અહુરમજદ સાથના સંબંધનું પહેલું સાધન કાયદાની ફરમાનબરદારી

અહુરમજદ કાયદા પ્રમાણે કામ કરે છે
અહુરમજદ પોતે કાયદા, કાનુન, નિયમ પ્રમાણે કામ કરે છે. કોઈ કહે કે અહુરમજદ સર્વોપરી છે, તે સર્વનો સાહેબ છે તે મુખત્યાર છે તે પોતાની મરજી પ્રમાણે કામ કરનારો છે, માટે તેને કાયદા કાનુનોને શરણ થવાની શી જરૂર છે? પણ આ વિચાર અહુરમજદની ચઢતી કરવાને બદલે ઉતરતી કરે છે. અહુરમજદ પોતે પણ કાયદા કાનુન પ્રમાણે જ અમલ કરે છે, એમ માનવામાં અહુરમજદને ઝાંખ લાગતી નથી. જાનદાર પેદાયશમાં નજર કરશો તો જેમ ઉતરતી પંક્તિના જાનવરો ઉપરથી ચઢતી પંક્તિનાં જાનવરો ઉપર આવશો તેમ, તમો જોશો કે જયારે ઉતરતી પંક્તિનાં જાનવરો કેટલીક હદે વગર નેમે, વગર મકસદે કામ કરતા યા જીંદગી ગુજારતાં દિસે છે. દાખલા તરીકે એક ડાહ્યો હાથી યા વફાદાર કુતરો વધારે અંકુશ તળે અને વધારે રૂડી મતલબથી જીંદગી ગુજારે છે. માણસ જે જાનદાર પેદાયશમાં વધુ ચઢતો દરજ્જો ભોગવે છે. તે સર્વ જાનવરો કરતાં વધારે નિયમિત રીતે, વધારે ચોકકસ રીતે કાયદા કાનુનો પ્રમાણે જીંદગી ગુજારે છે. જાનવરોની માફક ગમે તેમ ખાધું, ગમે તેમ પીધું, ગમે ત્યારે સુતા, ગમે ત્યારે ઉઠયા, એમ કેટલાંક જાનવરોની માફક જીંદગી ગુજારવા કરતાં માણસ વધારે નિયમીત રીત, કાયદા કાનુનો પ્રમાણે, જીંદગી ગુજારવાની કોશેશ કરે છે. જે પ્રમાણમાં તે એ કોશેશ વધારે અને વધારે કરે છે તે પ્રમાણમાં તે ચઢતે દરજ્જેનો માણસ થાય છે.
ત્યારે અહુરમજદ, જે સર્વાપરી છે, તેને માટે ધારવું કે, તે આપઅખત્યાર પાદશાહ માફક છે અને મરજી પ્રમાણે પોતાની જગત પર હકુમત કરનારો છે તેથી તે પોતાના કાયદાકાનુનોને શરણ થવા વગર ગમે તેમ કામ કરે છે એ તેનાં સર્વોપરીપણાને તેનાં ચડીયાતાપણાને તેની અહુરમજદીને ઝાંખ લગાડવા સમાન છે. એ બાબે ડો. કેઅર્ડ વાજબી રીતે કહે છે કે ખુદાતાલાની મરજી અને શક્તિની હદ બાંધવી અને એવું ધારવું કે કેટલાંક જાથુકનાં મુલ તત્વો અને કાયદાઓ છે કે જેઓને તે સર્વશક્તિવાન સાહેબ પણ શરણ થવું જોઈએ તેમાં એક અર્થે ઓછું માન દેખાડવા જેવું કાંઈ નથી. ચઢતી પંક્તિના ખવાસની પેદાયશને બદલે સામી ઉતરતી પંક્તિના ખવાસની પેદાયશો તેવી છે કે જેઓનાં કામો માટે એક કહેવાય કે તેઓ પોતાના ફાંટા સિવાય બીજી કોઈ મતલબથી કામ કરતી નથી.
ત્યારે કાયદાની ફર્માનબરદારી, કાયદા મુજબનો અમલ જે પ્રમાણે અહુરમજદ પોતે કામ કરે છે તે અખત્યાર કરવાનું આપણું પહેલું કામ છે. આપણા જરથોસ્તી પુસ્તકોમાં જાબજા વખાણેલી અશોઈ તે કાંઈ નહીં. પણ વાસ્તવિક કાયદો છે. અહુરમજદ પોતે અશો છે કારણ કે તે કાયદા પ્રમાણે કામ કરે છે. ત્યારે આપણા જરથોસ્તીઓએ હમેશા કાયદાની બાજુએ વ્યવસ્થાની તરફેણમાં ગેરકાયદા યા ગેરવ્યવસ્થાની સામે ઉભું રહેવું જોઈએ.

Leave a Reply

*