નવરોઝના સપરમા દિવસે!

ફ્રેની આમતેમ પડખાં ફેરવતી રહી. રૂમ પણ નહિ ને ઢોલિયો પણ નહિ. નીચે સૂવાની આદત નહોતી છતાંય હોલમાં જમીન પર ગાદી પાથરીને સૂવું પડ્યું છે. મમ્મી પપ્પા સોફા પર સૂતાં છે. જેનો દિવસે બેસવામાં ને રાત્રે સૂવામાં ઉપયોગ થાય છે.

સાંજે ઓફિસેથી થાકીને આવી કાલે જમશેદી નવરોઝ છે ઓફિસમાં રજા હતી. એટલે મન શાંત હતું. પર આ પનોતા દિવસે પણ ફ્રેનીને શાંતિ નહોતી એને ત્યારે ઢોલિયા પર લંબાવવાની ઈચ્છા હતી, પણ ઘરમાં આવતાં જ ફાળ પડી, નાની બહેન મહેર આવી હતી પીરાન એના વર સાથે! અને બિસ્તરા પોટલાં એના રૂમમાં જ છે, ખલાસ! પોતાનો રૂમ છીનવાઈ ગયો!

ચાર મહિના પહેલાં એ બે દિવસ રહેવા આવી ત્યારે મમ્માએ સહેજ અચકાતાં અચકાતાં મને પૂછયું હતું ‘ફ્રેની, તારા રૂમમાં મહેર ને પિરાનની સૂવાની વ્યવસ્થા કરૂં? અંદરનાં રૂમમાં તારો ભાઈ અને ભાભી સૂતા છે. હું ને તારા બાવા અહીં દીવાનખાનામાં, હવે રહ્યો એક તારો રૂમ. તું કહે તો જ!’

તે દિવસે મમ્માની વાત ગમી તો નહીં પણ ઠંડીના દિવસો હતો હોલમાં સૂવાનો વાંધો નહોતો, વળી મમ્માએ પહેલી જ વાર માગણી કરી હતી ને એ પણ બે દિવસ માટે જ એટલે કમને સ્વીકારી લીધું હતું.

પણ આજે તો એને પૂછવાની કે જણાવવાની પણ કોઈએ દરકાર કરી નથી. મહેરનો સામાન સીધો જ રૂમમાં આવી ગયો. એ પણ મારી ગેરહાજરીમાં!

પહેલાં તો ઘરમાં એનો પડ્યો બોલ ઝીલાતો, એની પસંદ-નાપસંદ, એનો ગમો-અણગમો, એનો રાજીપો-નારાજગી બધાંની નોંધ લેવાતી. ખરીદી કરવામાં, વ્યવહારમાં અરે! ‘રસોઈ શું બનાવું?’ એવું ભાભી પૂછે તો મમ્મા કહેતી, ‘ફ્રેનીને જે ભાવે તે, ફ્રેનીની પસંદ સૌની પસંદ.’

આ ઉચિત જ હતું. પપ્પાની માંદગી ને નોકરી છોડ્યા પછી તૂટતા ઘરને એણે જે બચાવ્યું. પોતાના ખભે આખા ઘરનો ભાર લઈ લીધો. હતો. નાનાં ભાઈબેનને ભણાવ્યાં, પરણાવ્યાં, વ્યવહારો સાચવ્યા. ઘર પરિવારની એ સાચા અર્થમાં મોભી બની ગઈ.

અભ્યાસમાં તેજસ્વી, એમ.એ.બી.એડ. થઈ પ્રિન્સીપાલ થવાની એને હોંશ હતી. કોલેજનાં અભ્યાસ દરમિયાન પોતાની જાતને હંમેશા પ્રિન્સીપાલ  તરીકે જ કલ્પી હતી. એ સમણાંને હવામાં ઉડાડી દઈ, માત્ર બી.એ. થઈ એણે સચિવાલયમાં કલાર્કની નોકરી લઈ લીધી. જોકે અત્યારે તો ખાતાકીય પરીક્ષા આપી ક્લાસ વન ઓફિસર બની ગઈ હતી. ઓફિસમાં પણ એની ગણના બાહોશ અધિકારી તરીકે થતી હતી.

ઓફિસમાં, પારસી સમાજમાં ઘણી પ્રતિષ્ઠા મેળવી હતી. પરિવારનું તો એ કેન્દ્રબિન્દુ છે. ખુશ છે પોતાની જિંદગીથી. ખુશ? એને પોતાના જ શબ્દો પર હસવું આવ્યું. માંદલું ને ફિક્કું હાસ્ય! ખુશ છે પોતે? ના, પહેલાં હતી હવે નથી. સંપૂર્ણપણે તો ક્યારેય નહોતી. ઘણીવાર એકલું લાગ્યું હતું. કોઈનો પ્રેમાળ, હૂંફાળો, સ્પર્શ એને જોઈતો હતો.

