ડાયના એદલજી આઈસીસી હોલ ઓફ ફેમમાં સામેલ થનારા પ્રથમ ભારતીય મહિલા બન્યા

ભારતમાં મહિલા ક્રિકેટની અગ્રણી વ્યક્તિ, ડાયના એદલજી એ પ્રતિષ્ઠિત આઈસીસી (ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ) હોલ ઓફ ફેમ, ક્લાસ ઓફ 2023માં સામેલ થનારા પ્રથમ ભારતીય મહિલા બનીને ઇતિહાસ રચ્યો હતો. 15મી નવેમ્બર 2023ના રોજ આયોજિત વિશેષ પ્રસ્તુતિ સમારોહમાં તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. મુંબઈનું વાનખેડે સ્ટેડિયમ, જે 35,000 થી વધુ ક્રિકેટ ઉત્સાહીઓથી સંપૂર્ણ રીતે ભરેલું હતું જેઓ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે મેન્સ વર્લ્ડ કપ ક્રિકેટ સેમિફાઇનલના સાક્ષી બનવા આવ્યા હતા. ક્રિકેટના દિગ્ગજ – સર વિવિયન રિચાડર્સે ડાયના એદલજી અને અન્યને સ્મારક આઈસીસી હોલ ઓફ ફેમ કેપ અર્પણ કરી હતી, તેમજ સર્વકાલીન ક્રિકેટના મહાન ખેલાડીઓ દ્વારા પણ શાનદાર શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. એદલજીના અપ્રતિમ વારસામાં 17 વર્ષની આંતરરાષ્ટ્રીય રમતની કારકિર્દી અને ભારતીય મહિલા ક્રિકેટ ઈતિહાસમાં સૌથી સફળ સ્થાનિક ટીમની સ્થાપનામાં તેમની અગ્રણી ભૂમિકાનો સમાવેશ થાય છે. ડાયનાએ ત્રણ આઈસીસી મહિલા ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતનું 1978 અને 1993માં પ્રતિનિધિત્વ કર્યું છે, જેમાં બે કપ્તાની હતી. તેમણે 54 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી, જેમાં 109 વિકેટ લીધી હતી અને 615 રન બનાવ્યા હતા. જેમાં 20 ટેસ્ટ અને 34 વનડેનો સમાવેશ થાય છે.
તેમણે મેદાનમાં અને મેદાનની બહાર મોટા કાર્યો કર્યા છે. પશ્ર્વિમ રેલ્વેમાં પ્રશાસક તરીકે નોકરી કરી, ભારતમાં પ્રતિભાશાળી મહિલા ક્રિકેટરો માટે રોજગારની તકો વધારવા માટે ખંતપૂર્વક કામ કર્યું અને પશ્ર્વિમ અને ભારતીય રેલ્વેની રમતગમત નીતિને આકાર આપવામાં મદદ કરી. તેમણે 1993 વર્લ્ડ કપ પછી નિવૃત્તિ લીધી, સૌથી વધુ બોલિંગ કરવા માટે વિશ્ર્વભરમાં પ્રથમ ક્રમે અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટના તમામ સ્વરૂપોમાં સૌથી વધુ વિકેટ લેનારા બીજા મહિલા ક્રિકેટર તરીકે ઉભા રહ્યા હતા.

Leave a Reply

*