અવસ્તા માંથ્રવાણીના ભણતરનો ગેહ તેમજ પ્રસંગ સાથનો સંબંધ

ખોરશેદ, મહેર અને આવાંની નીઆએશ હાવન, રપિથ્વન યા બીજી હાવન ને ઉજીરન ગેહમાંજ માત્ર ભણી શકાય છે. એ નીઆએશો અઈવીસ્ત્રુથ્રેમ ઉશહીનમાં સાધારણ શખ્સે કદી ભણવી નહીં. આતશ અને મહાબોખ્તારની નીઆએશ દરેક ગેહમાં ભણી શકાય છે.

ખોરશેદ યશ્ત, મહેર યશ્ત, તથા આવાં યશ્ત હાવન રપિથ્વન યા બીજી હાવન તેમજ ઉજીરન ગેહમાંજ ભણાય છે. સરોશ વડી રાતની ફકત રાતનાજ અઈવીસ્ત્રુથ્રેમ ગેહમાં ભણવી. વળી સરોશ યશ્ત હાદોખ્ત અઈવીસ્ત્રુથ્રેમ ગેહમાં તેમજ ઉશહીન ગેહમાં રાતે 3 વાગા સુધી કદી ભણવી નહીં. એ સિવાયની બધી યશ્તો કોઈબી ગેહમાં ભણાય છે.

હોરમજદ, અરદીબહેસ્ત અને સરોશ હાદોખ્ત હાવન, રપિથ્વન યા બીજી હાવન અને ઉજીરન ગેહમાં ત્રણે સાથે ઉપલા અનુક્રમે ભણવાને ફરજિયાત બંદગી તરીકે ગણેલી છે. માટે બનતાં સુધી ત્રણે સાથે જરૂર ભણવી, એના વગર ફરજિયાત બંદગી અધુરી ગણાય છે.

પતેત પશેમાની કોઈબી ગેહમાં ભણતરને છેડે દુઆ તંદુરસ્તીની અગાઉ ભણવી. પતેત રવાનની યા પતેત ઈરાની રવાનની તંદુરસ્તી ભણ્યા પછી છેક છેલ્લે કોઈબી ગેહમાં ભણવી. રવાનની પતેત મરણના પહેલા 3 દિવસો એટલે કે ચાહરૂમની બામદાદ સુધી નહીં જ ભણવી. તેમજ બર-વકતના ફ્રવરદેગાનના પહેલા દસ દિવસો એટલે સ્પંદારમદ મહીનાના આશ્તાદ રોજથી તે છેલ્લા વહીશ્તોઈશ્ત ગાથા સુધી કદી ભણવી નહીં.

આવાંની નીઆએશ યા યશ્ત જો રોજ ભણવાને નહી બને તો દરેક મહીનાના સ્પેન્દારમદ, આવાં, દીન અશીશ્વંઘ અને મારેસ્પંદ આ પાંચ રોજે જરૂરજ ભણવી. આવાં મહીનામાં બને તો રોજની આવાં નીઆએશ યા આવાં યશ્ત ભણી, પાછી આદર મહીનામાં પહેલા દસ દિવસ તેજ પ્રમાણે ભણી 40 દિવસ સુધી અમલ કરવો ઘણો ફાયદાકારક છે. (તંદુરસ્તી માટે તેમજ દરૂજીથી બચાવ કરવા માટે અને પાકીજગી મેળવવા માટે)

મહાબોખ્તારની નીઆએશ જો રોજ ભણવાને નહી બને તો અમાસ, ચાંદરાત અને પુનમ આ ત્રણ દિવસોપર જરૂરજ ભણવી. આતશની નીઆએશ જો રોજ ભણવાને નહી બને તો દર મહીનાના હોરમજદ, અરદીબહેશ્ત, આદર, સરોશ અને બહેરામ જે પાંચે મોટા હમકારા છે તે દિવસોપર જરૂરજ ભણવી. અઈવીસ્ત્ર્રુથ્રેમ ગેહમાં સરોશ યશ્ત વડી પછી આતશની ન્યાયેશ રોજ જરૂર ભણવી.

