મને તમારી દીકરી બનાવશો?

અંધારિયા ઓરડાને પ્રકાશિત કરવા માટે બાનુબાયે લાકડાની બારી ખોલી અને ખૂણામાં પડેલા અરિસાને સૂર્યના આછા પ્રકાશ સામે ધરીને પોતાના ચહેરાને બરાબર જોયો. થોડી જ ક્ષણોમાં તેમના ખુશનુમા ચહેરા ઉપર ગંભીર મુદ્રા છલકાઈ ગઈ. કપાળ પર પડેલી કરચલીઓ અને આંખોની આસપાસના કાળા કુંડાળા વૃદ્ધા અવસ્થા અને અશક્તિની ચાડી ખાતા હતા. પરંતુ, વધુને વધુ જીવવાની લાલસાનો વિરોધાભાસ તેમના મોઢા ઉપર સાફ છલકાતો હતો. ગરીબી અને મુફલીસીની જીંદગી જીવવી કોને વ્હાલી લાગે, તેઓ આજે રીટાયર્ડ થનાર હતા. તેઓ આજે ચિંતાતુર હતા. કારણ કે તેમનો જીવ એકનો એક પુત્ર ખુશરૂમાં હતો. ઓરડાના બંધ દરવાજા પાસે એકલા-એકલા અજીબ ગણગણાટ કરી રહેલા પડછંદ કાયા ધરાવતાં જુવાનજોધ ખુશરૂ તરફ તેમણે નજર કરીને નિસાસો નાંખ્યો. મંદબુદ્ધીના ખુશરૂનું મારા પછી કોણ? અંતરમનમાં ઉદભવેલા વેધક પ્રશ્ર્નનો જવાબ શોધતાં વૃદ્ધ બાનુબાયના આંખમાંથી આંસુ સરી પડ્યાં. તેને કોણ ખવરાવશે…કોણ તેને નવડાવશે…તેનુ સમગ્ર જીવન પરાવલંબી છે. યુવાન હોવા છતાંય તેની બુદ્ધી નાના બાળક જેવી છે. તેને પહેરવા-ઓઢવાનુ ભાન નથી. જમતાં-જમતાં તેના મોઢામાંથી કોળિયો પણ સરી પડે છે અને તેને સાફ કરવા માટે મારે જાતે જ હાજર રહેવુ પડે છે. મારા પછી તેને કોણ સાચવશે? તેવો સવાલ તેમની આત્માને કોરી ખાતો હતો.
ચિંતામાં સરી પડેલા બાનુબાય વ્યથીત મનમાં પુરાણી યાદો તાજા થઈ ગઈ. ખુશરૂનો જન્મ થયો ત્યારે તેના પિતાએ આખા ગામમાં મિઠાઈ વહેંચી હતી. તેના તેજોમય ચહેરાને જોઈને તેનુ નામ ખુશરૂ રાખવામાં આવ્યુ હતુ. ઘોડિયામાં સૂતા-સૂતા તેની આંગળીઓની હરકતોને જોઈને તેઓ હરખાતા હતા. માતા-પિતાને ક્યાં ખબર હતી કે, જેને ઘડપણની લાકડી સમજી રહ્યા છે, આખી જીંદગી તેનો જ સહારો બનવુ પડશે. જેમ-જેમ તેની ઉંમર વધતી ગઈ તેની માનસિક બિમારી છતી થતી ગઈ અને મા-બાપની ઉમ્મીદો પર પાણી ફરતુ ગયુ. જ્યારે તબિબે તેને માનસિક વિકલાંગ ઘોષીત કર્યો ત્યારે બંનેના કાળજા વિંધાઈ ગયા.
માનસિક બિમાર પુત્રને જોઈને પિતા હતાશામાં ગરકાઈ જતાં, પરંતુ તેઓ તેને છાતી સરસો ચાંપીને કહેતા કે, આ ઈશ્ર્વરનો આશિર્વાદ છે તેને નિભાવવો જ રહ્યો અને ત્યારપછી તેનુ લાલન-પાલન કરવુ જાણે તેમનો એકમાત્ર ધ્યેય બની જતો. બાનુબાય સુતા અને જાગતાં માત્રને માત્ર ખુશરૂનો વિચાર કરતાં હતા. તેને નવડાવતાં, ખવડાવતાં, રમાડતા અને ફરવા લઈ જતાં. જોતજોતાંમાં દિવસો, મહિનાઓ અને પછી વર્ષો વિતી ગયા અને ખુશરૂ કિશોરાવસ્થામાં પ્રવેશ્યો. બાનુબાય માત્રને માત્ર ખુશરૂ માટે જ જીવતાં હતા. તેની દરેક જરૂરતોનો અંદાજ જાતે જ લગાવતાં અને તેને પૂરી કરવાનો સંનિષ્ઠ પ્રયાસ કરતાં હતા. સામાપક્ષે માતૃત્વની લાગણીઓને સમજે તેટલી પરિપક્વતા પુત્રમાં વિકસીત થતી ન હતી. તેમ છતાંય આ પરિસ્થિતિને પ્રારબ્ધ માનીને તેમણે પોતાની મમતામાં લેશમાત્ર પણ ઘટાડો કર્યો ન હતો. માનસિક રોગીઓના હોસ્પિટલમાં તેને મુકી દેવા માટે પતિ તેમની સામે પ્રસ્તાવ મુકતાં હતા. પરંતુ, એકના એક પુત્રને એક ક્ષણ પણ દુર રાખવા માટે તેઓ રાજી ન હતા. તે પતિના પ્રસ્તાવને પલાયનવાદ તરીકે આલેખીને ક્રોધીત થઈ જતાં હતા.
