‘તિરંગા નો પાંચમો રંગ’

‘બોલો તિરંગામાં કેટલા રંગ છે?’ પ્રવીણ પરેરા, ક્વિઝ માસ્ટર, પ્રિતિસ્પર્ધિઓને પૂછી રહ્યો હતો.
બધા હસવા લાગ્યા, ‘તિરંગામાં ત્રણ જ રંગ હોય ને?’
ખાલી એક ચાર્મીએ હાથ ઉપર રાખ્યો હતો. પ્રવીણ સરે, એને પૂછયું ‘તારો જવાબ અલગ છે?’
એણે હકારમાં માથું હલાવ્યું ને બોલી ‘પાંચ.’ અને આખા હોલમાં હાસ્યની છોડો ગુંજી ગઈ.

પ્રવીણ સર પણ થોડું મલકાઈને એમાં જોડાઈ ગયા. વાત એમ હતી કે બોર્નવિનર કંપની તરફથી દર વર્ષે આંતરસ્કૂલ સ્પર્ધા લેવામાં આવતી જેમાં દરેક સ્કૂલ પોતાનાં બે બાળકો ને સ્પર્ધક તરીકે મોકલાવી ને આ પ્રતિષ્ઠિત સ્પર્ધા ‘બોર્નવિનર ક્વિઝ કોન્ટેસ્ટ’ જીતવાની હોડમાં રહેતાં. આ સ્પર્ધાનું મહત્વ એટલે હતું કે આ સ્પર્ધા ફક્ત બુદ્ધિ સ્પર્ધા રહેતી અને જે સ્કૂલ આ સ્પર્ધા જીતે તેનું નામ મોટું થઇ જતું એટલે આ સ્પર્ધા જીતવા દરેક સ્કૂલ દર વર્ષે ખુબ આતુર રહેતી. તદ્દઉપરાંત આ સ્પર્ધા ટીવી પર પણ પ્રદર્શિત થતી, દર શનિવારે.
આ સ્પર્ધા વર્ષ 2019-20 માટે હતી અને યોગાનુયોગ, એનો છેલ્લો હપ્તો જેને ‘ગ્રાન્ડ ફિનાલે’ કહે છે તે શનિવાર આ વખતે 26મી જાન્યુઆરી, 2019ના આવતો હતો. સૌ જાણતા જ હશો કે આવી સ્પર્ધાઓનું 15 દિવસ પહેલા જ શૂટિંગ થઇ જાય અને આપણને એના ટુકડાઓ જાહેર ખબર રૂપે પહેલાથી બતાવવામાં આવે છે. પણ પ્રસારણ સમયે એવી ટેક્નિકથી એડિટ કરીને ઓન એર કરે કે આપણને એવું લાગે જાણે આ સ્પર્ધા હમણાં આપણી સામે રમાઈ રહી છે અને આપણે ઇંતેજારી પૂર્વક એને માણીએ છીએ.
અને આ ગ્રાન્ડ ફિનાલેનો સ્પેશ્યલ એપિસોડ હતો એટલે સાપ્તાહિક 1 કલાકના સમયની બદલે આ એપિસોડ માટે ચેનલે અઢી કલાકનો સમય ફાળવ્યો હતો. માટે પ્રવીણ સર વચ્ચે કોઈ દર્શકને, જુના સ્પર્ધક ને ક્યારે બધાને એમ સવાલ પૂછી લેતો.
એ રીતે એણે બધા બહાર થઇ ગયેલા સ્પર્ધકો ને એક સવાલ પૂછયો ‘બોલો તિરંગામાં કેટલા રંગ છે?’
આપણી ચાર્મીએ જવાબ આપ્યો ‘પાંચ.’
એટલે એ બધા માટે ખુબ હાંસી પાત્ર થઇ ગઈ પણ ટીવી પર સ્પર્ધામાં પણ થોડું મનોરંજન હોવું જોઈએ એ ક્વિઝ માસ્ટર પ્રવીણ જાણતો એટલે તરતજ ચાર્મી ને સેન્ટર સ્ટેજ પર આમંત્રિત કરવામાં આવી.
બધા એની મઝા જોવા તૈયાર હતાં. સૌને ખબર હતી હમણાં ક્વિઝ માસ્ટર પોતાની સ્ટાઇલમાં એની અને એની સ્કૂલની ખબર લઇ નાંખશે, એટલે એની બાજુમાં બેઠેલાં એના જેવા બહાર થઇ ગયેલા સ્પર્ધકો એને રોકી રહ્યા હતાં પણ ચાર્મી, પાંચ વરસની આ બાળકી, નિભકપણે ક્વિઝ માસ્ટર પાસે પહોંચી ગઈ. પ્રવીણ સર: તારું અને તારી સ્કૂલનું નામ જણાવ બધાંને.
ચાર્મી: ચાર્મી, જ્ઞાનસરિતા મહાવિદ્યાલય, જામનગર.
