એક વજીર કે જેને તેના કરતુક માટે સજા થઈ હતી

એક ફળવંત શેહેરમાં એક રાજા રાજ્ય ચલાવતો હતો. આ રાજાને એક શાહજાદો હતો. તે શિકાર કરવાનો ઘણોજ શોખ રાખતો હતો. તેથી તે ગમતમાં તે ચાહે એટલો લાડ તેનો બાપ લડાવતો હતો. પણ તેણે તે સાથે પોતાના વડા વજીરને તાકીદથી હુકમ કીધો હતો કે શાહજાદો જ્યારે શિકારે જાય ત્યારે હંમેશ તેની સાથે રહેવું અને તેને નજર આગળથી છુટો મેલવો નહી.
એક બામદાદે શિકાર કરતાં શિકારીઓએ એક સસલાને ભડકાવ્યું અને શાહજાદો તેની પુઠે દોડ્યો. તેનાં મનમાં એવું હતું કે વજીર તેની પુઠે આવે છે. તે છોકરો એટલો તો દુર નીકળી ગયો અને તે એટલો તો શિકારથી ઉલટમાં આવ્યો કે તેની સાથના સર્વે તેના સોબતીઓ પાછળ પડી ગયા અને તે તદ્દન એકલો પડી ગયો. તેથી તેણે આગળ વધવાનું એકદમ બંધ કીધું. અને ત્યાંથી પાછું ફરયો પણ તે રસ્તો ભુલ્યો હતો. વજીર પણ ઝડપથી તેની પુઠે દોડ્યો હતો પણ શાહજાદાને તે શોધી કહાડી શક્યા નહી તેમ શાહજાદો પણ ખરો માર્ગ મેળવી શક્યો નહી. અને જ્યાં ત્યાં રખડવા લાગ્યો. એટલામાં તેને એક સુંદર રૂપની સ્ત્રી મળી. તે ઝારઝાર રડતી હતી તેથી ભુલા પડેલા શાહજાદાએ પોતાના ઘોડાને અટકાવ્યો અને તેણીને તે પુછવા લાગ્યો કે તે એટલી રડે છે કેમ? તેણીએ કહ્યું કે “હું એક હિન્દી રાજાની છોકરી છું. હું મોટે પરોડિયે ફરવા નિકળી હતી પણ રસ્તામાં ઉંઘાઈ ગઈ અને ઘોડા ઉપરથી પડી ગઈ તેવી હાલતમાં મને નાખી મારો ઘોડો નાસી ગયો છે.” તે શાહજાદાએ કહ્યું કે “કાંઈ ચિન્તા નહી, તમારી મરજી હોય તો મારા ઘોડા ઉપર તમો પણ સવાર થાવો!” તે રાજક્ધયાએ ‘હા’ કહ્યું. ત્યાર બાદ તેઓ કેટલીક વેગળાઈ ઉપર જઈ પહોંચ્યા; પછી એક પુરાણી ઈમારત તેમની નજરે પડી જ્યાં પેલી ઓરત ઘોડા ઉપરથી ઉતરી તે ઈમારત તરફ ચાલવા લાગી અને ઘોડાની લગામ પોતાના હાથમાં ધરીને તે શાહજાદો તેની પુઠે ગયો. તે સ્ત્રી અંદર દાખલ થતાને વાર બોલવા લાગી કે, “ઓ છોકરાઓં તમો ખુશી થાવો! હું તમારે માટે એક જવાન ફરબે શિકાર લાવી છું.” તે છોકરાઓએ જવાબ દીધો કે, “મા તે ક્યાં છે, તેને શેતાબીથી અંદર લાવો કે તેને જબેહ કરી તેનો નાસ્તો કરીએ. કારણ કે અમને ભારી ભુખ લાગી છે.” આ શબ્દો સાંભળીને તે શાહજાદો કેટલો અચરત થયો હશે તે તમોજ વિચારી લ્યો!
તે શાહજાદો તરત પામી ગયો કે તે મોતની ચુંગાળમાં આવી ફસ્યો છે અને તેની ખાતરી થઈ કે તે સ્ત્રી કોઈ હિન્દી રાજાની દિકરી નથી પણ કોઈ ભુખી ડાકણ છે. અને જંગલમાં વેરાણ પડેલી હવેલીમાં રહી રાહદારીઓને પટાવી ફુસલાવ તે જગોમાં લઈ તેમનો ભક્ષ કરે છે. આ મામલો જોઈ તેે પોતાના ઘોડા પર જલદીથી સ્વાર થયો અને પોતાના ઘોડાને તેજ કરી હંકારી જવા લાગ્યો. તેટલામાં તે સ્ત્રી ત્યાં આવી લાગી અને જોયું કે તેના હાથમાં આવેલો શિકાર જતો રહે છે. ત્યારે તે શાહજાદાને પુછવા લાગી કે “તમારે કાંઈ ધાસ્તી રાખવી નહીં પણ મને કહો કે તમે કોણ છો અને તમને શું જોઈએ છે?” શાહજાદાએ જવાબ દીધો કે “હું મારો રસ્તો ભુલ્યો છું અને તેં શોધું છું.” તે બોલી, “જો તમે રસ્તો ભુલ્યા છો તો અલ્લાહ ઉપર ભરોસો રાખો. તે સાહેબ તમારા સંકટમાંથી તમને છોડવશે.”
તે જવાન શાહજાદાએ તે સ્ત્રી જે બોલી તે માન્યું નહી પણ તેણે ધાર્યું કે તે સ્ત્રી એમ સમજતી હશે કે શાહજાદો તેની ચુંગાળમાં આવેલો છટકી ક્યાં જવાનો છે! તેથી તેણે પોતાના હાથો આકાશ તરફ ધસ્યા અને બંદગી કરવા લાગ્યો કે “ઓ સર્વ શક્તિમાન સાહેબ, મારી તરફ જો અને મને આ મારા મુદ્દઈના હાથમાંથી છોડવ.!” આ બંદગીના પવિત્ર શબ્દો સાંભળતાનિવાર તે ડાકણી સ્ત્રી તે ભાગેલી ઈમારતમાં તુરતજ જતી રહી અને શાહજાદાએ પોતાનો રસ્તો પકડ્યો.
હવે પેલી તરફ જ્યારે વજીરને શાહજાદો ઘણી શોધ કરવા છતાં મળી આવ્યો નહી ત્યારે તે એકલો પાદશાહ પાસે ગયો અને ખરી હકિકત છુપાવી તે પાદશાહને ઉંધુ ચતું સમજાવી શાહજાદાનીજ કસુર કહાડી અને તેના ગુમ થવાનું ખરૂ કારણ છુપાવી પોતાનો ખોટો બચાવ કીધો.
(ક્રમશ)

Leave a Reply

*