એક ગાલીચાના સાઠ હજાર રૂપિયા તેણે આપ્યા!!

આ સાંભળી સૌ ખડખડ હસી પડયા! શાહજાદો ઘણો વિસ્મય પામ્યો પણ પોતે કંઈ નવાઈ જેવી ચીજની ખરીદી કરવા આતુર, અને પાસે ખૂબ પૈસો, એટલે તે લાખ રૂપિયા પણ આપી શકે એમ હોવાથી, તેણે પેલા ગાલીચા વેચનારને કહ્યું કે ‘જો તું કહે છે તે ખરૂં છે એવી મારી ખાતરી કરી દે તો, હું તું માગે તેટલું દામ તો આપું, પણ ઉપરથી તનેબી નેહાલ કરૂં. માત્ર મારી ખાતરી થવી જોઈએ કે આ ગાલીચો જ્યાં ચ્હાય ત્યાં આપણને લઈ જઈ શકે છે.’

ચાલો હમણા ને હમણાંજ આપની ખાતરી કરી આપું. આવડી મોટી રકમ અહીં સાથે તો લાવ્યાજ ન હશો. માટે આપને ઉતારે કે મકાને ચાલો. હું ત્યાં આપને આ ગાલીચા ઉપર બેસાડી પલકવારમાં લઈ જાઉં. બસ આ ખાતરી જ ખાતરી આમ છાતી ઠોકતો ગાલીચાવાળો બોલ્યો.

શાહજાદા હુસેનને આ વાત ગમી. દુકાનદારની રજા લઈ તેઓ બન્ને પાછલાં ખુલ્લા ચોગાનમાં ગયા. ત્યાં ગાલીચો પાથરવામાં આવ્યો. હુસેન બેઠા પછી પેલો ગાલીચાવાળો પડખે બેઠો અને શાહજાદાને વિનંતી કરી કે ‘કહો ગાલીચો તમને કયાં તેડી જાય?’

શાહજાદાએ કહ્યું, ‘ચાલો મુસાફરખાના ઉપર.’ પલકવારમાં શાહજાદો મુસાફરખાનામાં આવી પહોંચ્યો! તે તો ખુશ ખુશ થઈ ગયો અને તુરત જ ચાલીસ હજાર રૂપિયા તે ગાલીચાવાળાને તેણે ગણી આપ્યા અને ઈનામમાં બીજા વીસ હજાર રૂપિયા તે માણસને વધુ આપ્યા. પેલો માણસ તો આવો ઉદાર ગ્રાહક મલવાથી ખુશ ખુશ થઈ ગયો અને હુસેનનો પાડ માનતો રવાના થયો.

હવે હુસેન શાહજાદાની ખુશાલીનો પાર ન હતો. તેણે મનમાં ચોકકસ માની લીધું કે તેના બે ભાઈઓમાંથી કોઈબી તેના સરખી ચીજ લાવી શકે તેમ નથી. તેની તો મનમાં ખાતરી થઈ ગઈ કે તેનો બાપ શાહજાદીની સાથે શાદી કરવા તેને જ હવે પસંદગી આપશે. શાહજાદીની સાથે શાદી કરવા તેનેજ હવે પસંદગી આપશે. આ વિચારમાં ને વિચારમાં તે સુખના સ્વપ્નાં જોવા લાગ્યો.

તે થોડા મહિના વીસનગરમાં પડી રહ્યો અને મોજ મજાહ કરવા લાગ્યો. જ્યારે બાર માસ પૂરા થવાનો વખત નજીક આવ્યો ત્યારે તે ત્યાંથી પોતાને વતન જવા તે ગાલીચા પર બેઠો અને સૌથી પહેલો તેજ મુસાફરખાનામાં તે જઈ પહોંચ્યો કે જ્યાં તેના ભાઈઓ સાથે એક વરસ બાદ મળવાનું તેઓએ નકકી કર્યુ હતું.

તે સૌથી પહેલા અને વળી વહેલો પણ આવ્યો. તેથી, તેના ભાઈઓની વાટ જોતો તે ત્યાંજ મુસાફરખાનામાં વખત વિતાવવા લાગ્યો.

તે વારંવાર પોતાના અજાયબીભર્યા ગાલીચાને જોઈ બહુજ હરખાતો હતો અને પછી શાહજાદીને પરણાવાનાં સ્વપ્નાં જો તો તે દહાડા કહાડતો હતો.

હવે ચાલો આપણે શાહજાદા અલિની તપાસ કરીએ એ કંઈ નવાઈ જેવી ચીજ લાવે છે કે નહીં તે જોઈએ.

અલિપણ એક અજાયબીભરી ચીજ મેલવવા ભાગ્યવંત થયો! તે લાવ્યો હાથીદાંતની દૂરબી કે જેમાંથી તે ચહાય તે જોઈ શકતો!!

શાહજાદો અલિ જેવો પોતાના ભાઈઓથી જુદો પડયો તેવો સીધો ને સીધો ચાલવા માંડયો. રાતવાસો કોઈ જગામાં ઉતારો કરે અને સવાર પડતાંજ પાછી મુસાફરી શરૂ કરે. બપોરે કયાંક ખાવા પીવા અને આશાયશ લેવા થોભે. પછી વળી આગળ ચાલે.