હમણાં હમણાં ઘરમાં એની અવગણના ને અવહેલના થવા માંડી હતી ત્યારથી વિશેષ એને લાગતું હતું હતું કે મારૂં પોતાનું પણ કોઈ હોય!

આમ તો ઘરમાં મહેરના લગ્નની વાત થતી હતી, ત્યારે પણ કાંઈક અસુખ લાગતું હતું. કાંઈક ખૂંચતું હતું! મોટીબેનનાં લગ્ન કરવાં જોઈએ એવું તો કોઈને યાદ પણ નથી આવતું? અરે? જ્યારે લગ્નની ઉંમર હતી ત્યારેય કોઈને યાદ ન આવ્યું? ખ્યાલ તો હોય જ. દીકરી ઉંમરલાયક થાય, એ માતાપિતાની નજરમાં ન આવે એ શક્ય જ નથી. પણ પોતાને શા માટે પરણાવે? પોતે તો ઘરમાં સોનાનાં ઈંડા આપતી મરઘી! શા માટે પરણાવીને ઘરમાંથી વિદાય આપે?

જોકે, આ સત્ય એને બહુ પાછળથી સમજાયું, ને સમજાયું ત્યારે એ પણ સમજાયું કે હવે ઘણું મોડું થઈ ગયું છે.

લગ્નની ઉંમર તો ક્યારની વીતી ગઈ, પોતે બેતાલીસે પહોંચી ગઈ છે. જોકે શરીર સૌષ્ઠવ જાળવી રાખ્યું છે, ત્રીસ-બત્રીસની જ લાગે. રૂપાળી તો એ પહેલેથી જ હતી. વીસ-પચીસની ઉંમરે કેટલાંય માગાં આવતાં હતાં. પણ ઘરની જવાબદારીના કારણે નકારી દીધાં. અરે! ત્રીસ-બત્રીસની ઉંમરેય આવતાં હતાં! એ પછી તો મોટી ઉંમરનો ને વળી કુંવારો મૂરતિયો ક્યાંથી મળે? જોકે એક બે વાત આવી હતી ખરી ને એ પછી વાત આવી એ વિધુર અથવા છુટાછેડાવાળાની!

બીજું એક સત્ય એ પણ સમજાયું, જોકે ઘણું પાછળથી અને એ કે માગાં આવતાં હતાં એ બા-બાપુજી પાસે આવતાં હતાં ને બારોબાર જ નકારાઈ જતાં હતાં!! શરૂઆતમાં એક બે જગ્યાએ પોતે ના પાડી હતી પછી તો મમ્માએ જ! અરે, હમણાં એક વિધુરની વાત આવી, એની પાસે પહોંચી એ પહેલાં તો પપ્પાએ જ ના પાડી દીધી! ફ્રેનીએ શરમ છોડી સામેથી પૂછયું

બાએ જવાબ આપ્યો, ‘અમને ખાતરી હતી કે તું ના જ પાડવાની છો, એટલે અમે જ ના પાડી દીધી !’

પછી તો વાત એવી ફેલાઈ ગઈ કે ઈરાદાપૂર્વક ફેલાવવામાં આવી કે ફ્રેની અપરિણિત રહેવા માગે છે. મમ્મા પણ સલુકાઈથી કહેતી, ‘હવે આ ઉંમરે મૂરતિયો ક્યાંથી આવે? ને મળે તોય ફ્રેનીને યોગ્ય હોવો જોઈએને?’ મારી દીકરી આટલું ભણેલી, આવડી મોટી ઓફિસર ને એને કાંઈ જેવું તેવું થોડું નજરમાં આવે!’

હકીકત એ હતી કે મમ્મા પપ્પાની નજરમાં જ કોઈ આવ્યું નહિ, એમણે ઈરાદાપૂર્વક નજરને ટૂંકી કરી નાખી !

બધું જ સમજાયું પણ મોડું મોડું!

પોતે પોતાનું બધુંજ સુખ દાવ પર લગાવ્યું હતું ઘર માટે જ ને? ને ઘરમાં તો હવે એની કોઈ કિંમત નથી! કિંમત તો છે જ, પણ એની કમાણીની! એના અસ્તિત્વની નહિ!

ફ્રેની ક્યાંય સુધી જાગતી પડી રહી. જગ્યા બદલાય છે ને ચિત્ત પણ ચકડોળે ચડ્યું છે. મળસ્કે જરાક આંખ મળી, ત્યાં બારણું ખૂલાવાના અવાજે ખૂલી ગઈ.