ખુશરૂ જ્યારે વયસ્ક અવસ્થામાં પગ મુક્યો ત્યારે તેના પરિવાર ઉપર વધુ એક કઠોર ઘાત થયો. આધેડવયે પહોંચેલા તેના પિતા આકસ્મિક સંજોગોમાં મૃત્યુ પામ્યા. પતિના મોતના આઘાત સામે માનસિક અસ્વસ્થ પુત્રના ભવિષ્યની ચિંતાએ વિધવા બાનુબાયના મનોબળને પર્વતથી પણ વધુ બુલંદ બનાવી દીધુ. સમાજના લોકો તેમની સામે દયાદ્રષ્ટીથી જોવા લાગ્યા. પરંતુ, લોકોની સામે હાથ ફેલાવવાના બદલે તેમણે સ્વાવલંબી બનવાનો નિર્ધાર કર્યો. તેમને એક પારસી છોકરીઓની હોસ્ટેલમાં જોબ મળી ગઈ. અને જીવન પાછું ચાલવા માંડયું 55 વરસની ઉંમરે પહોંચેલા બાનુબાય હમેશા વિચારતા કે તેમના પછી તેમના દીકરાની દેખરેખ કોણ કરશે?
રોશની અનાથ હતી અને નર્સનો કોર્સ કરતી હતી તે બાનુબાયનાજ હોસ્ટેલમાં રહેતી હતી. બાનુબાય અને રોશનીની ઓળખાણ થઈ. રોશનીએ બાનુબાયને પોતાની માતાના રૂપે જોયા અને હવે તો બાનુબાય પણ દરરોજ રોશની માટે ઘરથી ખાવા માટે કંઈને કંઈ બનાવી લાવવા લાગ્યા. રોશની દીલથી ઘણી જ સમજુ હતી. તે બાનુબાયની મુંઝવણ સમજતી હતી. પણ અત્યારે 2-4 મહિનાથી જ બાનુબાય સાથે થયેલી મિત્રતા માટે રોશની શું કહે? ધીરે ધીરે સમય વીતવા માંડયો રોશનીને પણ હવે એક હોસ્પિટલમાં નોકરી મળી ગઈ હતી. પણ તેણે હોસ્ટેલ છોડી નહોતી તે અવારનવાર બાનુબાયના ઘરે જતી એક બે દિવસ ત્યાં રહીને પણ આવતી ખુશરૂને તે ભાઈ તરીકે સંબોધવા લાગી. અને હવે તો ખુશરૂ પણ રોશનીની રાહ જોવા લાગ્યો કારણ કે રોશની જ્યારે પણ આવતી ત્યારે ખુશરૂ માટે કેક, ચોકલેટો લાવતી. બાનુબાય 60 વર્ષના થયા. તેમના રીટાયર્ડ થવાનો સમય થઈ આવ્યો. હવે આગળ શું થશે તે તેમને સમજાતું નહોતું. પારસી દાનવીરોની મદદ તો મળતી જ હતી. પરંતુ દીકરાની સંભાળ તેમના પછી કોણ રાખશે તે ચિંતા કોરી ખાતી હતી. પાંચ વરસમાં રોશની અને બાનુબાયના સંબંધો પણ ખૂબ ફુલ્યા ફાલ્યા હતા બન્ને મા-દીકરીની જેમ જ હતા. બાનુબાયના રિટાયર્ડ થવાનો દિવસ આવ્યો. તેમના માનમાં હોસ્ટેલમાં એક કાર્યક્રમ પણ થયો. કાર્યક્રમ સમાપ્ત થતા તેમણે જવાનું હતું. તેઓ ચિંતિત હતા. તેમને રોશનીથી દૂર થવાનું પણ દુ:ખ હતું રોશની તો આગલા દિવસથી જ બેબાકળી બની હતી કે બાનુબાયના જવા પછી તે કેવી રીતે રહેશે? બાનુબાયના રિટાયર્ડના દિવસે સવારે રોશની ખુશ હતી. જાણે કે તેણે કોઈ નિર્ણય લઈ લીધો હોય તેમ. બાનુબાયનો રિટાયર્ડ થવાનો સમારંભ પૂરો થયા પછી જ્યારે તે નિકળ્યા ત્યારે રોશની પણ સાથે બેગ લઈ તૈયાર હતી. તેમણે બાનુબાયની આંખમાં જોઈ ફકત એટલું જ કહ્યું ‘શું તમે મને તમારી દીકરી અને ખુશરૂની બહેન બનાવશો?’ તેના આ શબ્દો સાંભળી બાનુબાયની આંખમાં ખુશીના આંસુ આવી ગયા. જાણે કે એમની બધીજ ચિંતાઓનો અંત ન આવી ગયો હોય…

Leave a Reply

*