આમને આમ તેણે ઘણા ગામો જોયાં. પણ કયાંયથી તેને કોઈ નવાઈ જેવી ચીજ મળી નહીં. મુસાફરીમાં આગળ ચાલતાં, એક વખત, તે એક વણજાર ભેગો થઈ ગયો. તે વણજાર ઈરાનની રાજધાની શિરાઝ શહેર તરફ જવાની હતી. રાજકુમાર અલિએ ઈરાન દેશની જાહોજલાલીની ઘણી વાતો સાંભળી હતી. તેથી આ વણજાર સાથે ત્યાં જવાનો મોકો મળતાં, તે બહુ ખુશી થયો અને તેણે ઈરાન જવા ઠરાવ કર્યો.

ઘણે દિવસે, બહુ લાંબી મુસાફરી કરી, આખર શાહજાદો અલિ, તે વણજાર સાથે, ઈરાનની રાજધાની શહેર શિરાઝમાં આવી પહોંચ્યો.

શહેરમાં આવી પહોંચવા પછી, તેણે બે દિવસ સુધી આરામ લીધો. ત્રીજે દિવસે તે શહેરની મોટી બઝારમાં ફરવા નિકળ્યો.

ત્યાં લોકો જુદી જુદી દેશ દેશની ચીજો વેચતા હતા. ફરતાં ફરતાં તે એક ઠેકાણે આવી ચઢયો. ત્યાં એક માણસ હાથીદાંતની નળી લઈ પુકારતો હતો કે ‘આ નળીના ત્રીસ હજાર રૂપિયા! હજાર હજારની માત્ર ત્રીસ થેલી! છે કોઈ લેનાર?’

શાહજાદો અલિ તો આ સાંભળી ત્યાં થંભીજ ગયો! તેણે પાસેની એક દુકાનમાં બેઠેલા એક માણસને પૂછયું કે ‘આ માણસ શું બોલે છે? પાગલ તો નથી થઈ ગયોને? એક નહાની શી નળીની તે શું કિંમત માગે છે?’

પેલા દુકાનદારે કહ્યું ‘ગઈ કાલથી એ નળી માટે આમ આટલી મોટી કિંમત તે પુકારે છે તેથી તેને ઘેલો માની, કોઈ તેને કંઈ પૂછતું નથી. વળી એવડી મોટી કિંમત આપનાર પણ કોઈ આ શહેરમાં મળે તેમ નથી. અમારા શહેરમાં આ માણસ જાણીતો માલનો વેચનાર છે. કોઈપણ બેમૂલ ચીજ વેચવા અહીંના લોકો કે પરદેશી વેપારીઓ તેનેજ વેચવાનું સોંપે છે. પણ આવી નજીવી ચીજ આટલી મોટી કિંમતે તેણે કદી વેચી હોય એવું મેં દીઠું નથી કે સાંભળ્યું પણ નથી.’

રાજકુમાર અલિની ઉત્કંઠા વધી. તેને એ નળી જોવા મન થયું. તેણે દુકાનદારને કહ્યું કે ‘જો આપ એ નળી વેચનારને બોલાવો તો હું તેને પુછી ખાતરી કરૂં કે નળીની જે કિંમત તે માગે છે તે બરાબર છે કે નહીં. અને જો તે નળીમાં કંઈ ખરેખર નવાઈ જેવું હશે તો હું જ ખરીદી લઈશ. કેમ કે, હું કંઈ નવાઈ જેવું ખરીદ કરવા છેક દૂર દેશથી ઈરાન આવ્યો છું.

દુકાનદાર તો આ નવા અજાણ્યા માણસને દૂર દેશનો મોટો તવંગર સોદાગર સમજી તેને ઘણા માનપાનથી પોતાની પાસે બેસાડી. પેલા નળીવાળાને તેડવા મોક્લ્યો.

નળીવાળો આવતાંજ દુકાનદારે તને કહ્યું કે ‘આ પરદેશી મુસાફર ત્હારી નળીની કિંમત સાંભળી, બહુ તાજુબ થયો છે. તે જાણવા માગે છે કે ત્હારી શુધ્ધ તો ઠેકાણે છે ને?’

નળીવાળાએ અલિને સલામ કરી હસીને કહ્યું કે ‘બધાને હું આજે પાગલ લાગું છું. પણ આ નળીની ખૂબી જાણશો તો તમને હું પાગલ તો નહીં લાગુ પણ તમે બી કહેશો કે ત્રીસ હજારની કિમત તો ખરેખર કુચ્છ બિસાદમાં નથી.’

એમ કહી, તેણે અલિને કહ્યું કે ‘મન ચહાય તે ચીજ જોવા ઈચ્છા કરી નળીમાં જુઓ તો તમે માગશો તે તેમાં જોઈ શકશો એવી આ નળીમાં ખૂબી છે!’

(ક્રમશ)

Leave a Reply

*