પ્રવીણ સર: શાબ્બાશ, તારી સપર્ધા કેટલાં લેવલ સુધી હતી. ચાર્મી: બે રાઉન્ડ સુધી. પ્રવીણ સર: હવે તારો જવાબ ફરીથી આપીશ? આપણા રાષ્ટ્રીય ધ્વજ તિરંગામાં કેટલા રંગ હોય છે ?
ચાર્મી: પાંચ.
ફરી હાસ્યની છોડો ફરી વળી આખા ઓડિટોરિયમમાં. કેટલાક ચતુર લોકોએ એની મુર્ખામીને તાળીઓથી વધાવી લીધી. ક્વિઝ માસ્ટર પણ પોતાનું હસવાનું રોકીને માંડ માંડ ગંભીર થવાની કોશિશ કરી રહ્યો હતો.
પ્રવીણ સર: તો અમને સૌને આ પાંચ રંગો વિષે જાણકારી આપી શકીશ?
ચાર્મી: હા, સર.
પ્રવીણ સર: ઓકે. તો અમને સૌને આ પાંચ રંગ વિષે જ્ઞાન આપ. (આખી સભામાં હજી પણ ઠઠા મશ્કરી ચાલુ હતાં. બધા એની સ્કૂલ પર હસતાં હતાં કે આ સ્કૂલમાં આનાથી હોશિયાર કોઈ બાળક નહિ હોય?)
ચાર્મી: ભલે સર.
એણે જવાબ આપવાની તૈયારીમાં સમય લીધો.
બધા એનો કેવો ફજેતો થાય છે એ જોવા આતુરતાંથી બેઠા હતાં.
પ્રવીણ સર: ઓકે. ઓલ ઘી બેસ્ટ. ચાર્મી: પહેલો રંગ છે ‘કેસરી’. જે આપણા તિરંગામાં સૌથી ઉપરનાં ભાગમાં હોય છે.
પ્રવીણ સર: બરાબર, 1 રંગ થયો.
ચાર્મી: બીજો રંગ છે ‘સફેદ’ જે આપણા તિરંગાનાં વચલાં ભાગમાં હોય છે.
આ વખતે તાળીઓ અને ચિચિયારીઓ બમણી થઇ ગઈ. સૌ ભરપૂર આનંદ ઉઠાવતાં હતાં જયારે ફક્ત ક્વિઝ માસ્ટર અને ચાર્મી જ શાંત અને ગંભીર બેઠાં હતાં.
પ્રવીણ સર: બરાબર, 2 રંગ થયાં.
ચાર્મી: ત્રીજો રંગ છે ‘લીલો’ જે આપણા તિરંગાનાં સૌથી નીચલાં ભાગમાં હોય છે.
સૌને હવે આગળનો ફિયાસ્કો માણવાની આતુરતાં પરાકાષ્ઠા એ હતી.
પ્રવીણ સર: બરાબર, 3 રંગ થયાં.
ચાર્મી: ચોથો રંગ છે ‘બ્લુ’ જે આપણા તિરંગાનાં વચલાં ભાગમાં જે ચક્ર છે તેનો રંગ. પ્રવીણ સર: બરાબર, 4 રંગ થયાં. પણ બેટા તે પાંચ રંગ કહ્યાં છે. આ પાંચમો રંગ કયો? એ કહીશ?
ચાર્મી: પાંચમો રંગ છે ‘લાલ’ જે આપણા તિરંગામાં હોય છે.
અને આખો હોલ ખડખડાટ હસવા લાગ્યો. પાછો તાળીઓ અને ચિચિયારીઓ અને સીટીઓનો નવો દોર ચાલુ થઇ ગયો.
ક્વિઝ માસ્ટરે વિનંતી કરીને બધાને શાંત કર્યાં.
પ્રવીણ સર: મેં ક્યારે આપણા તિરંગામાં લાલ રંગ જોયો નથી. બીજા કોઈએ જોયો છે (એણે હાજર મેદની સામે જોઈને પૂછયું. અને બધાએ એક મોટો બુચકારો બોલાની ને નાં પડી). ચાર્મી? રાઈટ? તે કયારે જોયો છે આ લાલ રંગ આપણા રાષ્ટ્રીય ધ્વજ તિરંગામાં ?
ચાર્મી: હા સર, મારા આર્મી ઓફિસરના પપ્પા જયારે છેલ્લે ઘરે આવ્યાં ત્યારે એમણે જે તિરંગો ઓઢ્યો હતો ને એમાં વચ્ચે વચ્ચે લાલ રંગ લાગેલો હતો.
આખા હોલમાં એક સન્નાટો છવાઈ ગયો. એક કારમું લખલખું પસાર થઇ ગયું બધાની કરોડરજ્જુ માંથી. એક એક આંખમાં આંસુ હતાં.
પછી કોઈ કાંઈ બોલ્યું નહિ. ફક્ત ક્વિઝ માસ્ટરએ ચાર્મીને તેડી એને પપ્પીઓથી નવડાવી દીધી અને બોલ્યો ‘જે દિવસે આખા દેશ ને આ પાંચમો રંગ દેખાઈ ગયો ને એ દિવસ આ આતંકવાદ નો છેલ્લો દિવસ હશે.’

Leave a Reply

*