિલ્લુના મમ્મા અને બપયજી પણ ખૂબ રડયા. અને આખરે ખુશીથી વિલ્લુની વિદાય થઈ.
- સુરતમાં પારસી ટેલેન્ટ પરેડ - 14 September2024
- સુરતમાં ગૌરવપૂર્ણ આઈ-ડેની પારસી રેલી - 14 September2024
- સોડાવોટરવાલા અગિયારીએ 150મી સાલગ્રેહની ભવ્ય રીતે ઉજવણી કરી - 14 September2024