સફળ કેમ થશો?

રઘુ એક ભીખારી હતો. રઘુ કોઈપણ ટ્રેનમાં બેસી જઈને મુસાફરો પાસેથી ભીખ માંગતો. અમુક લોકો તેને ભીખ આપતા તો અમુક લોકો તેને ભીખ ન આપતા. ક્યારેક રઘુને ભીખમાં સારું એવું મળી જતું જેનાથી તે આખો દિવસ ભોજન કરી શકતો. તો ક્યારેક પૂરતું ન મળવાથી તેને ભૂખ્યો પણ રહેવું પડતું.
એક વખત ભીખ માંગતા માંગતા તે એક ટ્રેનમાં ચડી ગયો. એમાં એને એક સુટ પહેરેલો વ્યક્તિ જોયો, આથી તેને થયું કે આ વ્યક્તિ વેપારી જેવો લાગી રહ્યો છે તેની પાસે ઘણા પૈસા હશે અને તે ભીખ પણ વધારે આપશે.
તે ત્યાં જઇને ભીખ માંગવા લાગ્યો. પેલો માણસ ત્યાં જ ઊભો હતો. થોડી વાર પછી પેલો સુટ પહેરેલો વ્યક્તિ રઘુ પર ગુસ્સે થયો. હાથપગ સલામત છે તો પણ ભીખ માગતા શરમ નથી આવતી? રઘુએ કહ્યું આપો ને સાહેબ હું જમ્યો પણ નથી. ત્યારે પેલા માણસે કહ્યું હું તને આપું પણ બદલામાં તું મને શું આપીશ?
રઘુએ કહ્યુ કે મારી પાસે તમને આપવા માટે કંઇ નથી અને ત્યાંથી ચાલ્યો ગયો. થોડી વાર પછી રઘુ ટ્રેનની નીચે ઉતરીને વિચાર્યું કે મારી પાસે આપવા માટે શું છે? ત્યાં જ એને એક ફૂલનો છોડ દેખાયો. તેણે થોડા ફૂલ તોડી લીધા અને પછી જ્યારે કોઈ તેને ભીખ આપે તો તે તેને ફૂલ આપતો. લોકોને પણ આ ગમવા લાગ્યું કે આ ભિખારી બધા કરતાં કેટલો અલગ છે. લોકો એને વધુ પૈસા આપવા લાગ્યા. થોડા દિવસો પછી ટ્રેનમાં જ પેલો સુટ પહેરેલો માણસ પાછો રઘુને મળ્યો, ત્યારે રઘુએ તેની પાસે જઈને કીધું કે સાહેબ મને ભીખ આપો મારી પાસે આજે તમને આપવા માટે કંઇક છે.
પેલા માણસે થોડા પૈસા આપ્યા તો રઘુએ બદલામાં તેને ફૂલ આપ્યું. આ જોઈને પેલા માણસે કહ્યું કે વાહ સરસ, તને લેણ-દેણનું જ્ઞાન થઈ ગયું હવે તું ભીખારી નહિ પણ વેપારી છે. તું ઘણું બધુ કરી શકે છે!
રઘુને આ વાત અંદર સુધી અસર કરી ગઈ, ટ્રેનમાંથી ઉતરીને તે વિચારમાં પડી ગયો કે સાહેબના કહેવા પ્રમાણે હું વેપારી છું તો વેપાર પણ કરી શકું. અને મનમાં ને મનમાં નિર્ણય લીધો કે હું પેલા વેપારી જેવો બનીને દેખાડીશ અને હું પણ સુટમાં ફરીશ અને પછી તેને જોરથી બુમ પાડી કે હું ભિખારી નહીં વેપારી છું. આજુબાજુ રહેલા લોકો હસવા લાગ્યા ને તેને ગાંડો કહેવા લાગ્યા.
ત્યાર પછી છ મહિના સુધી રઘુ ત્યાં કે બીજા કોઈ રેલ્વે સ્ટેશન પર દેખાયો નહિ. પછી એક દિવસ બે સુટ પહેરેલા માણસ ભેગા થયા. એક માણસ બીજા માણસ ને કહે કે આપણે ત્રીજી વખત મળી રહ્યા છીએ. ત્યારે બીજા માણસે કહ્યું કે મને લાગે છે કે આપણે પહેલી વખત મળી રહ્યા છીએ. તમને કંઇક ગેરસમજણ થઈ લાગે છે. ત્યારે પેલા માણસે કહ્યું કે જી ના મને કોઈ ગેરસમજણ નથી, હું એ જ ભિખારી છું જેને તમે પહેલી મુલાકાતમાં સમજાવ્યું કે આપણી પાસે કંઇ દેવા લાયક ન હોય તો માંગવું જોઈએ નહિ. અને બીજી મુલાકાત માં સમજાવ્યું કે જો હું વિચારૂ તો શું કરી શકું તે દિવસથી મેં ફુલો તોડીને વેંચવાનું ચાલુ કર્યુ, પછી ફુલો ખરીદીને વેંચવાનું ચાલુ કર્યુ, આજે મારો ફુલોનો વિશાળ ધંધો છે. પેલો માણસ સાંભળીને ખુશ થઈ ગયો.
પેલા ભિખારી અને આપણામાં ઘણી સામ્યતા છે, આપણને પણ આપણા મન પર વિશ્વાસ નથી કે તે શું કરી શકે. એક વસ્તુ આપણે બધાને સમજવાની અને જિંદગીમાં ઉતારવાની જરૂર છે કે સૌ પ્રથમ પોતાની જાત પર ભરોસો રાખવો.

Leave a Reply

*