ચારે દિશાનો નમસ્કાર દરેક ગેહમાં ભણાય છે. પહેલા દક્ષિણ દીશાએ પછી પૂર્વ પછી પશ્ર્વિમે અને છેલ્લે ઉત્તર દિશાએ એમ અનુક્રમે મોઢું કરીને ભણવો. દરેક દિશાએ અહમાઈ રએશ્ચ, હઝઘરેમ, જસમે અવંઘહે મઝદ અને કેરફેહ મોઝદ એમ બધું જરૂર ભણવું, નહીં તો તે નમસ્કાર અધુરો કહેવાય છે.

ઝાડપાન, પર્વત ગોસ્પંદ, દોખ્મા તેમજ નદી, કુવા, ઝરા યા મહાસાગરના પાણી પર દરરોજ પહેલીજ નજર પડતાં તેને લગતો નમસ્કાર દિવસમાં એકવાર જરૂર ભણવો.

ચેરાગનો નમસ્કાર સુરજ અસ્ત પામ્યા પછી બત્તી તથા તેની સામે તુરત મનમાં ભણી લેવો. છેલ્લા તેની સાથે 10 અષેમ વોહૂ તેના મીથ્ર સાથે ભણવી. અઈવીસ્ત્રુથ્રેમ ઉશહીનનું ભણતર માંડતા ચેરાગનો નમસ્કાર પઢવો. મુકતાદનો નમસ્કાર ફકત મુકતાદ આગળ આસ્તાદ રોજથી તે છેલ્લા ગાથા સુધી ફકત દસ દિવસજ કરવો. દાદર હોરમઝદના 101 સેફાતી નામો દુઆ તંદુરસ્તીની આગમચ કુશાદે યાને ખુલ્લા સાદે ભણવા.

ગાથા ભણવાનો સૌથી મુબારક વખત ઉશહીન ગેહ છે અને પછીનો બીજો વખત હાવન ગેહ છે. એ બે ગેહોમાં બનતાં સુધી જરૂર ભણી લેવા. એજ મુજબ નીરંગ-ઈસ્મ ભણવા માટે ઉશહીન અને હાવન ગેહો મુબારક છે.

ગુજરેલાની નૈયતે કાંઈપણ ભણવું હોય તો આપણી ફરજિયાત બંદગી તમામ દુઆ તંદુરસ્તી સુધી ભણ્યા પછી છેક છેલ્લા માંડવું.

હાવન, રપિથ્વન યા બીજી હાવન અને ઉજીરન ગેહમાં પહેલા ખોરશેદ મહેરની ફરજિયાત નીઆએશ કર્યા વગર કોઈબી બીજું ભણતર ભણાય નહીં, તેમજ રાતના પણ સરોશ યશ્ત રાતની વડી જે ફરજિયાત ભણતર છે તે કીધા વગર કોઈબી નીઆએશ યા યશ્ત ભણાય નહીં. કેટલાક મોબેદો દિવસના તેમજ રાતના પોતાની ફરજિયાત બંદગી કર્યા વગર ગુજરેલા રવાનની ક્રિયાનું  ભણતર ભણે છે તે તદ્દન નારવા છે. ફકત ચેહારામના દહમના આફ્રીન્ગાન વખતે કે ત્રણ દિવસના સરોશના પાતરાં વખતે પોતીકી ફકત સરોશ બાજ અને ગેહની ફરજિયાત કરી ગુજરેલાની ક્રિયા કરવાનો હુકમ છે, કારણ કે તે વખતે બે 36 મીનીટના મહાન અરસાઓ-હાવનની હોશબામ યાને મહેરનો વખત તેમજ અઈવીસ્ત્રુથ્રેમની ગાશેકનો વખત એ ક્રિયાઓ માંડવા માટે જરૂરના છે.

(ક્રમશ)

Leave a Reply

*