આજે જમશેદી નવરોઝ હતી એટલે મમ્મા જલ્દી ઉઠી ગયા હતા. બારણે તોરણ તથા દરવાજે ચોક પૂરવાના હતા. પણ હું સુવાના મૂળમાં હતી.

ઉઠી ત્યારે ગરમ ગરમ સ્ટ્રોંગ કોફી પીવાની ઈચ્છા હતી, હંમેશા તો તે ઉઠે ત્યારે ભાભી ગરમ ગરમ કોફીનો કપ હાથમાં આપી દેતી પણ મમ્માને ભાભી બંને મહેર અને પીરાનની આગતા-સ્વાગતામાં રોકાયેલાં! સહેજ ગુસ્સો ચડ્યો ને બૂમ પડાઈ ગઈ ‘ભાભી! ઓ ભાભી!’

મહેર બહાર આવી ‘શું છે, ફ્રેની?’

પોતે ઉઠાતાની સાથે જ હાથમાં કોફીના મગ સાથે હાજર થઈ જતી ભાભી પૂછે છે? ‘શું છે ફ્રેનીબેન?’ માથામાં સણકો ઊઠ્યો પણ અવાજને સ્વસ્થ રાખી કહ્યું, ‘એક કપ કોફી મળશે? સ્ટ્રોંગ?’

‘કોફી? ફ્રેનીબેન ક્યાંથી બનાવું? એકતો માણસો વધી ગયા છે અને સવારના સગનની સેવ બનાવી છે. દૂધ વપરાઈ ગયું છે. હવે તો સાંજનું દૂધ આવે પછી પત્તો ખાય!’ તદ્દન સપાટ અવાજે આટલું કહી ભાભી જતી રહી.

આજે સગનના દિવસે સવારે કોફી પીવા જ ન મળી. સવારે નાહી ધોઈને તરત જ મંમીને કહીને અગિયારીમાં જવા માટે નીકળી ગઈ. મને આજના દિવસે નારાજ નહોતું થવું મનને શાંત રાખી હું બહાર નીકળી.

અગિયારીમાંથી બહાર આવતા જ સામે મિસ્ટર પટેલે ગાડી રોકી ‘ચાલો, આજે હું લીફટ આપું તમને ઘરે જવા’ આજે પચાસ વરસના મિસ્ટર પટેલ સાથે વાત કરવી મને ગમી. અમારા આગળની કોલોનીમાં તે પણ તેમના ભાઈ ભાભી સાથે રહેતા હતા તે ડિવોર્સી અને સ્કુલમાં ટીચર હતા. મારા ભાઈની દીકરી તેમને ત્યાં ટયુશન કરવા જતી અને તેને કોઈવાર લેવા મૂકવા જતા હું મી. પટેલને ઓળખતી હતી. એમ લાગતું હતું કે મી. પટેલ મને પસંદ કરે છે. પણ કદાચ મને જ સમજાયું નહીં. તેમની ગાડીમાં હું બેસી ગઈ. તેમણે કહ્યું મેં નવો ફલેટ લીધો છે. જોવા આવશો? જમશેદી નવરોઝ છે તો નવા ફેલટમાં દાદારજીને દીવો કરવાનો છે. તમે આવશો તો ગરમ ગરમ કોફી પણ પીવડાવીશ!’

‘હં અ અ’ ફ્રેની કંઈક કહેવા જતી હતી ને મોબાઈલ રણક્યો. મમ્માએ કહ્યું, ‘ફ્રેની સવારે તને કહેવાનું ભુલાઈ ગયું અગિયારીમાંથી આવે ત્યારે એટીએમમાંથી દસેક હજાર ઉપાડતી આવજે ને! પીરાનને સૂટ ને મહેરને નવા કપડા લઈ આપવા પડશે. દીકરીને પિયરથી ખાલી હાથે તો નહીં મોકલાય ને?’

એક પળ માત્ર એક જ પળ એ વિચારમાં રહી, બીજી જ પળે કહી દીધું, ‘મમ્મા, તું કાંઈક બીજી વ્યવસ્થા કરી લે ને, અત્યારે હું બહાર જાઉં છું. મને કોઈ દોસ્ત મળી ગયો છે.’

‘ક્યાં જાય છે તું અત્યારે? આજે નવરોઝ છે’

‘મમ્મા મને જે જોઈએ તે મળી ગયું છે મને મોડું થશે.’ કહીને ફોન કાપ્યો મનમાં ને મનમાં  વિચાર્યુ આજે નવરોઝના સપરમાં દિવસે કદાચ દાદારજીએ જ મારી મદદ કરી છે. ને મલકાતાં મલકાતાં તીરછી નજરે મિસ્ટર પટેલ સામે જોઈને વિચાર્યુ! હજુ કાંઈ મોડું નથી થયું.’

Leave a Reply

*